રિશી સુનાક સપ્ટેમ્બર 2023માં ભારતની મુલાકાત લેશે
લંડનઃ બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક સપ્ટેમ્બર 2023માં જી20 શિખર સંમેલન માટે ભારતની મુલાકાત લેશે. યુકેના મિનિસ્ટરઓફ સ્ટેટ ફોર મીડિયા, ટુરિઝમ સર જ્હોન વ્હિટિંગડેલે જણાવ્યું હતું કે, યુકેની સરકાર વડાપ્રધાન રિશી સુનાકની સપ્ટેમ્બર મહિનાની ભારત મુલાકાત માટે ઘણી આશાવાદી છે. ભારત જી20ના અધ્યક્ષ તરીકે અદ્દભૂત કામગીરી કરી રહ્યો છે.
ઇંગ્લિશ અને વેલ્સ ક્રિકેટમાં વંશીય ભેદભાવ ચરમ પરઃ તપાસ કમિશન
લંડનઃ ક્રિકેટમાં રેસિઝમની ફરિયાદોની તપાસ માટે રચાયેલા સ્વતંત્ર કમિશનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇંગ્લિશ ક્રિકેટમાં રેસિઝમ ભારોભાર છે. મહિલાઓ સાથે અન્યાય કરાય છે અને ક્લાસ બેરિયર્સની સંપુર્ણ અવગણના કરાય છે. કમિશને જણાવ્યું હતું કે, ઇંગ્લિશ ક્રિકેટમાં તાત્કાલિક સુધારા કરવાની આવશ્યકતા છે. તાજેતરના વર્ષોમાં ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડમાં થયેલી પ્રગતિને બિરદાવતા કમિશને રમતમાં વિશ્વાસ વધારવા માટે નવા રેગ્યુલેટરની નિયુક્તિ માટે ભલામણ કરી છે કારણ કે હાલની ગવર્નિંગ બોડી પ્રમોટર અને રેગ્યુલેટર એમ બેવડી ભુમિકા નિભાવતી હોવાના કારણે હિતોના ટકરાવની સંભાવના વધી જાય છે.
અસહ્ય મોંઘવારીના કારણે બ્રિટનમાં ગર્ભપાતમાં 20 ટકાનો વધારો
લંડનઃ અસહ્ય મોંઘવારીના કારણે હવે લોકો બાળક પેદા કરવાનું પણ ટાળી રહ્યાં છે. નવા આંકડા અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ગયા વર્ષના પ્રથમ છ માસિકમાં ગર્ભપાતની સંખ્યામાં 20 ટકાનો વધારો નોંધાયો હતો. વિમેન્સ હેલ્થ ગ્રુપ આ માટે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસને જવાબદાર ગણાવી રહ્યાં છે. એનએચએસમાંથી ગર્ભનિરોધક મેળવવામાં પડતી મુશ્કેલીઓએ પણ આ સમસ્યામાં ભાગ ભજવ્યો છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરના આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી-જૂન 2022માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 1,23,219 ગર્ભપાત કરાયાં હતાં. 2021માં કુલ 2,14,256 ગર્ભપાત કરાયાં હતાં. બ્રિટિશ પ્રેગનન્સી એડવાઇઝરી સર્વિસે જણાવ્યું હતું કે, વ્યાજદરમાં વધારો, અસહ્ય મોંઘવારી સહિતની આર્થિક સમસ્યાઓ ઘણી મહિલાઓને બાળકને જન્મ આપવા પર વિચાર કરવા મજબૂર કરી રહી છે. ઘણી મહિલાઓ માને છે કે હાલની સ્થિતિમાં પરિવારને વિસ્તારવાનું જોખમ લઇ શકાય તેમ નથી.
આંકડા દર્શાવે છે કે મોટાભાગના એબોર્શન ગર્ભાવસ્થાના પ્રારંભે જ કરી દેવામાં આવે છે. સાત સપ્તાહના ગર્ભનો 67 ટકા ગર્ભપાત કરાયો હતો.
હોરાઇઝન સ્કેમઃ તપાસ અધિકારીઓને બોનસ પરત ચૂકવવા ફરમાન
લંડનઃ ખામીયુક્ત હોરાઇઝન આઇટી સિસ્ટમના કારણે સેંકડો સબ પોસ્ટ માસ્ટરને ખોટી રીતે ફ્રોડ માટે દોષી ઠેરવવામાં જવાબદાર ઇન્કવાયરી કરનારા પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીઓને ચૂકવાયેલા બોનસ પરત કરવાનો આદેશ અપાયો છે. પોસ્ટ ઓફિસના વાર્ષિક અહેવાલમાં ખોટી રીતે કહેવામાં આવ્યું છે કે ઇન્કવાયરી ચેરમેન દ્વારા બોનસની ચૂકવણીને મંજૂરી અપાઇ હતી. બિનેસ સિલેક્ટ કમિટીના ચેરમેન ડેરેન જોન્સે જણાવ્યું હતું કે, ઇન્કવાયરીને સંબંધિત ચૂકવાયેલા તમામ બોનસ પરત લેવાવા જોઇએ. પોસ્ટ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ નિક રીડે બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીના સાંસદોની આ ભૂલ માટે માફી માગી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઇન્કવાયરી ફક્ત ચાર મહિનામાં પૂરી થઇ જવી જોઇતી હતી.
યુકે નેશનલ લોટરીને મેગા પ્રાઇઝ વિજેતાની તલાશ
લંડનઃ યુકે નેશનલ લોટરીને તેના મેગા પ્રાઇઝ વિજેતાની તલાશ છે. આ મેગા પ્રાઇઝ અંતર્ગત વિજેતાને 30 વર્ષ સુધી પ્રતિ માસ 10,000 પાઉન્ડ ચૂકવાય છે. યુકે નેશનલ લોટરીએ ટિકિટ ખરીદનારાઓને તેમની ટિકિટ ચકાસી લેવાની અપીલ કરી છે. 5 જૂને કરાયેલા ડ્રોમાં સાઉથ હોલેન્ડ ડિસ્ટ્રિક્ટના લેન્કેશાયરમાંથી ખરીદાયેલી ટિકિટને આ મેગા પ્રાઇઝની લોટરી લાગી છે પરંતુ તેને હજુ સુધી તેની જાણ નથી. પ્રાઇઝ જીતનાર વિજેતા પાસે ઇનામ પર દાવો કરવા માટે બીજી ડિસેમ્બર 2023 સુધીનો સમય છે. આ ટિકિટના પાંચ મુખ્ય નંબર 2,5,21,34,35 છે. તેનીસાથે લાઇફબોલ 6 મેચ થયેલો છે. જો ટિકિટ ખોવાઇ ગઇ હોય તો પણ વિજેતા તે અંગે લોટરી ઓપરેટ કરતી કંપની કેમલોટને ડ્રો થયાના 30 દિવસમાં જાણ કરી શકે છે.
સમગ્ર દેશમાં 75મી વિન્ડરશ એનિવર્સરીની ધામધૂમથી ઉજવણી કરાઇ
લંડનઃ બીજા વિશ્વયુદ્ધ બાદ કેરેબિયન ટાપુઓ અને કોમનવેલ્થ દેશોમાંથી યુકેમાં આવી સ્થાયી થયેલા લોકોના આગમનની 75મી વિન્ડરશ એનિવર્સરીની 22 જૂનના ગુરુવારે ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. 22 જૂન 1948ના રોજ ઇસ્ટ લંડનના એસેક્સમાં ટિલબરી ડોક્સ ખાતે પહેલું વિન્ડરશ જહાજ આવી પહોંચ્યું હતું. 1948થી 1971 વચ્ચે આ રીતે યુકેમાં આવીને સ્થાયી થયેલા લોકોને વિન્ડરશ જનરેશન કહેવામાં આવે છે. 75મી વિન્ડરશ એનિવર્સરીની ઉજવણી નિમિત્તે વિન્ડરશ જનરેશનના સાંસ્કૃતિક યોગદાનને યાદ કરતાં દેવળોમાં પ્રાર્થના સભાઓ યોજાઇ હતી અને સરઘસ પણ કાઢવામાં આવ્યાં હતાં.
યુરોપિયન સંઘ સાથે છેડો ફાડવાનો નિર્ણય ખોટો હતો
લંડનઃ યુરોપિયન સંઘ સાથે છેડો ફાડવાના જનમતને 7 વર્ષ થયાં છે ત્યારે હવે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પરેશાન બ્રિટિશ જનતા એમ માનવા લાગી છે કે યુરોપિયન સંઘ સાથે છેડો ફાડવાનો નિર્ણય ખોટો હતો. એક નવા સરવે પ્રમાણે 50 ટકા કરતાં વધુ બ્રિટિશર બ્રેક્ઝિટને ખોટો નિર્ણય માની રહ્યાં છે. જોકે 34 ટકા બ્રિટિશર માને છે કે બ્રેક્ઝિટ એક સાચો નિર્ણય હતો. લગભગ 80 ટકા બ્રિટિશર માને છે કે યુકેએ ભવિષ્યમાં યુરોપિયન સંઘ સાથે ગાઢ સંબંધો વિકસાવવા જોઇએ જ્યારે 43 ટકા માને છે કે યુકેએ ફરી એકવાર યુરોપિયન સંઘમાં સામેલ થઇ જવું જોઇએ. 13 ટકા સિંગલ માર્કેટમાં જોડાવાનું પસંદ કરી રહ્યાં છે.
યુકેમાં બાળકોની સરેરાશ ઉંચાઇમાં ચિંતાજનક ઘટાડો
લંડનઃ બ્રિટનમાં પાંચ વર્ષની વયના બાળકો અન્ય સમૃદ્ધ દેશોના બાળકો કરતાં ઉંચાઇમાં 7 સેન્ટીમીટર નીચા હોવાનું તારણ આપવામાં આવ્યું છે જે અત્યંત ચોંકાવનારું છે. બાળકોની ઉંચાઇના આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં બ્રિટનની આ પીછેહઠ માટે મુખ્ય વિલન અપુરતા પોષણક્ષમ ખોરાકને ગણાવવામાં આવી રહ્યો છે. યુકેમાં પાંચ વર્ષના બાળકની સરેરાશ ઉંચાઇ 112.5 સેમી હોય છે જેની સામે નેધરલેન્ડમાં 119.6 સેમી રહે છે. નેધરલેન્ડમાં પાંચ વર્ષની કન્યાઓની ઉંચાઇ સરેરાશ 118.4 સેમી હોય છે જ્યારે યુકેમાં તે 111.7 સેમી જોવા મળે છે.
બ્રિટનમાં હજારો બાળકોએ શાળામાં જવાનું બંધ કરી દીધું, સત્તાવાળા અજાણ
લંડનઃ બ્રિટનમાં હજારો બાળકોએ શાળામાં જવાનું બંધ કરી દીધું છે. આ બાળકો ક્યાં લાપતા બની ગયાં છે તેની સત્તાવાળાઓને પણ જાણ નથી. આ વર્ષની વસંતમાં એક દિવસ કરાયેલા સરવેમાં ઇંગ્લેન્ડની શાળાઓમાં 24,700 વિદ્યાર્થી લાપતા હતા. શાળામાં ન જતા બાળકોને ચિલ્ડ્રન મિસિંગ એજ્યુકેશન (સીએમઇ) તરીકે વર્ગીકૃત કરાયાં છે. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં એક સમયે સૌથી વધુ 94,900 વિદ્યાર્થી શાળામાં ગેરહાજર જણાયાં હતાં.


