બ્રિટન 11 દેશના પેસેફિક વેપાર કરારમાં સામેલ, અર્થતંત્રને વેગ મળશે

બ્રેક્ઝિટ બાદ સીપીટીપીપી ટ્રેડ બ્લોકમાં એન્ટ્રી બ્રિટનને લાભ કરાવશે – રિશી સુનાક

Tuesday 04th April 2023 13:15 EDT
 
 

લંડન

બ્રિટન 11 દેશોના ટ્રાન્સ પેસેફિક વેપાર કરારમાં જોડાયો છે. જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિતના સભ્યો ધરાવતા આ કરારમાં સામેલ થવાના કારણે પેસેફિક ક્ષેત્રમાં બ્રિટનના વેપાર સંબંધો વધુ મજબુત બનવાની આશા છે. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, સીપીટીપીપી ટ્રેડ બ્લોકમાં જોડાવાથી બ્રિટન પ્રશાંત મહાસાગર વિસ્તારમાં વિકાસ કરી રહેલા દેશોમાં કેન્દ્રસ્થાને આવી ગયો છે. યુરોપિયન સંઘ સાથે છેડો ફાડ્યા બાદ કરાયેલો આ કરાર બ્રિટનને આર્થિક લાભ કરાવશે.

2020માં યુરોપિયન સંઘ સાથે છેડો ફાડ્યા બાદ બ્રિટન વૈશ્વિક વેપાર સંબંધો વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યો છે. બ્રિટન અત્યારે ભૌગોલિક અંતરને સ્થાને ઝડપથી વિકાસ કરી રહેલા અર્થતંત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. બ્રિટન હાલ ચીનને મોટા પડકાર તરીકે જોઇ રહ્યો છે તેથી તેની ઇચ્છા ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં આર્થિક સંબંધો વધુ મજબૂત બનાવવાની છે.

સીપીટીટીપીમાં જાપાન અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત બ્રુનેઇ, કેનેડા, ચિલી, મલેશિયા, મેક્સિકો, ન્યૂઝિલેન્ડ, પેરૂ, સિંગાપોર અને વિયેટનામ સામેલ છે. આ ગ્રુપમાં જોડાનાર બ્રિટન પહેલો નવો દેશ છે. બ્રિટન આ ગ્રુપના મોટાભાગના દેશો સાથે દ્વિપક્ષીય વેપાર કરાર ધરાવે છે તેથી આ સભ્યપદ તેમાં પૂરવણીનું કામ કરશે. બ્રિટિશ બિઝનેસોને વધુ બિઝનેસ કરવાના નવા વિકલ્પ મળશે.

આ વેપાર કરારને પગલે કાર, શરાબ અને ડેરી ઉત્પાદનો પરની જકાતમાં ઘટાડો થશે જેના કારણે બ્રિટનના અર્થતંત્રને પ્રતિ વર્ષ 1.8 બિલિયન પાઉન્ડનો લાભ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter