12000 પાઉન્ડ ફી વસૂલતા મદરેસાની ઓફસ્ટેડ દ્વારા આકરી ટીકા
લંડનઃ વર્ષના 12000 પાઉન્ડ ફીની વસૂલાત કરતી ઇસ્લામિક બોય્ઝ બોર્ડિંગ સ્કૂલની ઓફસ્ટેડ દ્વારા આકરી ટીકા કરાઇ છે. ઓફસ્ટેડે જણાવ્યું છે કે આ સ્કૂલ વિદ્યાર્થીઓને આધુનિક બ્રિટનના જીવનની તૈયારીથી વંચિત રાખી રહી છે. સાઉથ લંડનમાં આવેલી મેરેથોન સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓને અન્ય ધર્મો અને સંસ્કૃતિઓ અંગે કોઇપણ પ્રકારની જાણકારી જ નથી. મે મહિનામાં કરાયેલા ઇન્સ્પેક્શનમાં હાઇસ્કૂલ સ્તરનું શિક્ષણ આપતી લૂઇશેમ સ્કૂલનું ગ્રેડિંગ ગૂડથી ઘટાડીને ઇનએડિક્વેટ કરી નાખવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્ટરોએ જણાવ્યું હતું કે, આ શાળાના વિદ્યાર્થીઓને બ્રિટનની મુખ્ય રાજકીય પાર્ટીઓ અંગે પણ બહુ ઓછી માહિતી હતી. બ્રિટિશ મૂલ્યો અંગે તેમનું જ્ઞાન ઘણું મર્યાદિત હતું. આ શાળાનો અભ્યાસક્રમ પણ અત્યંત નબળો છે જેના કારણે તેના વિદ્યાર્થીઓ આધુનિક બ્રિટન માટે તૈયાર થઇ શક્તાં નથી.
લંડનમાં રસીના નહીંવત પ્રમાણને લીધે ઓરીનો રોગચાળો ફાટી નીકળવાનું જોખમ
લંડનઃ લંડનમાં ઓરીની રસીના નહીંવત પ્રમાણને કારણે ઓરીનો રોગચાળો ફાટી નીકળે તેવું જોખમ સર્જાયું છે. એક અંદાજ પ્રમાણે 1,60,000 ઓરીના કેસ નોંધાવાની શક્યતા છે. લંડનમાં બાળકોમાં 70 ટકા કરતાં ઓછાને ઓરીની રસી એમએમઆરનો પ્રથમ ડોઝ અપાયો છે. ઓરી અટકાવવા માટે રસીના બે ડોઝ લેવા આવશ્યક છે. ઓરીનો રોગચાળો ફાટી નીકળતો અટકાવવા 95 ટકા વસતીની રોગપ્રતિકારક શક્તિ વધારવાની આવશ્યકતા સર્જાઇ છે. ઓરી વિશ્વના સૌથી વધુ ચેપી રોગ પૈકીનો એક છે.
યુસ્ટનની ડ્રમમોન્ડ સ્ટ્રીટ પરના ભારતીય બિઝનેસોનું ભાવિ જોખમમાં
લંડનઃ લંડનના યુસ્ટન ખાતે આવેલી ડ્રમમોન્ડ સ્ટ્રીટ ભારતીય ખાણીપીણી માટેનું સૌથી લોકપ્રિય સ્થળ છે પરંતુ હવે આ સ્ટ્રીટ પર આવેલા ભારતીય બિઝનેસોના શટર પડી જવાનું જોખમ તોળાઇ રહ્યું છે. આમ પણ કોરોના મહામારી બાદ સ્ટ્રીટના વેપારધંધામાં 60 ટકાનો ઘટાડો થઇ ગયો છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસે પણ ગ્રાહકોની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. તે ઉપરાંત પડતાં પર પાટુ સમાન સ્ટ્રીટના પૂર્વ છેડાને બંધ કરી દેવાયો છે. વિવાદાસ્પદ હાઇ સ્પીડ રેલવે એચએસટુનું લંડન ટર્મિનસ યુસ્ટન છે જે ડ્રમમોન્ડ સ્ટ્રીટના પૂર્વ છેડા પર આવેલું છે. દાયકાઓથી લોકો સ્ટ્રીટ પર પહોંચવા માટે આ ટૂંકા રસ્તાનો ઉપયોગ કરતા હતા અને સસ્તા ભારતીય વ્યંજનોનો આસ્વાદ માણતા હતા. પરંતુ હવે આ રસ્તો બંધ કરી દેવાતાં આ સ્ટ્રીટ પર આવેલાં ભારતીય ખાણીપીણીના બિઝનેસને પુરતા પ્રમાણમાં ગ્રાહકો મળી રહ્યાં નથી.
