બોરિસ સરકારે અતિ ખર્ચાળ ચાઈલ્ડકેર મુદ્દે હજારો મહિલાની વિનંતી ઠુકરાવી

Wednesday 16th March 2022 00:56 EDT
 
 

લંડનઃ બોરિસ જ્હોન્સન સરકારે 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ ચાઈલ્ડકેરના વધતા ખર્ચ મુદ્દે ઈન્ક્વાયરી કરવા હજારો મહિલાઓની પિટિશનને ફગાવી દીધી છે. યુકેમાં ચાઈલ્ડકેર ફંડિંગ અને એફોર્ડેબિલિટી બાબતે સ્વતંત્ર રીવ્યૂની હાકલ કરતી પિટિશન પર 113,713 સહીઓ થઈ હતી અને પરિણામે પાર્લામેન્ટમાં ચાઈલ્ડકેર પર ચર્ચા પણ શરૂ થઈ હતી.

જોકે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ પિટિશન પર સહીઓ કરનારાઓને જણાવી દેવાયું હતું કે બાળસંભાળના ખર્ચ અને તેની પ્રાપ્યતાના મુદ્દા પર ધ્યાન આપવાની સરકારની કોઈ યોજના કે તૈયારી નથી. પિટિશન્સ કમિટીએ નવા પેરન્ટ્સ પર કોવિડ-19ની વર્તમાન અસરના રિપોર્ટ સંદર્ભે સરકારનો રિસ્પોન્સ પ્રસિદ્ધ કર્યો હતો. સરકારે જણાવ્યું હતું કે તેણે 2021ના ઓટમ સ્પેન્ડિંગ રિવ્યૂમાં નવા પેરન્ટ્સ માટે માનસિક આરોગ્ય સેવા સહિત શરૂઆતી વર્ષોની સર્વિસીસ માટે 500 મિલિયન પાઉન્ડની જાહેરાત કરી હતી. વર્કિંગ પેરન્ટ્સ માટે ટેક્સ-ફ્રી ચાઈલ્ડકેર ઘણી સારી ઓફર છે.

ગત વર્ષના સપ્ટેમ્બર મહિનાના એક સર્વે મુજબ 20,000 વર્કિંગ પેરન્ટ્સના 96 ટકાએ જણાવ્યું હતું કે મિનિસ્ટર્સ ચાઈલ્ડકેરના ખર્ચ અને પ્રાપ્યતા બાબતે પેરન્ટ્સને સપોર્ટ કરવા કશું કરી રહ્યા નથી જ્યારે 97 ટકાએ યુકેમાં બાળસંભાળ અતિશય ખર્ચાળ હોવાનું કહ્યું હતું. સર્વેમાં એમ પણ જણાવાયું હતું કે ચાઈલ્ડકેરના ઊંચા ખર્ચના કારણે ઓછી આવક ધરાવતા પેરન્ટ્સ અને યુનિવર્સલ ક્રેડિટ મેળવનારા લોકોને ફૂડ બેન્ક્સનો ઉપયોગ કરવાની ફરજ પડે છે.

ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના ડેટા અનુસાર વિશ્વમાં સૌથી ખર્ચાળ ચાઈલ્ડકેર સિસ્ટમમાં સ્લોવેકિયા અને સ્વિટ્ઝર્લેન્ડ પછી યુકે ત્રીજા ક્રમે આવે છે જેમાં ફૂલ ટાઈમ પ્લેસનો ખર્ચ વાર્ષિક સરેરાશ 12,376 પાઉન્ડ રહે છે.

દરમિયાન, સ્કોટિશ વિડોઝ દ્વારા જાહેર અન્ય એનાલિસીસ મુજબ 65 વર્ષ પછી નિવૃત્ત થતી મહિલાઓ પુરુષોની સરખામણીએ અડધી જ નાણાકીય બચત કરી શકે છે. વર્ક પ્લેસ છોડવા અને પાર્ટ ટાઈમ કામકાજનો અર્થ એ થાય છે કે પુરુષ જેટલું જ પેન્શન પોટ મેળવવા માટે સરેરાશ મહિલાએ વધુ 37 વર્ષ કામ કરવું પડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter