બોલીવુડ એજન્ટની ઠગાઈઃ ૫૩ માઈગ્રન્ટ્સને બનાવટી દસ્તાવેજો પૂરા પાડ્યા

Thursday 30th December 2021 04:57 EST
 
 

લંડનઃ નકલી બોલીવૂડ ટેલેન્ટ એજન્ટ ડેવિડ અસલમ ચૌધરી અને તેના પાંચ સાથીદારને ૫૩ વિદેશી વિદ્યાર્થીઓને બ્રિટનમાં આવવા અને રહેવામાં મદદ કરવા બનાવટી દસ્તાવેજો પૂરા પાડવા બદલ દોષી ઠેરવાયા છે. ચૌધરીએ પગારના ખોટા રેકોર્ડ્સ અને ઈમિગ્રેશન સ્પોન્સરશિપ પેપર્સ પૂરા પાડ્યા હતા. આ ઠગાઈ જાન્યુઆરી ૨૦૧૩ થી ઓગસ્ટ ૨૦૧૫ દરમિયાન આચરાઈ હતી અને છ વ્યક્તિ સામે ૨૦૧૯માં આરોપ મૂકાયો હતો. તમામ છ આરોપીને ફેબ્રુઆરીમાં સજા સંભળાવવામાં આવશે.

દક્ષિણ લંડનમાં સધર્ક ક્રાઉન કોર્ટમાં, ૫૧ વર્ષીય ચૌધરીને દેશમાં ગેરકાયદે ઈમિગ્રેશન માટે બનાવટી પેપર્સથી મદદ અને છેતરપિંડીના કાવતરાના ત્રણ આરોપો માટે સોમવાર ૨૦ ડિસેમ્બરે દોષિત ઠેરવાયો હતો. પાંચ સાથીદારોને છેતરપિંડીના કાવતરા માટે પણ દોષિત ઠેરવાયા હતા, જેમાંથી બે સાથીદારોને છેતરપિંડીથી યુકેમાં રહેવાની રજા મેળવવાના દોષિત ઠેરવાયા હતા.

નકલી એજન્ટ ચૌધરીએ ૫૩ વિદ્યાર્થીને તેની નકલી મૂવી પ્રોડક્શન કંપનીના ખોટી ઓળખાણ સાથે યુકેમાં રહેવા માટે મદદ કરી હતી. ચૌધરીએ દાવો કર્યો હતો કે તેમની ફર્મ યુકે ફિલ્મ પ્રોડક્શન્સમાં બોલિવૂડ ફિલ્મો માટે પડદા પાછળના ક્રૂ મેમ્બર્સન પુરા પાડે છે. પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં વેસ્ટ લંડનના હન્સલોસ્થિત પેઢીની ઓફિસમાં એક ટેબલ અને બે ખુરશીઓથી વધારે કશું જણાયું ન હતું. ચૌધરી અને તેના સાથીદારોએ વિદ્યાર્થી વિઝા સમાપ્ત થવાના હતા તેવા વિદેશી નાગરિકોને મદદ કરી તેમને બોલિવૂડ ઉદ્યોગમાં પ્રોડક્શન, સ્પેશિયલ ઇફેક્ટ્સ અને જાહેરાતમાં કામ કરવા માટે નકલી પગારના રેકોર્ડ પૂરા પાડયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter