બોરિસે લીક પ્રકરણમાં પત્રકારોને ૧૪ વર્ષ માટે સજાપાત્ર બનાવતી જોગવાઈ ફગાવી

Wednesday 04th August 2021 05:05 EDT
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જાહેર હિતની બાબતોનો પર્દાફાશ કરનારા પત્રકારો અને વ્હીસલબ્લોઅર્સને વિદેશી જાસૂસોને સમકક્ષ ગણી ૧૪ વર્ષ માટે સજાપાત્ર ગણાવતી જોગવાઈ ઓફિસિયલ સિક્રેટ્સ એક્ટમાં સામેલ કરવાની હોમ ઓફિસની યોજનાને ફગાવી દીધી છે. ન્યૂઝ પેપર્સ સાથે જાસૂસને સમકક્ષ વ્યવહાર કરવાની હોમ ઓફિસની યોજનાનો ભારે વિરોધ થયા પછી વડા પ્રધાન બ્રિટનના મુક્ત પ્રેસની તરફેણમાં બહાર આવ્યા હતા.

પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકના વિવાદાસ્પદ પ્રેમકૌભાંડ થકી લોકડાઉનનો પર્દાફાશ કરાયાના પગલે ઓફિસિયલ સિક્રેટ્સ એક્ટમાં ફેરફાર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ, વડા પ્રધાન જ્હોન્સને સૌથી મહત્ત્વપૂર્ણ સ્ટોરીઝ જાહેર કરનારા વ્હીસલબ્લોઅર્સનો ભરપૂર બચાવ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે તેઓ દરેક છિદ્ર-તિરાડને પ્રકાશિત કરનારી સર્ચ લાઈટનું રક્ષણ કરશે.

LBC રેડિયો સાથે ઈન્ટરવ્યૂમાં બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં ધમકીઓ-જોખમોનો સામનો કરવા ઘડાયેલા ફેરફારોનો ઉપયોગ પત્રકારોને ઈન્વેસ્ટિગેશન્સ કરતા અટકાવવા માટે થશે તેમ તેઓ ‘એક મિનિટ’ માટે પણ માનતા નથી. પૂર્વ પત્રકાર જ્હોન્સને કહ્યું હતું કે જે કરવાનું પોતાની જાહેર ફરજ અને જાહેર હિતમાં હોવાનું માનતા અને કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાય તેવું વિશ્વ આપણે ઈચ્છતા નથી. પત્રકારો જે રીતે કાર્ય કરે છે તેની હું પ્રશંસા કરું છું.

ઓફિસિયલ સિક્રેટ્સ એક્ટ પરનું કન્સલ્ટેશન રદ કરાશે તેવા પ્રશ્નના ઉત્તરમાં જ્હોન્સને જણાવ્યું હતું કે ફીડબેક માટેના રિવ્યુ ચાલુ રહેવો જોઈએ. જોકે. સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિવાદાસ્પદ જોગવાઈનો હિસ્સો પડતો મૂકાશે અથવા જાહેર હિતની રક્ષાને પરવાનગી આપવા પૂરતો હળવો બનાવાશે. જ્હોન્સનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કન્સલ્ટેશન મહત્ત્વપૂર્મ હોવાથી તેની પ્રક્રિયા ચાલુ રખાવી જોઈએ અને યોગ્ય સમયગાળામાં વધુ વિગતો સામેલ કરી શકાય તે પહેલા પ્રતિભાવોનો કાળજીપૂર્વક અભ્યાસ કરાશે.

ઓફિસિયલ સિક્રેટ્સ એક્ટ ૧૯૮૯માં સુધારાવધારા કરવાની હોમ ઓફિસની કન્સલ્ટેશન પ્રોસેસ પછી લીક કરાયેલા ડોક્યુમેન્ટ્સ અથવા ગંભીર માહિતી મેળવનારા રિપોર્ટર્સ સાથે દુશ્મન દેશોના ઈન્ટેલિજન્સ એજન્ટ્સની સમકક્ષ વ્યવહાર કરાશે તેવી ચિંતા અને ભય વ્યક્ત કરાયા હતા. વર્તમાન અને ભાવિ સરકારોને ઉથલાવી નાખવાની કામગીરી બદલ પ્રેસને અપરાધી દર્શાવવાની જોગવાઈ સામેલ કર્યા પછી પત્રકારોને ૧૪ વર્ષ સુધી જેલની સજા પણ કરી શકાય તેમ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter