લંડનઃ બ્રાઇટનની રોયલ સસેક્સ હોસ્પિટલના બે વ્હિસલ બ્લોઅર્સે મેડિકલ બેદરકારીના કારણે હોસ્પિટલમાં 40 જેટલા દર્દીઓના અકાળે મોત નિપજ્યા હોવાનો દાવો કર્યો છે. દર્દીઓની સુરક્ષા અંગે અવાજ ઉઠાવનારા બે કન્સલ્ટન્ટ સર્જનને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે હવે આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
યુનિવર્સિટી હોસ્પિટલ સસેક્સ એનએચએસ ટ્રસ્ટના નેજા હેઠળ કામ કરતી રોયલ સસેક્સ કાઉન્ટી હોસ્પિટલમાં કથિત રીતે દર્દીઓના ઓપરેશનમાં બેદરકારી રખાઇ હોવાના આરોપ મૂકાયા છે. જ્યારે આ હોસ્પિટલનું મેનેજમેન્ટ ટીમ દ્વારા સંચાલન કરાતું ત્યારે જેરેમી હન્ટે તેને શ્રેષ્ઠ એનએચએસનો ખિતાબ આપ્યો હતો.
ગયા સપ્તાહમાં સસેક્સ પોલીસના ડિટેક્ટિવોએ ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોર્જ ફિન્ડલેને પત્ર લખીને જણાવ્યું હતું કે, અમે રોયલ સસેક્સ કાઉન્ટી હોસ્પિટલ ખાતે થયેલા દર્દીઓના મોતની તપાસ શરૂ કરી છે.
વ્હિસલ બ્લોઅર્સ દ્વારા આરોપ મૂકાયો છે કે 2015થી 2020ની વચ્ચે જનરલ સર્જરીમાં રહી ગયેલી ખામીઓના કારણે 40 જેટલાં દર્દીનાં મોત થયાં હતાં. ટ્રસ્ટ આ મોતની તપાસ કરવામાં અને ભૂલો સુધારવામાં નિષ્ફળ રહ્યું છે.


