બ્રિટન @ એ ગ્લાન્સ

Tuesday 04th July 2023 12:20 EDT
 

સુનાક ઇરેઝેબલ ઇન્ક ધરાવતી પેન વાપરતા હોવાના દાવાથી વિવાદ

લંડનઃ શું વડાપ્રધાન રિશી સુનાક ઇરેઝેબલ ઇન્ક ધરાવતી પેનનો ઉપયોગ કરી રહ્યા છે? સુનાકની કચેરી જણાવ્યું છે કે વડાપ્રધાન દ્વારા પેનના ઇરેઝેબલ ફીચરનો ઉપયોગ કરાતો નથી. ગાર્ડિયન અખબાર દ્વારા દાવો કરાયો છે કે બ્રિટિશ વડાપ્રધાન ઇરેઝેબલ ઇન્ક ધરાવતી પેનનો ઉપયોગ કરી રહ્યા છે. અખબારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના પોતાના કાર્યકાળ દરમિયાન રિશી સુનાક દ્વારા હસ્તાક્ષરિત દસ્તાવેજોની ગુપ્તતાના મુદ્દે સુરક્ષા ચિંતાઓ પણ વ્યક્ત કરી છે. આ પેન કંપની દ્વારા એવા લોકો માટે બનાવવામાં આવે છે જે લોકો લખવામાં ભૂલ થાય તો તેને સ્ટાન્ડર્ડ ઇન્ક ઇરેડિકેટર્સ દ્વારા હટાવી શકાય.

ભારતીય મૂળના મહિલા ડોક્ટર એનએચએસ સામે પક્ષપાતનો કેસ જીતી ગયાં

લંડનઃ સડક પર ડ્રાઇવિંગ કરવામાં મુશ્કેલી અનુભવતા ડો. માધવી એનએચએસ સામે પક્ષપાતનો કેસ જીતી ગયાં છે. એનએચએસ દ્વારા તેમને 40 મિનિટનું ડ્રાઇવિંગ કરીને કામ પર પહોંચવાની ફરજ પાડવામાં આવી હતી. ડો. માધવી વર્મા અજાણ્યા રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવાનું પસંદ કરતા નથી કારણ કે તેઓ એન્ઝાઇટીથી પીડાય છે. તેઓ પીઠના દુઃખાવા સહિતની અન્ય શારીરિક સમસ્યા પણ ધરાવે છે. સેક્સ્યુઅલ હેલ્થના નિષ્ણાત માધવી વર્માને તેમની શારીરિક સમસ્યાઓના કારણે આરોગ્ય નિષ્ણાતોએ રાતના સમયે ડ્રાઇવિંગ નહીં કરવા સલાહ આપી છે. તેમ છતાં એનએચએસ દ્વારા તેમને એ પ્રકારની ફરજ સોંપવામાં આવી જેથી તેમને કાર ડ્રાઇવ કરીને હોસ્પિટલ જવું પડે, સાંજના સમયે પણ કામ કરવું પડે. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, એનએચએસ ડો. માધવી વર્માની સ્થિતિ પ્રમાણે વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયું છે તેથી માધવી વર્મા વળતર મેળવવાના પણ હકદાર છે.

ટાઇટન સબમર્સિબલના કાટમાળને મહાસાગરના તળિયેથી બહાર કઢાયો

લંડનઃ પાંચ માનવી સાથે એટલાન્ટિક મહાસાગરમાં જળસમાધિ લેનાર ટાઇટન સબમર્સિબલના કાટમાળને મહાસાગરના તળિયેથી કેનેડાના કિનારે લાવવામાં આવ્યો હતો. આ કાટમાળમાં મૃતકોના અવશેષો હોવાની સંભાવના છે. યુએસ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર કેનેડાના હોરાઇઝન આર્કટિક જહાજ દ્વારા કાટમાળને ન્યૂ ફાઉલેન્ડના સેન્ટ જ્હોન્સ ખાતે લવાયો હતો.હવે આ કાટમાળને તપાસ માટે અમેરિકાના બંદર ખાતે લઇ જવાશે. યુએસ કોસ્ટ ગાર્ડ અને અન્ય અધિકારીઓ દ્વારા વિધિવત તપાસ શરૂ કરાશે. નિષ્ણાતોને કાટમાળમાંથી માનવ અવશેષો મળી આવ્યાનો દાવો કરાયો છે.  અમેરિકાના મેડિકલ નિષ્ણાતો દ્વારા કાટમાળમાંથી મળેલા માનવીય અવશેષોની તપાસ કરાશે.

પ્રિન્સેસ ડાયનાના બ્લેક શિપ સ્વેટરની હરાજી કરાશે...

લંડનઃ પ્રિન્સેસ ડાયનાના લોકપ્રિય એવા બ્લેક શિપ સ્વેટરની ન્યૂયોર્ક ખાતે 31 ઓગસ્ટથી 14 સપ્ટેન્બર વચ્ચે હરાજી યોજાશે. પ્રિન્સેસ ડાયનાએ આ સ્વેટર 1981માં પોલો મેચ દરમિયાન પહેર્યું હતું. આજ વર્ષે તેમની પ્રિન્સ ચાર્લ્સ સાથે સગાઇ થઇ હતી. પ્રિન્સેસ ડાયનાએ 40 વર્ષ પહેલા પહેરેલા આ સ્વેટરની 80,000 ડોલરમાં હરાજી થાય તેવી સંભાવના છે. નીટવેર લાઇન વોર્મ એન્ડ વંડરફૂલ નામનું આ સ્વેટર વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું.

પર્યાવરણ મંત્રી ઝેક ગોલ્ડસ્મિથનું રાજીનામું

લંડનઃ બ્રિટિશ ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ મિનિસ્ટર ઝેક ગોલ્ડસ્મિથે સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે વડાપ્રધાન રિશી સુનાક પર આરોપ મૂક્યો હતો કે તેમને પર્યાવરણના મામલામાં જરાપણ રસ નથી. ગોલ્ડસ્મિથે જણાવ્યું હતું કે, સમસ્યા એ નથી કે પર્યાવરણના મામલે સરકાર લાચાર બની ગઇ છે પરંતુ વડાપ્રધાન રિશી સુનાકને પર્યાવરણના મામલાઓમાં જરાપણ રસ નથી.ગોલ્ડસ્મિથે તેમના રાજીનામામાં જણાવ્યું હતું કે, બ્રિટને વૈશ્વિક મંચ પર પોતાનું સ્થાન ગુમાવી દીધું છે અને ક્લાઇમેટ ચેન્જ અને નેચરના મામલામાં બ્રિટને નેતૃત્વ કરવામાં પીછેહઠ કરી લીધી છે.ગોલ્ડસ્મિથના રાજીનામા પર પ્રતિભાવ આપતા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, તેમને પ્રિવિલેજ કમિટી પર કરેલી ટિપ્પણી માટે માફી માગવા જણાવવામાં આવ્યું હતું પરંતુ તેમણે અલગ જ રાગ આલાપ્યો છે. અમને લાગે છે કે ગોલ્ડસ્મિથ મંત્રીપદે રહે તે પ્રિવિલેજ કમિટીને યોગ્ય લાગતું નથી.

કેમ્બ્રિજ, ઓક્સફર્ડ, ઇમ્પિરિયલ કોલેજ અને યુનિવર્સિટી કોલેજ લંડન વર્લ્ડ રેન્કિંગમાં ટોપ ટેનમાં સામેલ

લંડનઃ લંડનની બે યુનિવર્સિટીને ક્યુએસ વર્લ્ડ યુનિર્વર્સિટી રેન્કિંગમાં ટોપ ટેનમાં સ્થાન અપાયું છે. આ  રેન્કિંગમાં ઇમ્પિરિયલ કોલેજને છઠ્ઠો અને યુનિવર્સિટી કોલેજ લંડનને નવમો રેન્ક અપાયો છે. છેલ્લા 20 વર્ષથી ગ્લોબલ લીગ ટેબલ દ્વારા આ રેન્કિંગ અપાય છે. અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીને સતત 12મા વર્ષે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીનો ખિતાબ અપાયો છે. બીજા સ્થાને યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ત્રીજા સ્થાને ઓક્સફર્ડ યુનિવર્સિટી રહી છે.

ટાટા જૂથ સમરસેટમાં કાર બેટરી પ્લાન્ટ સ્થાપે તેવી સંભાવના

લંડનઃ ભારતના ટાટા જૂથની માલિકીની જેગુઆર લેન્ડ રોવર કંપની અબજો પાઉન્ડના મૂડીરોકાણ સાથેની કાર બેટરીના ઉત્પાદન માટેની ફેક્ટરી સમરસેટમાં સ્થાપે તેવી સંભાવના છે. કંપની દ્વારા નોકરીઓ માટેની જાહેરાત આપવાનું પણ શરૂ કરી દેવાયું છે. યુકે સરકાર સાથે થયેલા કરાર અંતર્ગત સરકાર તરફથી પણ જેગુઆર લેન્ડ રોવરની આ ફેક્ટરી માટે સેંકડો મિલિયન પાઉન્ડની સહાય અપાશે. ટાટા જૂથ આ પ્લાન્ટમાં તેના જેગુઆર લેન્ડ રોવર મોડેલ માટે કાર બેટરીનું ઉત્પાદન કરશે.

ડોક્ટર, નર્સ અને શિક્ષકની એજ્યુકેશન લોન માફ કરવાની માગ

લંડનઃ લેન્કેશાયરની એજ હીલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. જ્હોન કેટરે માગ કરી છે કે જો ડોક્ટર, નર્સ અને શિક્ષક ઓછામાં ઓછો એક દાયકો તેના વ્યવસાયમાં સેવા આપે તો તેની ટ્યુશન ફી માફ કરી દેવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, યુવા સ્નાતકો તેમની એજ્યુકેશન લોન અને ટેક્સની ચૂકવણીની જાળમાં સપડાઇ ચૂક્યાં છે. કેટરે જણાવ્યું હતું કે, મેડિસિન અને ટિચિંગ લાઇનમાં એક દાયકા સુધી કામ કરનારાની ટ્યુશન ફી લોન 3 હપ્તામાં માફ કરી દેવી જોઇએ. આ માફી પાંચ, સાત અને 9 વર્ષે એમ ત્રણ તબક્કામાં હોવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter