લંડનઃ બોરિસ જ્હોન્સન સરકારે પાર્લામેન્ટમાં પોતાની સરકારનો એજન્ડા રજૂ કર્યો હતો. તેમણે પોતાની યોજનાઓ ૧૦ વર્ષ સુધીની દર્શાવી છે જેમાં, આરોગ્ય સેવા, બ્રેક્ઝિટ, બંધારણીય સુધારા, નાના બિઝનેસીસને રીટેઈલ બિઝનેસ રેટ્સમાં ડિસ્કાઉન્ટ, સોશિયલ કેર માટે વધારાનું ભંડોળ, ત્રાસવાદી અપરાધો માટે વધુ કડક સજા, નવા મકાનોનાં નિર્માણ સહિતના કાર્યોનો સમાવેશ કરાયો છે.
• NHS ભંડોળ બિલઃ આગામી ચાર વર્ષમાં આરોગ્ય સેવા પાછળ વધારાના ૩૩.૯ બિલિયન પાઉન્ડનો ખર્ચ
• ક્વીન્સ સ્પીચમાં સ્પષ્ટ ખાતરી અપાઈ છે કે NHS વેચાણ માટે નથી અને કદી રહેશે નહિ. બ્રેક્ઝિટ પછીની મંત્રણાઓમાં NHS ડ્રગ્સની કિંમતો વાટાઘાટનો મુદ્દો નહિ રહે.
• મુક્ત અવરજવરનો અંતઃ યુરોપિયન દેશો વચ્ચે નાગરિકોની મુક્ત અવરજવરના અંત ઉપરાંત, ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયન સ્ટાઈલની પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ લવાશે
• નર્સીસની સંખ્યામાં ૫૦,૦૦૦ અને ડોક્ટર્સ (GP)ની સંખ્યા ૬,૦૦૦ વધારવા માટે તબીબોને નોકરીની ઓફર સાથે ફાસ્ટ-ટ્રેક વિઝા સિસ્ટમ
• બંધારણીય સુધારાઃ ફિક્સ્ડ ટર્મ પાર્લામેન્ટ એક્ટ રદ કરવાથી માંડી સુપ્રીમ કોર્ટની ભૂમિકાની સમીક્ષા,૩૧ જાન્યુઆરી પછી બ્રેક્ઝિટ ડિપાર્ટમેન્ટ રદ કરાશે.
• બ્રેક્ઝિટ બિલમાં ટ્રાન્ઝીશન પિરિયડનો ડિસેમ્બર ૨૦૨૦માં અંત લાવવાનો તેમજ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા અપાયેલા ચુકાદા ઉલટાવવાની વધુ સત્તા બ્રિટિશ જજીસને આપવાના વચનનો પણ ઉલ્લેખ છે.
• બ્રેક્ઝિટ પછીના જીવન માટેની તૈયારી રાખવા કસ્ટમ્સ, એગ્રીકલ્ચર અને ફિશિંગની વ્યવસ્થાના કાયદા
• હજારો નાના બિઝનેસીસને રીટેઈલ બિઝનેસ રેટ્સ ડિસ્કાઉન્ટ ૩૩ ટકાથી વધારી ૫૦ ટકા કરીને રાહત
• નવી પાર્લામેન્ટની મુદત દરમિયાન દર વર્ષે સોશિયલ કેર વધારાના એક બિલિયન પાઉન્ડનું ભંડોળ
• લશ્કરી દળોને સુરક્ષાઃ લશ્કરી દળોના પીઢ સૈનિકોને બદઈરાદા સાથેની કાનૂની કાર્યવાહીમાંથી બચાવવા હ્યુમન રાઈટ્સ એક્ટમાં સુધારા
• બ્રેક્ઝિટ પછી કામદારોના અધિકારો સુરક્ષિત રહે અને વધારવા માટે વર્કર્સ રાઈટ્સ બિલ
• રેલવે જેવી મહત્ત્વપૂર્ણ આવશ્યક સેવાઓમાં હડતાળ દરમિયાન માળખાકીય સેવા આપવા જાહેર ક્ષેત્રના યુનિયનો પર દબાણ લાવવા મિનિમમ સર્વિસ એગ્રીમેન્ટ બિલ. ઓપરેટર્સ અને યુનિયનોએ કરાર પર સહી કરવી પડશે.
• ત્રાસવાદી અપરાધો માટે સજાઃ ગંભીર ત્રાસવાદી ગુનાઓ માટે દોષિત વયસ્કોને લઘુતમ ૧૪ વર્ષની જેલની સજાની જોગવાઈ કરાશે.
• નવા મકાનોનું નિર્માણઃ આ પાર્લામેન્ટના સત્ર દરમિયાન નવા દસ લાખ મકાન બાંધવામાં આવશે. આ ઉપરાંત, પ્રથમ વખત ઘર ખરીનારાઓને વધુ મદદ તેમજ મકાન ભાડે રાખનારાઓ માટે વધુ સુરક્ષા
• શાળાઓને વધારાનું ભંડોળ
• HS2 વિવાદાસ્પદ રેલ પ્રોજેક્ટઃ જેનું બજેટ ૧૦૦ બિલિયન પાઉન્ડ તરફ ધસી રહ્યું છે તેવા વિવાદિત HS2 રેલ પ્રોજેક્ટ વિશે જ્હોન્સનની નારાજગી છતાં તેનો ઉલ્લેખ કરાયો છે. જ્હોન્સને પ્રચાર દરમિયાન વિવાદમાં પડવાનો સતત ઈનકાર કર્યો હતો.