ઓલ્ડહામમાં અલગ મુસ્લિમ કબ્રસ્તાનનો પ્રસ્તાવ કાઉન્સિલે ફગાવ્યો
લંડનઃ ઓલ્ડહામમાં પ્રાઇવેટ મુસ્લિમ કબ્રસ્તાન ઊભું કરવાના વિવાદાસ્પદ પ્રસ્તાવને કાઉન્સિલરો દ્વારા ફગાવી દેવાયો છે. ટોરી કાઉન્સિલર કામરાન ગફૂરે કાઉન્સિલમાં પ્રસ્તાવ મૂકી મુસ્લિમ કબ્રસ્તાન માટે જમીનની ફાળવણી કરવા માગ કરી હતી. પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે, બરોમાં જમીનને અલગ તારવીને મુસ્લિમોને તેનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરવાની પરવાનગી આપવામાં આવે અને આ જમીન ઓલ્ડહામ મુસ્લિમ સેમિટ્રી કમિટીને સોંપી દેવામાં આવે. જોકે લેબર કાઉન્સિલરોએ તેનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ વિભાજનકારી છે અને ઓલ્ડહામના મુસ્લિમ સમુદાયમાં બિનજરૂરી ગૂંચવાડો પેદા કરે તેવો છે. હાલમાં ઉપલબ્ધ કબ્રસ્તાનોમાં મુસ્લિમ સેક્શનમાં આગામી પાંચ વર્ષ ચાલે તેટલી જગ્યા છે.
2024માં યુકેની પ્રથમ ઇલેક્ટ્રિક એરલાઇન શરૂ કરાશે
લંડનઃ ગ્રીન એનર્જી ટાયકૂન ગણાતા ડેલ વિન્સી બ્રિટનની સૌપ્રથમ ઇલેક્ટ્રિક એરલાઇન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ આ એરલાઇનના માધ્યમથી ગ્રીન હાઉસ ગેસ ઘટાડવાની નેમ ધરાવે છે. ડેલ વિન્સી ઇકોજેટ નામની એરલાઇન શરૂ કરશે. 2024ના પ્રારંભે શરૂ થનારી આ એરલાઇનમાં 19 બેઠકો ધરાવતા વિમાન એડિનબરો અને સાઉધમ્પ્ટન વચ્ચ ઉડાન ભરશે. પ્રથમ વર્ષે આ વિમાનો કેરોસીન આધારિત ઇંધણ પર ઉડાન ભરશેત્યારબાદ તેના એન્જિનોમાં ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરાશે જેના દ્વારા ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે. વિન્સે 1995માં યુકેની સૌપ્રથમ ગ્રીન એનર્જી કંપની ઇકોટ્રિસિટીની સ્થાપના કરી હતી.
2022-23માં પાવર એટર્નીની 30,000 અરજી નકારાઇ
લંડનઃ વર્ષ 2022-23માં નજીવી ભૂલોના કારણે ઓફિસ ઓફ પબ્લિક ગાર્ડિયન દ્વારા લાસ્ટિંગ પાવર ઓફ એટર્ની (એલપીએ)ની અંદાજિત 30,000 અરજી નકારી કાઢવામાં આવી હતી. એલપીએ એક કાયદાકીય દસ્તાવેજ છે જેના દ્વારા એક વ્યક્તિ અન્ય બીજી વ્યક્તિને તેના વતી નિર્ણયો લેવાના અધિકાર આપે છે. સામાન્ય રીતે પાવર ઓફ એટર્ની માટે ઓપીજીમાં રજિસ્ટ્રેશન અને કાર્યવાહીમાં ઓછામાં ઓછા 90 દિવસનો સમય લાગે છે. ખોટી રીતે ફોર્મમાં હસ્તાક્ષર કરવી, અધુરી માહિતી હોવી, ખોટા સાક્ષી હોવા, પૂરાં નામ ન આપવા જેવી ભૂલોના કારણે અરજીઓ નકારી કાઢવામાં આવતી હોય છે તેથી અરજી કરતી વખતે જ આ બાબતોનું ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.


