લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમની નવી પાંચ મુદ્દાની વૈકલ્પિક બ્રેક્ઝિટ બ્લુપ્રિન્ટ જાહેર કરી છે, જેમાં આઈરિશ બેકસ્ટોપને રદ કરવાનો સમાવેશ થાય છે. આ યોજના અનુસાર નોર્ધર્ન આયર્લેન્ડ યુકેની સાથે જ કસ્ટમ્સ યુનિયનમાંથી બહાર નીકળશે પરંતુ, હાર્ડ બોર્ડરને અટકાવવા સિંગલ માર્કેટમાં ચાલુ રહેશે. ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટને યથાવત રાખવા સાથે આઈરિશ બોર્ડર પર મુક્ત અવરજવરની ખાતરી પણ અપાશે. જો બ્રસેલ્સ આ યોજનાને બહાલી નહિ આપે તો વડા પ્રધાન જ્હોન્સન ઈયુ સમિટનો બહિષ્કાર પણ કરી શકે તેવી ચેતવણી અપાઈ છે. જોકે, તાજા અહેવાલો અનુસાર સમજૂતીની કોઈ શક્યતા જણાતી નથી. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે મંગળવારે જ્હોન્સનની ટેલિફોન પર વાતચીત પછી ચાન્સેલરે નોર્ધર્ન આયર્લેન્ડ કસ્ટમ્સ યુનિયનમાં રહેવું જોઈએની માગણી હોહરાવી હતી.
ડીયુપીના નેતા આર્લેન ફોસ્ટરે દરખાસ્તોને આવકારી છે પરંતુ, આઈરિશ વડા પ્રધાન લીઓ વરાડકરે બોરિસ જ્હોન્સનની બ્રેક્ઝિટ યોજના ફગાવી દીધી છે જ્યારે, ઈયુ દ્વારા તેને અવ્યવહારુ ગણાવાઈ છે. આ બધા વચ્ચે જહોન્સને આઠ ઓક્ટોબર મંગળવારથી ૧૪ ઓક્ટોબર સુધી પાર્લામેન્ટ સસ્પેન્ડ કરવાનો ઈરાદો જાહેર કરવા સાથે નવો મોરચો ખોલ્યો છે. આ પગલાથી ક્વીનના પ્રવચનનો માર્ગ મોકળો બનશે.
પાર્લામેન્ટ ફરી સસ્પેન્ડ કરાશે?
વડા પ્રધાન નવા વૈધાનિક કામકાજ માટે ફરી એક વિવાદિત પગલામાં પાર્લામેન્ટનું સત્ર સમાપ્ત કરશે તેમ ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રોએ જણાવ્યું છે. ક્વીનનું સંભાષણ મહત્ત્વપૂર્ણ યુરોપિયન યુનિયન (ઈયુ) સમિટના ત્રણ દિવસ અગાઉ ૧૪ ઓક્ટોબરે યોજાશે. સુપ્રીમ કોર્ટે અગાઉ પાંચ સપ્તાહની સત્રસમાપ્તિ માટે મોનાર્કને આપેલી સલાહ ગેરકાયદે કરાવી હતી. આ પછી, પાર્લામેન્ટ ફરી કાર્યરત થઈ હતી.
ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે,‘ ક્વીનના સંભાષણમાં નવા વૈધાનિક કામકાજને જાહેર કરવા બાબતે વડા પ્રધાન સ્પષ્ટ છે. આથી તેઓ આઠ ઓક્ટોબર મંગળવારની સાંજથી પાર્લામેન્ટનું વર્તમાન સત્ર સમાપ્ત કરવામાં આવે અને ૧૪ ઓક્ટોબરે ક્વીનનું સંભાષણ યોજાય તેવો ઈરાદો ધરાવે છે.’ વડા પ્રધાને જણાવ્યું હતું કે,‘ ક્વીનના સંબોધન દ્વારા સરકાર NHS, શાળાઓ, ક્રાઈમ વિરુદ્ધ પગલાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને મજબૂત અર્થતંત્રના નિર્માણની યોજનાઓ જાહેર કરશે. આપણે ૩૧ ઓક્ટોબરે બ્રેક્ઝિટ સમાપ્ત કરીશું અને આ મહત્ત્વના મુદ્દાઓ પર કામકાજ આરંભીશું.’ સત્રની સમાપ્તિનો સમય ઓછો હોવાથી આ પગલું કદાચ ઓછો વિવાદ ઉભો કરશે.
ટોરી અને લેબર સાંસદોનો આવકાર
બીજી તરફ, યુકેમાં આ પ્લાનને આવકાર મળી રહ્યો છે. નોર્ધર્ન આયર્લેન્ડની ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (DUP)એ પ્લાનને આવકાર્યો છે. મોટા ભાગના ટોરી સાંસદો અને લેબર પાર્ટીના કેટલાક સાંસદોએ જ્હોન્સનની નવી દરખાસ્તોને ટેકાનો સંકેત આપ્યો છે. ટોરી સાંસદોના યુરોપિયન રિસર્ચ ગ્રૂપના ચેરમેન સાસંદ સ્ટીવ બેકરે આ યોજનાને વાજબી અને તર્કપૂર્ણ ગણાવી છે. યુરોસ્કેપ્ટિક સાંસદોએ પૂર્વ વડા પ્રધાન થેરેસા મેના બ્રેક્ઝિટ ડીલને ત્રણ વખત પરાજિત કર્યું હતું. કેટલાક બળવાખોર ટોરી સાંસદો પણ ટેકો આપવા તૈયાર છે. લેબર સાંસદ સ્ટીફન કિનોકે જણાવ્યું હતું કે જો વડા પ્રધાન બ્રસેલ્સ સાથે સમજૂતી કરી શકે તો નો-ડીલ અને સેકન્ડ રેફરન્ડમને ટાળવા લેબર પાર્ટીના ૩૦ જેટલા સાંસદોને ટેકો આપવા મનાવી શકાશે. જો ડબ્લિન અને બ્રસેલ્સ ખુશ હોય તો અમે પણ ખુશ છીએ. જો બ્રસેલ્સ છૂટછાટની ઓફર આપે તો પાર્લામેન્ટ સમજૂતીને પસાર કરવા તૈયાર હોવાની ઈયુને સમજાવવામાં સર્વપક્ષી ટેકો જ્હોન્સનની તક વધારી શકશે. આ માટે આગામી દિવસોમાં ઈન્ડિકેટિવ વોટની શક્યતા પણ વિચારાય છે.
ટોરી પાર્ટીને સમર્થનમાં વધારો
બોરિસ જ્હોન્સનના બ્રેક્ઝિટ પ્લાનને આવકાર સાથે લીવ મતદારો ફરી ટોરી પાર્ટી તરફ વળ્યા છે. હવે ૧૦માંથી છ બ્રેક્ઝિટીઅર્સ જ્હોન્સનની પાર્ટીનું સમર્થન કરી રહ્યા છે, જે ૨૦૧૭ની ચૂંટણી પછી સૌથી વધુ છે. કન્ઝર્વેટિવ પાર્ટીનું સમર્થન વધીને ૩૮ ટકા થયું છે જ્યારે, લેબર પાર્ટી ૨૩ ટકાએ પહોંચતા બંન્ને વચ્ચેની ખાઈ વધીને ૧૫ ટકા થઈ છે. લિબ ડેમ્સને સૌથી વધુ નુકસાન થયું છે અને પાંચ ટકાના ઘટાડા સાથે તે ૧૫ ટકાએ પહોંચી હતી.
આઈરિશ વડા પ્રધાને યોજનાને ફગાવી
ઈયુ સાથે ૩૧ ઓક્ટોબર પહેલા ડીલ કરવાની જ્હોન્સનની આશામાં આયર્લેન્ડ મોટા અવરોધ તરીકે સામે આવ્યું છે. આઈરિશ વડા પ્રધાન લીઓ વરાડકરે બોરિસ જ્હોન્સનની બ્રેક્ઝિટ યોજના ફગાવી દીધી છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાનની આ યોજના ઘણા બધા પાસામાં ઉણી ઉતરે છે. તેમણે દાવો કર્યો હતો કે બ્રિટિશ પ્રજા હવે ઈયુમાં રહેવા ઈચ્છે છે. વરાડકરે કસ્ટમ્સ ચેક સહિત સહિતની દરખાસ્તોનો કેવી રીતે અમલ કરાશે તેવો પ્રશ્ન કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, આયર્લેન્ડમાં હાર્ડ બોર્ડર ટાળવા માટે આઈરિશ રીયુનિફિકેશન અને બ્રેક્ઝિટ પાછું ખેંચવા સહિત માત્ર પાંચ જ માર્ગ છે. બ્રિટનના ઈયુમાં રહેવાના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે તમામ પોલ્સ સૂચવે છે કે બ્રિટિશ પ્રજા ખરેખર આમ જ ઈચ્છે છે પરંતુ, તેમની પોલિટિકલ સિસ્ટમ તેમને આ પસંદગી આપતી નથી. વરાડકરના ડેપ્યુટી સાઈમન કોવેનીએ પણ બ્રિટનની નવી બ્રેક્ઝિટ ઓફરની ટીકા કરી હતી. જાન્યુઆરી ૨૦૨૧માં ટ્રાન્ઝીશન પીરિયડની સમાપ્તિ પછી સિંગલ માર્કેટમાં જોડાવા અને રહેવા મુદ્દે નોર્ધર્ન આયર્લેન્ડને કહેવાનો અધિકાર આપવા મુદ્દે બંને નેતાએ વિરોધ કર્યો હતો. વર્તમાન બેકસ્ટોપ બેઠળ અલ્સ્ટર અનિશ્ચિત મુદત સુધી અને કશું કહેવાના અધિકાર વિના સિંગલ માર્કેટમાં જોડાયેલું રહેશે.
બીજી તરફ, બ્રસેલ્સે પણ ડબ્લિનને ટેકો આપ્યો છે. ઈયુ કાઉન્સિલના વડા ડોનાલ્ડ ટસ્કે વરાડકર અને જ્હોન્સન સાથે વાત કર્યા પછી ટ્વીટમાં જણાવ્યું હતું કે આયર્લેન્ડને અમારું સંપૂર્ણ સમર્થન છે. ઈયુ કમિશનના વડા જીન-ક્લૌડ જુન્કરે જણાવ્યું હતું કે યુનાઈટેડ કિંગ્ડમ સાથે વધુ મંત્રણાની જરૂર છે. જોકે, ડીયુપીના ડેપ્યુટી નેતા નાઈજેલ ડોડ્સે વરાડકર અને કોવેનીની આકરી ટીકામાં જણાવ્યું હતું કે તેઓ બંને નો-ડીલ બ્રેક્ઝિટને આમંત્રી રહ્યા છે.
ઈયુના મુખ્ય મંત્રણાકાર બર્નીએરે જણાવ્યું હતું કે યુકેની દરખાસ્તો કોઈ પણ રીતે ઓપરેશન નથી અને ટ્રાન્ઝીશન પૂરિયડ દરમિયાન ચર્ચા માટે માત્ર ભાવિ ટેકનોલોજીઓ અને વ્યવસ્થાઓનો ઉલ્લેખ કરે છે. બ્રસેલ્સે હંમેશા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ બ્રેક્ઝિટ દિવસથી જ અમલી બને તેનો આગ્રહ રાખ્યો છે. ઈયુ રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે જ્હોન્સનની ઓફર પુનઃ મંત્રણાનો આધાર બની શકે છે પરંતુ, બ્રિટન ૩૧ ઓક્ટોબરે ઈયુ છોડે તે પહેલા સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો નેતાઓ પાસે સમય રહ્યો નથી.
જ્હોન્સન ધરણા પર બેસી શકે છે
વડા પ્રધાન જ્હોન્સન આ મહિનાના અંતે બ્રેક્ઝિટ પૂર્ણ કરવા માટે મહારાણીને રાજકારણમાં ઘસડી લાવી મોટી બંધારણીય કટોકટી સર્જે તેવા પણ અહેવાલો છે. વડા પ્રધાન જ્હોન્સન ડાઉનિંગ સ્ટ્રીટમાં ધરણા પર બેસી શકે છે અને જો કોન્ફિડન્સ વોટમાં સાંસદો તેમની સરકારને ફગાવી દે અને ઈયુમાંથી યુકેની એક્ઝિટ લંબાવવા માગે તો હોદ્દા પરથી તેમની હકાલપટ્ટી કરવા મહારાણીને પડકારી શકે તેવા પણ અહેવાલો છે. બેકબેન્ચ દ્વારા પસાર બેન એક્ટ હેઠળ જો ૧૯ ઓક્ટોબર સુધીમાં કોઈ સમજૂતી ન થાય તો જહોન્સને ત્રણ મહિના બ્રેક્ઝિટ લંબાવવાની માગણી કરવાની ફરજ પડે તેમ છે. જોકે, વડા પ્રધાન ભારપૂર્વક કહેતા જ રહ્યા છે કે હેલોવીનના દિવસે બ્રેક્ઝિટ થઈને જ રહેશે.
જ્હોન્સનની યોજનાના પાંચ મુદ્દા
સિંગલ માર્કેટઃ નોર્ધર્ન આયર્લેન્ડ યુકેની સાથે જ કસ્ટમ્સ યુનિયનમાંથી બહાર નીકળશે પરંતુ, સિંગલ માર્કેટમાં રહેશે. નોર્ધર્ન આયર્લેન્ડને ઈયુના નિયમો પાળવાના હોવાથી બંને દેશો વચ્ચે તમામ માલસામાન પર ચેક રહેશે નહિ.
સ્ટોરમોન્ટ લોકઃ નોર્ધર્ન આયર્લેન્ડની પ્રજાએ ‘ઓલ આઈલેન્ડ રેગ્યુલેટરી ઝોન’ને બહાલી આપવી પડશે. આનો અર્થ એ છે કે નોર્ધર્ન આયર્લેન્ડની એસેમ્બલી આ ઝોન સામે વીટોનો અધિકાર ધરાવશે અને આ બાબતે રેફરન્ડમ યોજી શકશે.
કસ્ટમ્સ ચેકઃ નોર્ધર્ન અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડની વચ્ચે વેપાર પર કસ્ટમ્સ ચેક મૂકવાના રહેશે. મોટા ભાગની તપાસ ટેકનોલોજીના ઉપયોગથી થશે પરંતુ, કેટલીક તપાસ દેખીતી-વાસ્તવિક હશે.
નોર્ધર્ન આયર્લેન્ડ માટે કેશઃ નોર્ધર્ન આયર્લેન્ડ માટે નવી સમજૂતીનો અર્થ એ છે કે બેલફાસ્ટ અને ડબ્લિન માટે વધુ નાણા અલગથી ફાળવાશે જેથીનવા પગલાનું અમલીકરણ અને આર્થિક વિકાસમાં સહાય મળે.
ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટ યથાવતઃ બે દેશો વચ્ચે મુક્ત અવરજવર યથાવત રહેશે. નવી સમજૂતીથી યુકે અને આયર્લેન્ડ વચ્ચે સહકારની પ્રતિબદ્ધતાને સમર્થન મળશે.
વડા પ્રધાનની આ દરખાસ્તો ચાર વર્ષ માટે આયર્લેન્ડના ટાપુ માટે આઈરિશ સમુદ્રમાં બોર્ડરનું સર્જન કરશે, જ્યાં બ્રિટનમાંથી નોર્ધર્ન આયર્લેન્ડમાં આવતા માલસામાનનું ચેકિંગ થશે અને તે ઈયુ માપદંડ સાથે સુસંગત નહિ હોય તો પરત મોકલી દેવાશે. ‘ઓલ આઈલેન્ડ રેગ્યુલેટરી ઝોન’થી પ્રોવિન્સ અને રિપબ્લિક વચ્ચે હાર્ડ બોર્ડરની શક્યતા ટળશે અને માલસામાનના વેપારના ચેકિંગની જરૂરિયાત નાબૂદ થશે. જોકે, ઉત્તર અને દક્ષિણ વચ્ચે કસ્ટમ્સ ચેક આવશ્યક રહેશે, જે ડિજિટલ ટેકનોલોજી આધારિત હશે. ચાર વર્ષ પછી ૨૦૨૫માં આ યોજના પર નોર્ધર્ન આયર્લેન્ડ એસેમ્બલીની બહાલી મેળવવાની રહેશે. જો બેલફાસ્ટ અને ડબ્લિન સંમત થશે તો યુકે દ્વારા તેમને જંગી આર્થિક સહાય આપવામાં આવશે.


