લંડનઃ યુકે સ્કૂલ ઓફ ધ ડેકેડ તરીકે સન્માનિત બ્રાઇટન કોલેજ હવે ભારતમાં પદાર્પણ કરી રહી છે. દેશમાં તેની પ્રથમ શાળા, ‘બ્રાઇટન કોલેજ ઇન્ટરનેશનલ સ્કૂલ હૈદરાબાદ’, શ્રેષ્ઠ શિક્ષણ, અભ્યાસ પ્રત્યેનો લગાવ અને સંવેદનશીલતાની સંસ્કૃતિનો સમન્વય રજૂ કરશે, જેના માટે બ્રાઇટન વિશ્વભરમાં જાણીતી છે.
બ્રાઇટન કોલેજ ઇન્ટરનેશનલ સ્કૂલ હૈદરાબાદ ઓગસ્ટ 2027માં તેના પ્રથમ વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે. અહીં વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ અને વ્યક્તિગત કાળજીની સાથે જિજ્ઞાસા, આત્મવિશ્વાસ અને દયાના મૂળભૂત મૂલ્યોનું સિંચન કરતું શિક્ષણ આપવામાં આવશે. શાળાની શરૂઆત પ્રી-પ્રેપ વિભાગથી થશે ત્યારબાદ ઓગસ્ટ 2028માં ઉચ્ચ વર્ગો શરૂ કરવામાં આવશે. તેમાં બ્રિટિશ અભ્યાસક્રમ હેઠળ IGCSE અને સિક્સ્થ ફોર્મમાં ઇન્ટરનેશનલ બેકલોરિએટ ડિપ્લોમા પ્રોગ્રામનો સમાવેશ થશે.
બ્રાઇટન કોલેજ ઇન્ટરનેશનલ સ્કૂલ હૈદરાબાદ વિશાળ બ્રાઇટન કોલેજ પરિવારનો એક અભિન્ન હિસ્સો બનશે. આ શાળા વિશ્વભરની બ્રાઇટન શાળાઓને જોડતા મૂલ્યો અને પરંપરાઓને આગળ ધપાવવાની સાથે વિદ્યાર્થીઓ માટે મિત્રતા, જ્ઞાન અને સહિયારા અનુભવોની નવી તકો ઊભી કરશે.

