બોરિસ સરકારનું સુકાન ચાર બ્રિટિશ ભારતીયોના હાથમાં

Wednesday 19th February 2020 03:52 EST
 
 

લંડનઃ ગુરુવાર ૧૩ ફેબ્રુઆરીએ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની કેબિનેટમાં નાના ફેરબદલમાં મોટાં આશ્ચર્ય જોવાં મળ્યાં હતાં. પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદનું રાજીનામું, મોટા માથાં ગણાતા રાજકારણીઓની હકાલપટ્ટી તેમજ ભારતીય મૂળના ત્રણ સાંસદોની નિયુક્તિ કે બઢતીએ નાટ્યાત્મક ક્ષણો ઉભી કરી હતી. નવી કેબિનેટમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, ચાન્સેલર રિશિ સુનાક, બિઝનેસ સેક્રેટરી તથા ક્લાઈમેટ કોન્ફરન્સના અધ્યક્ષ આલોક શર્મા અને એટર્ની જનરલ તરીકે સુએલા બ્રેવરમાનની નિયુક્તિ બ્રિટિશ-ભારતીયોમાં વડા પ્રધાન બોરિસનો વિશ્વાસ દર્શાવે છે.
રાજકીય સલાહકારોને બદલવાની શરતને માન્ય નહિ રાખવાના વિવાદમાં સાજિદ જાવિદે રાજીનામું આપી દીધાના પગલે ચીફ સેક્રેટરી ટુ ટ્રેઝરીનો હોદ્દો ધરાવતા બ્રિટિશ ભારતીય રિશિ સુનાકને તત્કાળ ચાન્સેલરનો હોદ્દો આપીને વડા પ્રધાન બોરિસે આશ્ચર્યના વમળો સર્જ્યા હતા.

સુનાક બજેટમાં ફ્રી પોર્ટ્સને વધુ મહત્ત્વ આપશે

બ્રેક્ઝિટ પછીના અર્થતંત્રમાં સરકારના ટેક્સ અને ખર્ચ યોજનાઓની આસપાસ ફરતા બજેટને જાહેર કરવાનું કાર્ય રિશિ સુનાકના શિરે આવ્યું છે. જોકે, માર્ચનું બજેટ વિલંબમાં પડે તેવી શક્યતા પણ છે. સુનાકની નિયુક્તિએ બિઝનેસીસને બ્રેક્ઝિટ પછી ૨૦૨૧થી કાર્યરત થનારા સૂચિત ૧૦ ફ્રી પોર્ટના લોન્ચિંગ તરફ નજર નાખતા કરી દીધા છે. કન્સલ્ટેશન પૂર્ણ થયા પછી સમુદ્ર, હવાઈ અને રેલ પોર્ટ્સ મુક્ત પોર્ટ સ્ટેટસ માટે બીડિંગ કરી શકશે. ટોરી નેતા બનવાની ચૂંટણીમાં બોરિસ જ્હોન્સને આ વિચાર વહેતો મૂક્યો હતો. સરકારેની દલીલ છે કે આ ઝોન્સથી હજારો નવી નોકરીઓ સર્જાશે તેમજ વંચિત તટપ્રદેશોમાં નોંધપાત્ર રોકાણો લાવશે.
ચીફ સેક્રેટરી ટુ ટ્રેઝરી રિશિ સુનાકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ફ્રી પોર્ટ્સ આપણા ઐતિહાસિક ગોરવવંતા પોર્ટ્સની ક્ષમતાઓને વહેતી મૂકશે અને સમગ્ર યુકેમાં કોમ્યુનિટીઝને ઉત્તેજન અને પુનર્જીવન આપશે.’

બિઝનેસ સેક્રેટરી આલોક શર્માની બેવડી ભૂમિકા

નવા ચાન્સેલર સુનાક અને તેમના આગામી બજેટ પર સહુની નજર રહેવાની છે ત્યારે પૂર્વ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી આલોક શર્માને પીઢ રાજકારણી આન્દ્રેઆ લીડસોમના સ્થાને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી અને ઈન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેટેજીની કામગીરી સોંપાઈ છે. રીડિંગ વેસ્ટ બેઠકના ટોરી સાંસદ શર્મા આગામી નવેમ્બરમાં યુકેમાં આયોજિત યુએન ક્લાઈમેટ વાટાઘાટો (Cop26)માં પ્રમુખની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ સંભાળશે. સામાન્યપણે યજમાન સરકારના એન્વિરોન્મેન્ટ મિનિસ્ટર જેવા સંબંધિત મંત્રાલય ધરાવતા સૌથી વરિષ્ઠ મિનિસ્ટર ક્લાઈમેટ શિખર પરિષદના પ્રમુખની કામગીરી સંભાળતા હોય છે. પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન અને પૂર્વ ફોરેન સેક્રેટરી વિલિયમ હેગ જેવાં મોટા માથાએ આ કામગીરી સંભાળવા ઈનકાર કરી દીધા પછી શર્માનું મહત્ત્વ વધી જાય છે.
આ કામગીરી માટે ચર્ચામાં રહેલા માઈકલ ગોવે તો Cop26)માં પ્રમુખ તરીકે સારી કામગીરી બજાવી શકે તેવા ‘ઘણા, ઘણા, ઘણા, ઘણા’ લોકો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, ક્લીન એનર્જી મિનિસ્ટર ક્વાસી ક્વાર્ટેન્ગ અને પર્યાવરણવાદી ઝેક ગોલ્ડસ્મિથ સહિતના નામો પણ ચર્ચામાં હતા. ગોલ્ડસ્મિથ તો રાજકારણમાં પ્રવેશ્યા તે અગાઉ ‘ઈકોલોજિસ્ટ’ મેગેઝિનના માલિક હતા અને ગ્રીન મુદ્દાઓ સંબંધે મોટા ચળવળકાર હતા. શર્મા કાર્બન-કેપ્ચર પ્રોજેક્ટ્સના ટેકા વિરુદ્ધ મતદાનનો નોંધપાત્ર રેકોર્ડ ધરાવવા સાથે પ્રદૂષણ ફેલાવતા વાહનો પર ટેક્સ લાદવા, ગંદા પાવર સ્ટેશનોના વિરોધ જેવી બાબતો માટે જાણીતા છે. તેઓ કદાચ યુકેની ક્લાઈમેટ નીતિઓને અનુસરવા યુએનના દેશોને સમજાવી શકશે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સામે ઈમર્જન્સી કાયદાનો પડકાર

વડા પ્રધાન જ્હોન્સન વૈશ્વિક જળવાયુ કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ત્યારે તેમણે ગત જુલાઈમાં નિયુક્ત કરેલા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. યુકેના ઘરેલુ રાજકારણને હલબલાવતી ત્રાસવાદના જોખમની ધમકીઓનો પડકારનો સામનો પ્રીતિ પટેલ સારી રીતે કરી શકશે. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર માટે પ્રીતિ પટેલ ‘સારા મિત્ર’ સમાન છે.
દેશના કાયદામાં ડેથ પેનલ્ટીને ફરી સ્થાન આપવાના હિમાયતી પ્રીતિ પટેલે તાજેતરમાં જ સજા પામેલા અપરાધીઓને વહેલા મુક્ત નહિ કરવા માટે ઈમર્જન્સી કાયદાના ખરડાને આગળ વધા૪ર્યો હતો. તેઓ માને છે કે ‘આવા કાયદા લોકોને શેરીઓમાં વધુ સલામત રાખે છે. તેમણે LBC સમક્ષ એક નિવેદનમાં કહ્યું હતું કે,‘આ કાયદો બ્રિટિશ લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે, ત્રાસવાદી અપરાધીઓ ઓટો રીલિઝ યોજના હેઠળ જેલમાંથી વહેલા મુક્ત થઈ ન શકે તેની ચોકસાઈ રાખે છે એટલું જ નહિ, દરેક વ્યક્તિ, દરેક ત્રાસવાદી અપરાધીએ પેરોલ બોર્ડ સમક્ષ યોગ્ય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ત્રાસવાદના અપરાધીઓ જેલમાંથી વહેલા છૂટી શકે તે પરિસ્થિતિ જ સ્વીકાર્ય નથી.’

સુએલા બ્રેવરમાન માટે દેશની કોર્ટ્સનું નિયંત્રણ મહત્ત્વનું

કેબિનેટ રિશફલમાં સૌથી મોટું આશ્ચર્ય જ્યોફ્રી કોક્સના સ્થાને એટર્ની જનરલના હોદ્દા પર સુએલા બ્રેવરમાનની નિયુક્તિ ગણાવી શકાય. નોર્થ-વેસ્ટ લંડનમાં જન્મેલાં અને ઉછરેલાં બ્રેવરમાનના પિતા મૂળ દક્ષિણ ભારતના ગોવાના છે જેઓ ૧૯૬૦ના દાયકામાં કેન્યા અને મોરેશિયસથી સ્થળાંતર કરી યુકે આવ્યા હતા.
 ફેરહામના સાંસદ સુએલા રાજકીય વર્તુળોમાં ચૂસ્ત બ્રેક્ઝિટીઅર તરીકે જાણીતા છે અને માનવ અધિકારો માટે કાનૂની દાવાઓ તેમજ જ્યુડિશિયલ રીવ્યુના પડકારોના વધુપડતા ઉપયોગ પર આકરા પ્રહારો કરતો લેખ પ્રસિદ્ધ કર્યો હતો. હવે એટર્ની જનરલ તરીકે તેઓ ક્રિમિનલ જસ્ટિસ અને બંધારણ, લોકશાહી સંદર્ભે સૂચિત રોયલ કમિશન તેમજ કોર્ટ્સ અને પાર્લામેન્ટ વચ્ચેના સંબંધોને તપાસતા રાઈટ્સ કમિશનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે તે નિશ્ચિત છે. યુકે હવે ઈયુમાંથી બહાર નીકળ્યું છે ત્યારે ‘આપણી કોર્ટ્સનું નિયંત્રણ પાછું લેવા’ આધારિત તેમની નીતિનું ઘડતર વિશેષ નોંધપાત્ર બની રહેશે. કદાચ, બ્રસેલ્સ સાથે તટસ્થતાનો જ્હોન્સનનો આગ્રહ અને યુકેની ન્યાયિક વ્યવસ્થામાં યુરોપિયન કોર્ટ્સ ઓફ જસ્ટિસના હસ્તક્ષેપના વિરોધને ધ્યાનમાં રાખીને જ નીતિ ઘડાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter