લંડનઃ બ્રાઈટનમાં રોયલ સસેક્સ કાઉન્ટી હોસ્પિટલના કેટરિગ વિભાગમાં ફરજ બજાવતા NHSના ૫૬ વર્ષીય ‘સમર્પિત’ કર્મચારી જોસેફ જ્યોર્જ પર ૧૯ જુલાઈને સવારે ૯ વાગ્યાની આસપાસ હોસ્પિટલની અંદર ૧૧મા માળે હુમલો થયો હતો. પોલીસે હત્યાના પ્રયાસના એક કલાક પછી નજીકની સ્ટ્રીટમાંથી ૩૦ વર્ષીય વ્યક્તિની શંકાના આધારે ધરપકડ કરી હતી.
આ ઘટનાને પગલે હોસ્પિટલની આસપાસની શોપ્સ બંધ કરાવી દેવાઈ હતી અને સશસ્ત્ર પોલીસને બોલાવાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ હુમલાથી તેમના જીવને કોઈ જોખમ નથી. એક સાક્ષીએ દાવો કર્યો હતો કે દવાઓની કેબિનેટની ચાવી માગનાર વ્યક્તિએ સિક્યુરિટી પાસથી દ્વારા કેબિનેટ ખોલવા જણાવી જ્યોર્જ પર હુમલો કર્યો હતો. જોકે, બે સંતાનોના પિતા જ્યોર્જના કાર્ડથી ડ્રગ કેબિનેટ ખૂલતી નથી.
તે જ હોસ્પિટલમાં નવજાત શિશુના વોર્ડમા નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતી તેમની પત્ની બીનાએ જણાવ્યું હતું કે પતિ પર હુમલાના સમાચાર જાણીને તે જાગી ગઈ હતી. તેણે ‘ધ સન’ને જણાવ્યું હતું કે તેને કંઈ જ ખબર નથી. હુમલા પછી પતિની હાલત કેવી છે તેની પણ તેને ખબર નથી.