બ્રિટન @ એ ગ્લાન્સ

Tuesday 11th July 2023 13:15 EDT
 
 

પોતાના મતવિસ્તારની શાળામાં સુનાકે 10 પાઉન્ડનું દાન આપતાં વિવાદ

લંડનઃ પોતાના મતવિસ્તારમાં સંઘર્ષ કરી રહેલી શાળાને વડાપ્રધાન રિશી સુનાક દ્વારા ફક્ત 10 પાઉન્ડની વાઇનની બોટલ દાનમાં અપાતા તેઓ વાલીઓના રોષનો ભોગ બન્યાં છે. નોર્થ યોર્કશાયરના રિચમંડમાં આવેલી લીબર્ન પ્રાઇમરી સ્કૂલ દ્વારા શરૂ કરાયેલા ફંડ એકત્ર કરવાના અભિયાનમાં વડાપ્રધાને હાઉસ ઓફ કોમન્સની હસ્તાક્ષર કરેલી વાઇનની બોટલ દાનમાં આપી હતી. વાલીઓનું કહેવું છે કે અબજોપતિ પત્ની ધરાવતા અને સૌથી અમીર સાંસદો પૈકીના એક રિશી સુનાકના આ દાનથી અમને ઘણો આઘાત લાગ્યો છે. તેમણે ઉદારતા દર્શાવી નથી. આ પહેલાં રિશી સુનાક વિન્ચેસ્ટરની તેમની શાળાને મોટી રકમનું દાન આપી ચૂક્યાં છે. જોકે 10 ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, વડાપ્રધાનને સંખ્યાબંધ ઇવેન્ટમાં આમંત્રણ અપાતું હોય છે અને તેઓ દાન આપતા રહે છે. વાલી,શિક્ષક અને મિત્ર મંડળના ચેરમેન મેલ વાઇઝે જણાવ્યું હતું કે, સુનાકના મતે તેમના મતવિસ્તારના બાળકોનું મૂલ્ય ફક્ત 10 પાઉન્ડ છે.

વંશીય ટિપ્પણીઓનો સૌથી વધુ શિકાર લંડનના મેયર સાદિક ખાન

લંડનઃ વર્ષ 2023માં વંશીય ભેદભાવનો સૌથી વધુ શિકાર લંડનના મેયર સાદિક ખાન બની રહ્યાં છે. ઇન્ટરનેટ પર સાદિક ખાનને ભાંડતી વંશીય ટિપ્પણીઓની જાણે કે ભરમાર ચાલી રી છે. સિટી હોલ દ્વારા કરાયેલી એક સમીક્ષા અનુસાર વર્ષ 2022ની સરખામણીમાં 2023માં અત્યાર સુધીમાં સાદિક ખાનને ભાંડતી વંશીય ટિપ્પણીઓમાં 170 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સિટી હોલના જણાવ્યા અનુસાર 2023માં સોશિયલ મીડિયા પર સાદિક ખાન વિરુદ્ધની વંશીય ટિપ્પણીઓ 20,000નો આંકડો પાર કરી જાય તેવી સંભાવના છે. 2022માં 17690 ટિપ્પણીઓ સામે આવી હતી.

લાખો વૃદ્ધ બિલ ચૂકવવા માટે દેવુ કરવા મજબૂર

લંડનઃ એક ચેરિટીના સરવે પ્રમાણે દેશના લાખો વૃદ્ધ બિલો ચૂકવવા માટે દેવુ કરવા મજબૂર બન્યાં છે. એજ યુકેના સરવે અનુસાર 50-69ની વયજૂથના 34 લાખ લોકોને ગયા મહિને તેમની જરૂરીયાતો પૂરી કરવા માટે ઉધાર નાણા લેવા પડ્યાં હતાં. 70થી વધુ વયના 6,70,000 લોકો પણ આજ સ્થિતિમાં જીવી રહ્યાં છે. એજ યુકેએ જણાવ્યું છે કે તેના કેમ્પેનર્સ પૈકીના 70 ટકા તેમની આર્થિક સ્થિતિ અંગે ઘણા ચિંતિત છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર 50થી વધુ વયના દર પાંચમાંથી બે વ્યક્તિ ખોરાક અને જીવનજરૂરી વસ્તુઓ પર ઓછો ખર્ચ કરી રહ્યાં છે. 42 ટકા એમ માને છે કે આગામી 12 મહિનામાં તેઓ કોઇ પ્રકારની બચત કરી શકવાની સ્થિતિમાં નથી.

