બોર્ડરુમ્સમાં પ્રગતિના પંથે મહિલાઓ

Wednesday 15th December 2021 06:27 EST
 
 

લંડનઃ બ્રિટનની સૌથી મોટી પબ્લિક કંપનીઓમાં સ્વતંત્ર ડાયરેક્ટર્સની બહુમતીમાં હવે મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું હોવાનું સ્પેન્સર સ્ટુઅર્ટ સંશોધનના તારણો કહે છે. સ્ટોક માર્કેટમાં નોંધાયેલા સૌથી મોટા ૧૫૦ ગ્રૂપ્સ દ્વારા હવે નોન- એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ તરીકે ૪૨૨ પુરુષની સરખામણીએ ૪૪૨ મહિલા ફરજ બજાવે છે. કંપની બોર્ડ્સ હવે ઉચ્ચ અધિકારીઓને સ્થાન આપવા માટે ભરતી કરી રહેલ છે તેમાં મહિલાઓની તરફેણમાં પલડું નીચે જઈ રહ્યું છે.

નવનિયુક્ત ડાયરેક્ટર્સમાં ૫૨ ટકા મહિલા છે અને ૧૫ ટકા કંપની બોર્ડ્સે લૈંગિક સમાનતા હાંસલ કરી લીધી છે જેની સંખ્યા ગત વર્ષ કરતાં પાંચ વધુ છે. ચેરવુમન- અધ્યક્ષા અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ સહિત તમામ ડાયરેક્ટર્સમાં સ્ત્રીઓનું પ્રમાણ વધીને ૩૬ ટકા થયું છે જે ૨૦૧૬માં ૨૪ ટકા અને એક દાયકા અગાઉ ૧૨ ટકા હતું.

બ્રિટનની સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓએ તેમના બોર્ડ્સને વંશીય દૃષ્ટિએ વધુ વૈવિધ્યપૂર્ણ બનાવવામાં પ્રગતિ કરી છે. લઘુમતી પશ્ચાદભૂમાંથી પ્રથમ વખત બોર્ડ ડાયરેક્ટર્સ બનવાનું પ્રમાણ ૧૨ મહિનામાં વધીને ૨૫ ટકા થયું હોવાનું સ્પેન્સર સ્ટુઅર્ટ સંશોધન કહે છે. જોકે, અસમતુલાને વ્યવસ્થિત કરવા પહેલાં કંપનીઓએ ઘણી દડમજલ કાપવી પડી છે. માત્ર ૨૧ ટકા કંપનીમાં વંશીય લઘુમતીના બે અથવા વધુ ડાયર્ક્ટર્સ છે અને ૩૯ ટકા કંપનીમાં એક પણ નથી. સ્વતંત્ર ડાયરેક્ટર્સની કક્ષાએ લૈંગિક વૈવિધ્યતા વધી હોવાં છતાં, એક્ઝિક્યુટિવ કક્ષાએ ચિત્ર એટલું ગુલાબી નથી. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સમાં મહિલાઓનું પ્રમાણ ગયા વર્ષ જેટલું જ માત્ર ૧૪ ટકા છે. નવનિયુક્ત એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સમાં ૧૮ ટકા મહિલા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter