બોરિસે યુકેમાં કોવિડ લોકડાઉન નહિ આવે તેવી ખાતરી ન આપી

Wednesday 13th April 2022 03:13 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેમાં વધુ એક કોવિડ લોકડાઉન નહિ લદાય તેવી ખાતરી આપવાનો ઈનકાર કર્યો છે. જ્હોન્સને જણાવ્યું હતું કે તેઓ ફરી વખત આવાં પગલાં ભરવાનું ટાળવા ઈચ્છે છે પરંતું તેઓ કશું નકારી શકતા નથી. તેમણે કહ્યું હતું કે,‘ આપણને અગાઉ આપણે લીધેલાં નોન-ફાર્માસ્યુટિકલ હસ્તક્ષેપો કરવાની ફરજ નહિ પડી શકે તેવું હું કહી શકું નહિ.’

GB News માટે કન્ઝર્વેટિવ સાંસદો એસ્થર મેક્વે અને ફિલિપ ડેવિસ સાથે વાત કરતા જ્હોન્સને ઈંગ્લેન્ડમાં ભાવિ કોવિડ લોકડાઉન્સ વિશે સાવચેત વલણ અપનાવ્યું હતું. વડા પ્રધાને કહ્યું હતું કે,‘ કોઈ પણ લોકશાહીમાં કોઈ પણ નેતા માટે એમ કહેવું બેજવાબદાર લેખાશે કે તેઓ જેનાથી જીંદગીઓ બચાવી શકાય તેને નકારી કાઢશે. વધુ વિનાશક હોય તેવા નવા વેરિએન્ટ આવી શકે છે, બાળકોને અસર કરનારો વેરિએન્ટ પણ હોઈ શકે જેને આપણે ખરેખર અટકાવવાની જરૂર પડે. હું બધા વિકલ્પો રજૂ નહિ કરું. જોકે, આમ થશે તેમ હું માનતો નથી.’

અગાઉના કોરોના વેરિએન્ટ્સની સરખામણીએ સામાન્યપણે લક્ષણો હળવાં જોવાં મળે છે છતાં, ઈંગ્લેન્ડમાં જાન્યુઆરી 2021 પછી કોવિડ-19થી હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ સૌથી ઊંચું છે. યુકે, હેલ્થ સર્વેલન્સ એજન્સીનાં સંશોધનો સૂચવે છે કે 3 એપ્રિલે સમાપ્ત થયેલા સપ્તાહમાં સમગ્રતયા કોવિડ-19થી હોસ્પિટલમાં પ્રવેશનો દર પ્રતિ 100,000 લોકોએ 20.5નો થયો છે. આ વર્ષની શરૂઆતે જાન્યુઆરીમાં ઓમિક્રોન વેરિએન્ટે તરખાટ મચાવ્યો ત્યારે આ દર 19.9 હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter