બોરિસ જ્હોન્સને બુરખા પહેરતી સ્ત્રીઓને ‘લેટરબોક્સ’ ગણાવતા સર્જાયેલો વિવાદ

Thursday 16th August 2018 03:00 EDT
 
 

લંડનઃ પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને અખબારી કોલમમાં બુરખાને ‘દમનકારી’ અને તેને પહેરનારી સ્ત્રીઓને ‘લેટરબોક્સ’ સમાન ગણાવતા ભારે વિવાદ જાગ્યો છે. બોરિસ જ્હોન્સને આ મુદ્દે માફી માગવા સ્પષ્ટ ઈનકાર કર્યો છે ત્યારે ટોરી પાર્ટીએ પૂર્વ મિનિસ્ટર વિરુદ્ધ સત્તાવાર તપાસ પણ આરંભી છે. તેમની વિરુદ્ધ તપાસના પરિણામે શિસ્તભંગના પગલાં લેવાય અને તેમની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવે તેવી પણ શક્યતા જણાય છે. પૂર્વ ફોરેન સેક્રેટરીની ટીપ્પણી મુદ્દે સમર્થકો અને વિરોધીઓ સામસામે આવી ગયા છે. મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટને જ્હોન્સનને માફી માગવા જણાવી તેમના પર અતિ કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. બીજી તરફ, વિપક્ષ લેબર પાર્ટીના સાંસદોએ ઇસ્લામોફોબિયાને ભડકાવવાનો આરોપ મુક્યો છે.

જ્હોન્સને બુરખા અને નકાબ વિશે શું કહ્યું?

પૂર્વ ફોરેન સેક્રેટરીએ ડેઈલી ટેલીગ્રાફમાં તેમની સાપ્તાહિક કોલમમાં બુરખા પહેરનારી સ્ત્રીઓની લેટરબોક્સ અને બેન્કલૂંટારા સાથે સરખામણી કરી હતી. બુરખામાં સંપૂર્ણ ચહેરો ઢાંકવામાં આવે છે, જ્યારે નકાબમાં માત્ર આંખ ખુલ્લી રહે છે અને હિજાબમાં ચહેરો ખુલ્લો રખાય છે. તેમણે લખ્યું હતું કે તેમને સાંસદ ઓફિસમાં મળવા આવતી સ્ત્રીઓ બુરખા કાઢે તેમ કહેવાનો તેમને અધિકાર છે. સ્કૂલ્સ અને યુનિવર્સિટીઓને પણ વિદ્યાર્થીઓ બેન્ક લૂંટારાની જેમ આવે તો આવું વલણ અપનાવે તેમાં ખોટું નથી. તેમણે બુરખાને દમનકારી ગણાવી લોકો તેમના ચહેરાને ઢાંકે તેવી અપેક્ષા રાખવાને ‘વિચિત્ર અને બળજબરી’ ગણાવી હતી. લોકો લેટરબોક્સ જેવા દેખાઈને હરતાફરતા રહેવાનું પસંદ કરે તે પણ તદ્દન હાસ્યાસ્પદ હોવાનું તેમણે જણાવ્યું હતું.

બુરખા કોમેન્ટથી હેટ ક્રાઈમ કાયદાનો ભંગ થયો નથી

મેટ્રોપોલીટન પોલીસ કમિશનર ક્રેસિડા ડિકે જણાવ્યું હતું કે ઘણા લોકો પૂર્વ ફોરેન સેક્રેટરીની બુરખા ટીપ્પણીને અપમાનકારી ગણતા હશે પરંતુ, તેમણે કોઈ ક્રિમિનલ અપરાધ કર્યો નથી. અમને હેટ ક્રાઈટના ભંગ સંબંધે કોઈ ફરિયાદ મળી નથી. બ્રિટને બુરખાને પ્રતિબંધિત કરવામાં ફ્રાન્સ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, બલ્ગેલિયા અને ડેન્માર્કનું અનુસરણ કરવું જોઈએ તે સિવાય તેમણે વધુ કહ્યું નથી. તેઓ કાયદેસરની ચર્ચા જગાવી રહ્યા છે.

બુરખા વિવાદમાં બોરિસને ભારે સમર્થન

ComRes સર્વે અનુસાર ૫૩ ટકા મતદારે પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન સામે શિસ્તભંગના પગલાં લેવાનો વિરોધ કર્યો છે જ્યારે, ૪૦ ટકાએ શિસ્તભંગના પગલાંની તરફેણ કરી હતી. જ્હોન્સનનું મોઢું બંધ કરવાના પ્રયાસની તેમના સમર્થકોની ફરિયાદો મધ્યે ૬૦ ટકા મતદારે જણાવ્યું હતું કે વાણીસ્વાતંત્ર્યના અધિકારોને નબળા પડાઈ રહ્યા છે જ્યારે, માત્ર પાંચ ટકાએ અધિકાર મજબૂત બની રહ્યા હોવાનું કહ્યું હતું. ૫૫થી વધુ વયના બહુમતી મતદારોએ શિસ્તભંગના પગલાનો વિરોધ કર્યા હતો જ્યારે ૧૮થી ૩૪ વયજૂથના બહુમતી મતદારોએ શિસ્તભંગના પગલાંની તરફેણ કરી હતી. આ જ પોલમાં ટોરી પાર્ટીના નેતાપદે ૨૬ ટકાએ થેરેસા મે અને ૨૪ ટકાએ બોરિસ જ્હોન્સનની તરફેણ કરી હતી તેમજ ૪૨ ટકા આ બંનેની વિરુદ્ધ હતા.

બુરખા પર પ્રતિબંધનો સીનિયર ઈમામનો અનુરોધ

ઓક્સફર્ડ ઈસ્લામિક કોંગ્રેગેશનના ઈમામ તાજ હાર્ગીએ બુરખા વિવાદમાં પૂર્વ ફોરેન સેક્રેટરી જ્હોન્સનને ટેકો આપતા કહ્યું છે કે આમાં માફી માગવા જેવું કશું નથી. તેમણે બુરખાને આદિવાસી નિન્જા પ્રકારના વસ્ત્ર તરીકે ગણાવ્યું હતું અને કુરાનમાં તેને કોઈ સમર્થન ન હોવાનું કહ્યું હતું. ઈમામે ચેતવણી આપી હતી કે ઉગ્રવાદી ઈસ્લામવાદીઓમાં બુરખો લોકપ્રિય બનતો જાય છે. તેમણે ફ્રાન્સ, ડેનમાર્ક સહિતના યુરોપિયન દેશોને અનુસરી બુરખા પર પ્રતિબંધ લગાવવા યુકેને અનુરોધ કર્યો હતો.

મુસ્લિમ કાઉન્સિલ દ્વારા વિરોધ

બ્રિટનના સૌથી મોટા ઈસ્લામિક સંગઠન ધ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટને બોરિસ જ્હોન્સન વિરુદ્ધ શિસ્તભંગ ઈન્ક્વાયરીના પગલાં લેવા થેરેસા મેને જણાવ્યું છે. કાઉન્સિલે કહ્યું હતું કે જ્હોન્સનના વિવાદાસ્પદ લેખના પરિણામે ઈસ્લામોફોબિક ઘટનાઓ વધી છે. લઘુમતીઓને શિકાર બનાવવાની પ્રવૃત્તિને માફી અપાય નહિ. મુસ્લિમવિરોધી ઘટનાઓ પર નજર રાખતા પ્રોજેક્ટ Tell Mama ના ડેટાએ દર્શાવ્યું છે કે જ્હોન્સનની કોલમ પ્રસિદ્ધ થયા પછી નકાબ અને હિજાબ પહેરનારી મહિલાઓ સામે જુલમની ઘટના વધી છે.

ટોરી પાર્ટી દ્વારા તપાસનો આરંભ

બોરિસ જ્હોન્સનની ‘લેટરબોક્સ’ ટીપ્પણી મુદ્દે ટોરી પાર્ટી દ્વારા શિસ્તભંગની તપાસનો આરંભ કરી દેવાયો છે. પાર્ટીની આચારસંહિતાના નિયમોનો ભંગ કરનારની ડિસિપ્લીનરી પેનલ દ્વારા કડક પૂછપરછ કરાય છે. તપાસનો અહેવાલ પાર્ટી ચેરમેનને અપાયા પછી આખરી નિર્ણય પક્ષના નેતા અને વડા પ્રધાન થેરેસા મે તેમજ ટોરી પાર્ટીના બોર્ડના હસ્તક રહેશે.

ટોરી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે સંખ્યાબંધ ફરિયાદોના પગલે આપમેળે જ આચારસંહિતાના ભંગની તપાસ શરૂ કરાતી હોવાથી પાર્ટી પાસે કોઈ વિકલ્પ નથી. જોકે, જ્હોન્સનના સમર્થકો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે અને પૂર્વ મિનિસ્ટર જોખમરુપ હોવાથી ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ તેમને ‘ખતમ’ કરવા માગે છે તેવો આક્ષેપ પણ લગાવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter