બ્રિટન WHOને ૩૦ ટકા ભંડોળ વધારશે

Tuesday 06th October 2020 06:32 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને યુકે દ્વારા અપાતા ભંડોળમાં ૩૦ ટકા વધારાની જાહેરાત કરી છે. આ ભંડોળ ચીન સામે પગલાં લેવાની શરત સાથે વધારવામાં આવશે. જોકે, ચીન સામે કડક નહિ રહેલી વિશ્વસંસ્થા કોરોના વાઈરસ રોગચાળાના ઉદ્ભવની ભીતરમાં નહિ જાય ત્યાં સુધી ભંડોળ અટકાવી રખાશે. ઉલ્લેખનીય છે કે યુએસ પ્રમુખ ટ્રમ્પે WHOને ભંડોળ નહિ આપવાની જાહેરાત કરી છે.

યુકે દ્વારા WHOને અપાતા ભંડોળમાં આગામી ચાર વર્ષ દરમિયાન ૩૦ ટકાનો એટલે કે ૩૪૦ મિલિયન પાઉન્ડનો વધારો કરવામાં આવનાર છે. આ સાથે યુકે સૌથી વધુ ભંડોળ આપતા દેશોની યાદીમાં આવી જશે. જોકે, એમ મનાય છે કે ગત સમયગાળા માટે ફાળવાયેલું ભંડોળ ચીન સામે પગલાં ભરવાની શરત સાથે અપાશે. કોરોના વાઈરસ ક્યાંથી આવ્યો અને કેવી રીતે ફેલાયો તે નક્કી કરવા યુકેએ વિશ્વસંસ્થાને જણાવ્યું છે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુએનની વર્ચ્યુઅલ જનરલ એસેમબ્લીમાં સંબોધન કરતા કોરોના વાઈરસના કારણે દેશો વચ્ચે સર્જાયેલી કદરુપી તિરાડને સાંધવાની અપીલ કરી હતી. તેમની ટીપ્પણીઓ વાઈરસની માહિતી છુપાવી રાખનારા ચીન જેવા દેશો, વેક્સિન ચોરવા સાઈબર હુમલાનો આક્ષેપ કરાયેલા રશિયા તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થાને ભંડોળ અટકાવવાની જાહેરાત કરનારા અમેરિકાને ધ્યાનમાં રાખી કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter