બોરિસ-મરિનાના ડાઈવોર્સને કોર્ટની સત્તાવાર મંજૂરી

Tuesday 12th May 2020 14:00 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને તેમની ભારતીય મૂળની પત્ની મરિના વ્હીલરના ડાઈવોર્સને કોર્ટની સત્તાવાર મંજૂરી પ્રાપ્ત થઈ છે. બ્રિટિશ મીડિયાના દાવા અનુસાર બંને વચ્ચે ૪૦ લાખ પાઉન્ડની ડાઈવોર્સ સમજૂતી થઈ છે. બોરિસ અને મરિનાના લગ્ન ૧૯૯૩માં થયાં હતાં અને તેમને ચાર સંતાન છે. ઉલ્લેખનીય છે કે જ્હોન્સનની મંગેતર કેરી સાયમન્ડ્સે હાલમાં જ પુત્રને જન્મ આપ્યો છે. જ્હોન્સનને સત્તાવાર ડાયવોર્સ મળી જતાં તેઓ હવે ટુંક સમયમાં લગ્ન કરી લેશે તેમ મનાય છે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૨૫ વર્ષના લગ્નજીવન પછી મરિના વ્હીલર સાથે લગ્નવિચ્છેદ માટે ફેબ્રુઆરીમાં અરજી કરી હતી. હવે કોર્ટે ડાઈવોર્સની અરજી માન્ય રાખતો આદેશ જાહેર કર્યો છે. વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ દરમિયાન ડાઈવોર્સ આપનારા બોરિસ જ્હોન્સન બ્રિટનના ૨૫૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વડાપ્રધાન છે. ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા વિના રહેનારા પ્રથમ તેમજ કાર્યકાળ દરમિયાન પિતા બનનારા ચોથા વડા પ્રધાન છે.

બોરિસ અને મરિનાએ વર્ષની શરૂઆતમાં ડાઈવોર્સ પેપર ફાઈલ કર્યા હતા. કોર્ટે ફેબ્રુઆરીમાં બંનેની અરજી માન્ય રાખી હતી અને નાણાકીય સમજૂતી પછી આખરે ડાઈવોર્સ ડીક્રી મળી છે. બોરિસ જ્હોન્સનની સંપત્તિ અને આવકને ધ્યાને રખાયા પછી મરિના વ્હીલરને ૪ મિલિયન પાઉન્ડ મળે તેવી શક્યતા છે. લગ્નવિચ્છેદ અરજી ફાઈલ કર્યા પછી બોરિસે ગર્લફ્રેન્ડ કેરી સાયમન્ડ સાથે સગાઈ કરી હતી. થોડા સમય પહેલાં જ કેરીએ બાળક વિલ્ફ્રેડ લોરી નિકોલસ જ્હોન્સનને જન્મ આપ્યો હતો. કહેવાય છે કે બાળજન્મના એકાદ દિવસ અગાઉ જ બોરિસ અને મરિનાની છૂટાછેડાની અરજીને મંજૂરી મળી હતી.

મરિના વ્હીલરની માતા દીપસિંહ પંજાબથી બ્રિટન ગયા હતાં અને બીબીસી સંવાદદાતા ચાર્લ્સ વ્હીલર સાથે ૧૯૬૨માં લગ્ન કર્યા હતા. ૧૯૬૪માં જન્મેલા મરિના બ્રિટનના જાણીતા ધારાશાસ્ત્રી છે.બોરિસ અને મરિના બાળપણથી એકબીજાને ઓળખતા હતા. બોરિસે પ્રથમ પત્ની એલેગ્રા મોસ્ટિન ક્વેનને ડાઈવોર્સ આપ્યા પછી ૧૯૯૩માં મરિના સાથે લગ્ન કર્યા હતા. બોરિસ જ્હોન્સનને મરિના સાથે લગ્નજીવનથી ચાર સંતાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter