બોરિસ જ્હોન્સનને અભૂતપૂર્વ બહુમતીઃ લેબર પાર્ટીનો રકાસઃ એક્ઝિટ પોલ સાચા ઠર્યા

કન્ઝર્વેટિવ (૩૬૪), લેબર (૨૦૨), લિબડેમ (૧૧), એસએનપી (૪૮), ડીયુપી (૮), સિન ફિન (૭), પ્લેઈટ સિમરુ (૪) તેમજ અન્યોને ૩ બેઠકઃ કોર્બીનની નેતાપદેથી રાજીનામું આપવાની જાહેરાતઃ જો સ્વિન્સનનું રાજીનામું

Friday 13th December 2019 04:39 EST
 
 

લંડનઃ લેબરનેતા જેરેમી કોર્બીનના લાલ કિલ્લાને ધ્વસ્ત કરી ટોરી નેતા બોરિસ જ્હોન્સને અભૂતપૂર્વ બહુમતી સાથે સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. વિજયને ઐતિહાસિક ગણાવવા સાથે બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે ટોરી પાર્ટીને બહુમતી અપાવનાર લાખો મતદારોના વિશ્વાસને તેઓ તોડશે નહિ. લગભગ ૧૦૦ વર્ષ પછી ડિસેમ્બરમાં યોજાએલી પ્રથમ ચૂંટણીમાં લેબર પાર્ટીએ ૧૯૩૫ પછી સૌથી શરમજનક હાર મેળવી છે. તમામ ૬૪૯ બેઠકના પરિણામો જાહેર થયાં પછી કન્ઝર્વેટિવ પાર્ટી (૩૬૫), લેબર પાર્ટી (૨૦૨), લિબરલ ડેમોક્રેટ્સ (૧૧), સ્કોટિશ નેશનલ પાર્ટી (૪૮), ડીયુપી (૮), સિન ફિન (૭), પ્લેઈટ સિમરુ (૪) તેમજ અન્યોને ૩ બેઠકો પર વિજય મળ્યો છે. નાઈજેલ ફરાજની બ્રેક્ઝિટ પાર્ટીને એક પણ બેઠક મળી નથી. નોર્થ ઈસ્ટમાં લેબર પાર્ટીના મજબૂત ગઢના કાંગરા તૂટી પડ્યા હતા અને ટોરી પાર્ટીએ કહેવાતી લાલ દિવાલને તોડી પાડી હતી. લેબરનેતા જેરેમી કોર્બીને આગામી ચૂંટણી અગાઉ પક્ષના નેતાપદેથી રાજીનામું આપવા જાહેરાત કરી દીધી છે.

વિજયી જ્હોન્સને જણાવ્યું હતું કે, ‘ હવે આપણે બ્રેક્ઝિટને પૂર્ણ કરીએ. ચૂંટણીએ આખરે બ્રેક્ઝિટ મુદ્દાની પતાવટ કરી દીધી છે. હવે તેઓ બ્રેક્ઝિટને પરિપૂર્ણ કરવા આગળ વધશે. તેમને જનતાએ વિશ્વાસનો મજબૂત મત આપ્યો છે અને તેમના વિશ્વાસને પૂરવાર કરવા રાત અને દિવસ કામ કરશે.’ કન્ઝર્વેટિવ પાર્ટીને કુલ મતના ૪૩.૬ ટકા અને લેબર પાર્ટીને ૩૨.૨ ટકા મત મળ્યા હતા.

લેબર પાર્ટીને ૨૦૧૭ની સરખામણીએ ૫૯ બેઠક ઓછી મળવા સાથે શરમજનક પરાજય પછી કોર્બીને પાર્ટીના નેતાપદેથી તેઓ રાજીનામું આપશે તેમ જણાવ્યું છે. જોકે, તેમણે કહ્યું હતું કે તેમની ડાબેરી વિચારસરણી હજુ પણ લોકપ્રિય છે અને તેમણે રાજકીય રકાસ માટે બ્રેક્ઝિટ મુદ્દાને દોષ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના સ્થાને નવો નેતા ચૂંટી ન લેવાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર રહેશે.નોંધપાત્ર એ છે કે વડા પ્રધાન બનવાના દાવેદાર ગણાયેલાં લિબ ડેમ નેતા જો સ્વિન્સન પોતાની ઈસ્ટ ડનબાર્ટનશાયર બેઠક પણ જાળવી શક્યાં નથી અને તેમણે તાત્કાલિક અસરથી પક્ષના નેતાપદેથી રાજીનામું આપી દીધું છે. લેબર પાર્ટીના ભાવિ નેતા ગણાવાયેલાં લૌરા પિડકોક પણ હારી ગયાં હતાં.

પાંચ વર્ષમાં ત્રીજી સામાન્ય ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું તે પછીના એક્ઝિટ પોલ્સમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ભવ્ય વિજય અને લેબર પાર્ટીના રકાસની આગાહી કરી દેવાઈ હતી. ૨૦૧૭ની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્ઝને ૩૧૮ અને લેબર પાર્ટીને ૨૬૨ બેઠક મળી હતી.

બ્રિટન માટે સૌથી મહત્ત્વપૂર્ણ અને પાંચ વર્ષમાં ત્રીજી સામાન્ય ચૂંટણી માટે ગુરુવાર ૧૨ ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. દેશના લગભગ તમામ પોલિંગ સ્ટેશનોએ લાંબી કતારો જોવાં મળી હતી. મુખ્યત્વે બ્રેક્ઝિટ અને NHSના મુદ્દાઓ પર લડાયેલી ચૂંટણીએ ૧૯૫૦-૬૦ના દાયકામાં વિન્સ્ટન ચર્ચિલ અને ક્લેમેન્ટ એટલી વચ્ચે વડા પ્રધાન બનવાની સ્પર્ધાની યાદ અપાવી હતી. કન્ઝર્વેટિવ નેતા બોરિસ જ્હોન્સને તેમના અક્સબ્રિજ મતક્ષેત્રના બદલે વેસ્ટમિન્સ્ટર એબી નજીક મેથોડિસ્ટ સેન્ટ્રલ હોલ ખાતેના પોલિંગ સ્ટેશને મતદાન કર્યું હતું. આ જરાક વિચિત્ર કહી શકાય કારણકે વિદાય લેતા વડા પ્રધાનો પરંપરાગત રીતે જ્યાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હોય ત્યાં મતદાન કરતા હોય છે. લેબરનેતા જેરેમી કોર્બીને તેમના પત્ની લૌરા આલ્વારેઝ સાથે પોતાના મતક્ષેત્ર ઈઝ્લિંગ્ટન નોર્થ ખાતે વહેલી સવારે મતદાન કર્યું હતું.

કોમન્સની ૬૫૦ બેઠકની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષ અને અપક્ષ સહિત ૩૩૨૧ ઉમેદવાર મેદાને જંગમાં છે જેમને ચૂંટવા માટે આશરે ૪૬ મિલિયન મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. કોઈ પણ પાર્ટીને બહુમતી માટે ૩૨૬ બેઠક જીતવાની જરૂર રહે છે.

ટ્રમ્પે મિત્ર બોરિસને અભિનંદન પાઠવ્યા

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટોરીનેતા અને મિત્ર બોરિસ જ્હોન્સનને અભિનંદન પાઠવતા ટ્વીટમાં જણાવ્યું હતું કે,‘બોરિસ જ્હોન્સનને આ ભવ્ય વિજય બદલ અભિનંદન. બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટ્સ હવે બ્રેક્ઝિટ પછી વિશાળ પાયા પર ટ્રેડ ડીલ હાંસલ કરવા મુક્ત બનશે. આ સોદો ઈયુ સાથે કરાઈ હોત તેવી કોઈ પણ સમજૂતી કરતા વધુ મોટો અને ઈકર્ષક બની રહેશે. અભિનંદન બોરિસ, ઉજવણી કરો!’

બોરિસને આટલી બહુમતીની ધારણા ન હતી

ટોરી પાર્ટીને જંગી બહુમતી મળી છે પરંતુ, હકીકત એ છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને આટલી બહુમતીની ધારણા જ ન હતી. એક્ઝિટ પોલ્સમાં ૩૬૮-૩૭૦ બેઠકની આગાહી કરાયા છતાં, પરિણામ આવવાની શરૂઆત થઈ તે પહેલા બોરિસને ૩૨૦થી ૩૩૦ બેઠક મળવાની આશા હતી. તેમની ગર્લફ્રેન્ડ પાર્ટનર મિસ કેરી સિમોન્ડ્સની ધારણા ૨૫ બેઠકની બહુમતીની હતી. મહિનાઓના આયોજન અને અદ્યતન ડેટા આધારિત પ્રચાર છતાં, બોરિસને પાતળી બહુમતીની આશા હતી. આ સાથે જ થેરેસા મેનું પુનરાવર્તન થવાનો ડર પણ હતો. જોકે, વિજયની આશા એટલી પ્રબળ હતી કે પુરોગામી વડા પ્રધાન થેરેસા મેની માફક રાજીનામાનું ભાષણ તેમણે તૈયાર કર્યું ન હતું. બીજી તરફ, બોરિસથી વિપરીત તેમની પ્રચારટીમના વડા ઈસ્સાક લેવિડોને વિજયનો સંપૂર્ણ વિશ્વાસ હતો. બોરિસના સલાહકાર ક્યુમિંગ્સ અને લેવિડોએ ભારે ગુપ્તતા સાથે એક સપ્તાહ અગાઉ તૈયાર કરાવેલા ‘'The People's Government’ બેનર્સ હેઠળ બોરિસ જ્હોન્સને વિજય સંબોધન કર્યું હતું.

પરિણામોથી બોરિસ એટલા સ્તબ્ધ બની ગયા હતા કે તેમણે બ્રેક્ઝિટ સુધી શરાબને હાથ નહિ લગાવવાની પ્રતિજ્ઞા પણ તોડી હતી કારણકે હવે બ્રેક્ઝિટ હાથવેંતમાં હતું. મહિનાઓ પછી તેમણે વાઈનનો ઘૂંટ લીધો હતો. તેઓ એટલા ભાવુક બન્યા હતા કે શુક્રવારે આયોજિત પાર્ટીમાં તેઓ પૂર્વ વડા પ્રધાન અને બ્રેક્ઝિટના મુદ્દે રાજકીય શત્રુ બનેલા મિત્ર ડેવિડ કેમરનને ભેટી પડ્યા હતા.

-------------------------------------------------------

પાર્ટી              બેઠક        લાભ/ નુકસાન

કન્ઝર્વેટિવ            ૩૬૫             + ૪૮

લેબર                  ૨૦૨              -૬૦

લિબ ડેમ્સ            ૧૧                -

SNP                 ૪૮               + ૧૩

ગ્રીન                  ૦૧                 ૦૦

DUP                ૦૮                -૦૨

સિન ફિન           ૦૭                 ૦૦

પ્લેઈડ સિમરુ       ૦૪                 ૦૦

એલાયન્સ           ૦૧                  +૦૧

SDLP              ૦૨                 +૦૨

સ્પીકર             ૧

કુલ ૬૫૦ બેઠક


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter