લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોનું બહુમત સમર્થન પ્રાપ્ત કરીને બોરિસ જ્હોન્સન પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે નજીકના હરીફ અને ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટને જોરદાર શિકસ્ત આપી હતી. બોરિસ જ્હોન્સનને પ્રાપ્ત ૯૨,૧૫૩ મતની સામે હન્ટને તેમનાથી લગભગ અડધા એટલે કે ૪૬,૬૫૬ મત મળ્યા હતા. નવા નેતા ગુરુવારે બપોર પછી થેરેસા મે પાસેથી સત્તાની કમાન સંભાળશે. નેતાગીરીના અભિયાનના અંત પછી વિજયના પગલે બોરિસ જ્હોન્સને પક્ષમાં એકતાની હાકલ કરી હતી. તેમણે સમજૂતી સાથે અથવા સમજૂતી વિના પણ ૩૧ ઓક્ટોબરની મર્યાદા સુધીમાં બ્રેક્ઝિટ સમસ્યા હલ કરવાના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો છે. બોરિસ જ્હોન્સનને વારસામાં તેમના પુરોગામી થેરેસા મે જેટલી જ માત્ર બે સાંસદની અત્યંત પાતળી બહુમતી મળી છે. આ સ્તિતિમાં તેમની બ્રેક્ઝિટ નીતિથી નારાજ ટોરી સાંસદો બળવો પોકારશે તો શું પરિસ્થિતિ સર્જાશે તેનું અનુમાન કરવું પણ મુશ્કેલ છે.
વેસ્ટમિન્સ્ટરમાં ક્વીન એલિઝાબેથ -ટુ સેન્ટર ખાતે મતગણતરી પછી ફ્રન્ટ રનર બોરિસ જ્હોન્સનને નેતાગીરીની હોડમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ અને તેમના મુખ્ય સ્પર્ધક જેરેમી હન્ટ સાથે જ બેઠા હતા. તેમણે સભ્યોના ૬૬ ટકા મત મેળવ્યા હોવાની જાહેરાત કરાઈ ત્યારે હોરિસના પિતા સ્ટેનલી, બહેન રાચેલ અને ભાઈ જો પણ પ્રેક્ષાગૃહમાં હાજર હતા. જોકે, તેમની ગર્લફ્રેન્ડ કારી સિમોન્ડ્સ દેખાઈ ન હતી. બાળપણથી જ ‘વર્લ્ડ કિંગ’ બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા જ્હોન્સને પ્રતિસ્પર્ધી હન્ટની પ્રશંસા કરી હતી અને દેશની ‘અસાધારણ સેવા’ કરવા બદલ થેરેસા મે પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.
બ્રેક્ઝિટ કરાવવાની ખાતરી આપી
બોરિસે જણાવ્યું હતું કે પક્ષે હવે યુરોપ સાથે ગાઢ સંબંધની જરૂરિયાતના બદલે લોકશાહીવાદી સેલ્ફ-ગવર્મેન્ટની ઈચ્છાને અપનાવી લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે તેઓ બ્રેક્ઝિટ ડિલિવર કરશે, દેશને એકસંપ બનાવશે અને જેરેમી કોર્બીનને પરાજિત કરશે. તેમણે કહ્યું હતું કે, ‘આપણે દેશને શક્તિશાળી બનાવીશું. એક નિદ્રામાં સરેલા જાયન્ટની માફક આપણે જાગીશું અને સ્વ-શંકાના દોરડાઓને તોડી નાખીશું.’ વડા પ્રધાન પદે નિયુક્ત થયેલા બોરિસ હવે તેમના હોદ્દાના પ્રથમ તબક્કાનું આયોજન કરી રહ્યા છે. પૂર્વ ફોરેન સેક્રેટરી કેબિનેટ રીશફલની તૈયારી કરી રહ્યા છે. મિસિસ મેના ડેપ્યુટી ડેવિડ લિડિંગ્ટન, બ્રિઝનેસ સેક્રેટરી ગ્રેગ ક્લાર્ક અને નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી કારેન બ્રેડલીનું પત્તું કપાવાની ધારણા છે તો બીજી તરફ, પૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી ડોમિનિક રાબ કેબિનેટમાં મહત્ત્વના સ્થાને જોડાઈ શકે છે.
નો-ડીલ સામે વધી રહેલો વિરોધ
બોરિસના સાથીઓ ટેક્સમાં કાપના મલ્ટિ-બિલિયન પાઉન્ડના વચનોમાં આગળ વધવા મક્કમ છે. આ માટે સરકારના ઋણમાં વધારો કરવા માટે પણ તૈયાર છે. જોકે, જ્હોન્સન ‘ડુ ઓર ડાઈ’ના વલણ સાથે બ્રેક્ઝિટને સમજૂતી સાથે કે વિના પણ હેલોવિન એટલે કે ૩૧ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા માટે મક્કમ છે ત્યારે તેમની યોજના સામેનો વિરોધ પણ વધી રહ્યો છે. એજ્યુકેશન મિનિસ્ટર એન મિલ્ટને નેતાગીરીનું પરિણામ જાહેર થાય તે અગાઉ જ રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ બોરિસની બ્રેક્ઝિટ યોજનામાં આગળ વધી શકે તેમ નથી.
જસ્ટિસ સેક્રેટરી ડેવિડ ગૌકે સહિત આશરે અડધો ડઝન મિનિસ્ટર્સે જ્હોન્સનના હાથ નીચે કામ કરવાના બદલે રાજીનામું આપી દેવાનું કહેલું છે. ગૌકેએ જણાવ્યું હતું કે પાર્લામેન્ટ નો-ડીલને અવરોધવા કોઈ માર્ગ શોધી કાઢશે. ફોરેન ઓફિસ મિનિસ્ટર સર એલન ડન્કને સોમવારે રાજીનામું આપી દીધું હતું. નેતાગીરીના અગ્ર ઉમેદવાર જ્હોન્સને સમજાવટ માટે ચાન્સેલર ફિલિપ હેમન્ડ અને ગૌકે સાથે વાતચીત કરી હતી પરંતુ, નો-ડીલ તરફ તેમના વિરોધમાં કોઈ પરિવર્તન આવ્યું ન હતું. ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી અને નેતાગીરીની સ્પર્ધામાં પરાજિત રોરી સ્ટુઅર્ટે પણ બોરિસ સત્તા હસ્તગત કરે તે પહેલા કેબિનેટમાંથી રાજીનામું આપી દેવાની જાણ કરી હતી. સ્ટુઅર્ટે બેકબેન્ચમાં રીમેઈનર્સ જૂથ સાથે બેસવાનો સંકેત આપ્યો હતો.
કરકસરના યુગનો અંત આવશે
જ્હોન્સનના સાથીઓ અનુસાર તેમના વડા પ્રધાન પદના કાર્યકાળમાં માત્ર બ્રેક્ઝિટનો મુદ્દો જ બની રહેશે નહિ. જ્હોન્સને પ્રચાર અભિયાનમાં ખર્ચા વધારવાની બાંહેધરીઓ આપી હતી જેની કુલ રકમ ૨૬ બિલિયન પાઉન્ડ જેટલી થવા જાય છે. આ ખર્ચાઓ સાથે કરકસરના યુગનો અંત આવશે. સોશિયલ કેર માટે નવી ઈન્સ્યુરન્સ સિસ્ટમ, ઓછી કમાણી કરનારાઓ માટે આશરે ૧૧ બિલિયન પાઉન્ડના ખર્ચે નેશનલ ઈન્સ્યુરન્સની મર્યાદા વધારીને ૧૨,૫૦૦ પાઉન્ડ, શાળાઓને ભંડોળમાં વધારો તેમજ ટેક્સની ઊંચી મર્યાદા ૮૦,૦૦૦ પાઉન્ડ, લઘુતમ વેતનમાં વધારો કરવા તેમજ સ્ટેમ્પ ડ્યૂટીમાં કાપ સહિતના પગલા ભરવા માગે છે. મહત્ત્વની પોલિસીઓમાં આગળ વધવા કરજ લેવું પડે તો પણ તેના માટે નવી સરકાર તૈયાર હશે. બોરિસની છાવણી અનુસાર ખર્ચાના બોરિસના વચનોનું માન કરવા આગામી બજેટમાં ખાધઘટાડાને કામચલાઉ સ્થગિત પણ કરી શકાશે. જહોન્સનની ટીમ તેમની સરકારના પ્રથમ ૧૦૦ દિવસની અંદર ડોમેસ્ટિક પોલિસીની સંખ્યાબંધ જાહેરાતોનું આયોજન કરી રહી છે.
પ્રીતિ પટેલ હોમ સેક્રેટરી અને લિઝ ટ્રસ ચાન્સેલર બની શકે
લંડનઃ વિદાય લેતા વડા પ્રધાન થેરેસા મેની સરકારમાં ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી તરીકે સેવા આપનારા ભારતીય મૂળના પ્રીતિ પટેલ નવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની કેબિનેટમાં વર્તમાન હોમ સેક્રેટરી સાજિદ જાવિદના સ્થાને પદ હાંસલ કરે તેવી શક્યતા છે. ઈસેક્સમાં વિથામના સાંસદ પ્રીતિ પટેલને ૨૦૧૭માં વડા પ્રધાનની જાણ બહાર જ ઈઝરાયેલી પ્રધાનો, બિઝનેસ અગ્રણીઓ સાથે બિનસત્તાવાર બેઠકો યોજવા બદલ કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવ્યાં હતાં.
બોરિસ જ્હોન્સન મોટા પાયે કેબિનેટ ફેરફારને આખરી સ્વરુપ આપી રહ્યા છે. તેઓ પ્રજાને એમ ગળે ઉતારવા માગે છે કે તેઓ ‘બ્રિટિશ ડોનાલ્ડ ટ્રમ્પ’ નથી. તેમના સલાહકારો પ્રીતિ પટેલને હોમ સેક્રેટરી બનાવવા અનુરોધ કરી રહ્યા છે જેના કારણે બોરિસ ડોનાલ્ડ ટ્રમ્પની બ્રિટિશ આવૃત્તિ નહિ હોવાનો સંદેશ બ્રિટિશ જનતાને જશે અને મહત્ત્વના પદ પર એક મહિલાને સ્થાન મળશે.
લંડનના પૂર્વ મેયર તેમની કેબિનેટમાં લિઝ ટ્રસ અને નિકી મોર્ગનને પણ સીનિયર ભૂમિકા આપવા વિચારતા હોવાનું મનાય છે. વર્તમાન ચાન્સેલર ફિલિપ હેમન્ડે તેઓ જ્હોન્સનના નેતૃત્વમાં ચાન્સેલર તરીકે ચાલુ રહેવા ઈચ્છુક નહિ હોવાનું જણાવ્યું છે ત્યારે લિઝ ટ્રસ ડોમિનિક રાબ અને સાજિદ જાવિદને પાછળ ધકેલી યુકેના સૌપ્રથમ મહિલા ચાન્સેલર બનવાની સ્પર્ધામાં હોવાનું પણ કહેવાય છે. આમ છતાં, જો જાવિદ ચાન્સેલરનું પદ મેળવી શકશે તો મહત્ત્વના હોદ્દા પર બે વંશીય લઘુમતી રાજકારણી સાથેની પ્રથમ કેબિનેટ બની રહેશે.
એટનમાં અભ્યાસ કરેલા પાંચમા વડા પ્રધાન
બોરિસ જ્હોન્સન દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી એટન કોલેજમાં અભ્યાસ કરેલા પાંચમા વડા પ્રધાન હશે. સ્વતંત્ર અને ફી ભરી બોર્ડિંગની સુવિધા સાથેની સ્કૂલમાં અભ્યાસ કરનારા અન્ય ચાર વડા પ્રધાનોમાં ડેવિડ કેમરન (૨૦૧૦-૧૬), એલેક ડગ્લાસ હોમ (૧૯૬૩-૬૪), હેરોલ્ડ મેકમિલન (૧૯૫૭-૬૩) અને એન્થની એડન (૧૯૫૫-૫૭)નો સમાવેશ થાય છે. બોરિસ જ્હોન્સનની માફક આ બધા જ કન્ઝર્વેટિવ પાર્ટીના વડા પ્રધાન હતા.
આનો અર્થ એ થાય કે ૧૯૪૫થી યુકેના ૧૫ વડા પ્રધાનના એક તૃતીઆંશ તો ઓલ્ડ એટનિયન છે. સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ નામ અપાયેલું છે. યુદ્ધકાળ પછીના અન્ય ત્રણ વડા પ્રધાનોએ સ્વતંત્ર શાળાઓમાં અભ્યાસ કર્યો હતો, જેમાં ક્લેમેન્ટ એટલી (હેઈલીબરી), વિન્સ્ટન ચર્ચિલ (હેરો) અને ટોની બ્લેર (ફેટ્ટેસ) આવે છે. વિદાય લઈ રહેલા વડા પ્રધાન થેરેસા મે સહિત બાકીના અન્ય વડા પ્રધાનોએ ગ્રામર સ્કૂલ્સમાં અભ્યાસ કર્યો હતો.