લઘુમતીઓને સુરક્ષા ન આપતી યુનિવર્સિટીઓ સામે આકરાં પગલાં લોઃ જસ્ટિન વેલ્બી

લંડનઃ આર્ચબિશપ ઓફ કેન્ટરબરી મોસ્ટ રેવ.જસ્ટિન વેલ્બીએ સૂચન કર્યું છે કે લઘુમતી સમુદાયોમાંથી આવતા વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ ન કરી શક્તી યુનિવર્સિટીઓને અપાતા ભંડોળમાં કાપ મૂકવો જોઇએ. દરેક વ્યક્તિ પાસે તેને પરેશાન ન કરાય તેનો અધિકાર હોવો જોઇએ.

એક જ્યૂ ઇવેન્ટ ખાતે બોલતાં વેલ્બીએ જણાવ્યું હતું કે, હું લઘુમતીઓની સુરક્ષાના મામલામાં આકરું વલણ અપનાવવાની તરફેણ કરું છું. જે યુનિવર્સિટીઓ લઘુમતીઓની સુરક્ષામાં નિષ્ફળ જાય તેમને અપાતા ભંડોળ, સત્તા અને માન્યતા બાબતે ગંભીર પગલાં લેવાવા જોઇએ. લઘુમતી વિદ્યાર્થીઓની સુરક્ષા કરનારા વાઇસ ચાન્સેલરને વિશેષ પુરસ્કાર આપીને સન્માનવા જોઇએ.

રાહુલ દ્રવિડ રિશી સુનાકના ફેવરિટ ખેલાડીઓમાં સામેલ

લંડનઃ યુકેના ભારતીય મૂળના વડાપ્રધાન રિશી સુનાકનો ક્રિકેટ પ્રેમ જાણીતો છે. તેમના ફેવરિટ ક્રિકેટ ખેલાડીઓમાં ભારતના પૂર્વ કપ્તાન અને બેટ્સમેન રાહુલ દ્રવિડનો પણ સમાવેશ થાય છે. રિશી સુનાકે જણાવ્યું હતું કે, તેમને રાહુલ દ્રવિડનું વ્યક્તિત્વ, રમતની ટેકનિક અને વર્તન ઘણું પસંદ છે.

એક શો દરમિયાન રિશી સુનાકને સવાલ કરાયો હતો કે બાઉન્સર સ્ટ્રેટેજી પર ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વલણ પર તમારું શું મંતવ્ય છે. શું તેમણે દ્રવિડ જેવું વલણ અપનાવવું જોઇએ. તેના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, મને રાહુલ દ્રવિડની ટેકનિક, વલણ અને વ્યક્તિત્વ ઘણા પસંદ છે.

ઓનલાઇન શોપિંગના પાર્સલોની ચોરીમાં મોટો ઉછાળો

લંડનઃ ઓનલાઇન શોપિંગ કરનારા ગ્રાહકોને ડિલિવરીનો ચોક્કસ દિવસ પસંદ કરવા અથવા પોતાના પાર્સલ જાતે લઇ આવવાની સલાહ આપવામાં આવી રહી છે કારણ કે પાર્સલની ચોરીમાં મોટો ઉછાળો આવ્યો છે. રોયલ મેઇલમાં ચાલેલી શ્રેણીબદ્ધ હડતાળો બાદ આ સમસ્યામાં વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં પાર્સલ ગૂમ થવાની ફરિયાદોમાં 59 ટકા જેવો મોટો ઉછાળો આવ્યો છે. તાજેતરમાં રોયલ મેઇલના કર્મચારીઓ દ્વારા પડાયેલી હડતાળના કારણે રિટેલર્સ અન્ય પાર્સલ ડિલિવરી કંપનીઓ તરફ વળ્યા હોવાના કારણે પણ પાર્સલ ગૂમ થવાની ઘટનાઓ વધી છે. પાર્સલ ગૂમ થવાની ઘટનાઓમાં થયેલો વધારો પાર્સલની ચોરી થતી હોવા તરફ પણ આંગળી ચીંધે છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે કથિત પોર્ચ પાઇરસીમાં પાર્સલો ગૂમ થઇ રહ્યાં છે. અન્ય પ્રકારના રિટેલ ક્રાઇમમાં પણ વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં સ્ટોરમાંથી ઉઠાંતરી કરવાની ઘટનાઓમાં 953 મિલિયન પાઉન્ડનો સામાન ચોરાઇ ગયો હતો.

25 અફઘાનની હત્યા માટે પ્રિન્સ હેરી સામે ખટલો ચલાવવા તાલિબાનની માગ

લંડનઃ વર્ષ 2012-13માં અફઘાનિસ્તાનમાં નાટો સેનાઓ વતી ફરજ બજાવતી વખતે 25 અફઘાન આતંકવાદીઓની હત્યા કરી હોવાના દાવા મુદ્દે તાલિબાને પ્રિન્સ હેરી સામે ખટલો ચલાવવાની માગ કરી છે. પોતાની જીવનકથની સ્પેરમાં પ્રિન્સ હેરીએ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં અપાચે હેલિકોપ્ટર પાયલટ તરીકે ફરજ બજાવતી વખતે મેં બે ડઝન તાલિબાન આતંકવાદીનો સફાયો કરી નાખ્યો હતો. આ માટે મને જરાપણ ખેદ નથી.

વિમ્બલ્ડનમાં કાર શાળામાં ઘૂસી જતાં બે એશિયન મૂળની બાળકીનાં મોત

લંડનઃ ગયા સપ્તાહમાં ગુરુવારે વિમ્બલ્ડન ખાતેની શાળામાં એક કાર ઘૂસી જતાં બે બાળકીનાં મોત થયાં હતાં. ગુરુવારે સવારે 10 કલાકે સ્ટડી પ્રેપ સ્કૂલમાં એક કાર ફેન્સિંગ તોડીને ઇમારતમાં ઘૂસી ગઇ હતી. જેમાં ઘાયલ થયેલી સેલિના લાઉનું ગુરુવારે જ મોત થયું હતું જ્યારે નૂરિયા સજ્જાદનું સારવાર દરમિયાન રવિવારે મોત થયું હતું. બંને બાળકી એશિયન મૂળની હતી. લંડનના મેયર સાદિક ખાને નૂરિયાના પરિવારને દિલસોજી પાઠવી હતી. આ દુર્ઘટનામાં 12 લોકોને ઇજા પહોંચી હતી. પોલીસે વિમ્બલ્ડની 46 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી.

લગ્નના વ્યાવસાયિકરણ સામે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની ચેતવણી

લંડનઃ કાયદામાં છૂટછાટની ભલામણો વચ્ચે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડે લગ્નોના વ્યાવસાયિકરણ સામે ચેતવણી ઉચ્ચારી છે. બિશપ ઓફ ડરહામે યોર્ક ખાતે મળેલી જનરલ સિનડની બેઠકમાં જણાવ્યું હતું કે, સરકાર વિચારણા કરી રહી છે તે કાયદા પંચની ભલામણો લગ્નોનું નફા માટે વ્યાવસાયિકરણ કરી નાખશે. આ પ્રકારના વ્યાવસાયિકરણથી લગ્ન અંગેની ખ્રિસ્તી સમજનું અવમૂલ્યન થશે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લગ્ન અંગેના કાયદાની સમીક્ષા કરવા કાયદા પંચને જણાવવામાં આવ્યું છે. લગ્ન ક્યાં કરી શકાય અથવા તો કોણ લગ્ન કરાવી શકે, લગ્નમાં લેવાતી પ્રતિજ્ઞાઓ, વાંચન અને કેવા પ્રકારના ગીત વિધિ દરમિયાન પસંદ કરી શકાય તેવી બાબતોનો સમાવેશ થાય છે. કાયદા પ્રમાણે સરકાર દ્વારા લાયસન્સ અપાયાં હોય તેવા સ્થળો ખાતે જ લગ્નોનું આયોજન કરી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter