લંડનઃ આ વર્ષના પ્રારંભે ઇમિગ્રેશન પરના સંબોધનમાં બ્રિટન અજાણ્યા લોકોનો ટાપુ બની રહ્યો છે તેવી ટિપ્પણી માટે વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ખેદ વ્યક્ત કર્યો છે. સ્ટાર્મરના આ નિવેદનના કારણે ડાબેરી વિચારધારા ધરાવતા ઘણા લેબર સાંસદોના ભવાં ખેંચાયાં હતાં અને તેમણે સ્ટાર્મરના નિવેદનની સરખામણી ઇનોક પોવેલના રિવર્સ ઓફ બ્લડ સંબોધન સાથે કરી હતી.
ઓબ્ઝર્વરને આપેલી મુલાકાતમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, જો મારા નિવેદનની સરખામણી ઇનોક પોવેલના સંબોધન સાથે કરાશે તેવી મને જાણ હોત તો મેં આ શબ્દોનો ક્યારેય ઉપયોગ કર્યો ન હોત. મને તે અંગે કોઇ જાણ નહોતી અને મારું સંબોધન લખનારા પણ તેનાથી અજાણ હતા. હું પ્રમાણિકતાથી કહું છું કે મને આ નિવેદન અંગે ઘણો અફસોસ છે.
12 મેના રોજ જાહેર કરાયેલા આકરા ઇમિગ્રેશન નિયમો પર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આ નિયમોનો કડક અમલ થશે. હું ઇચ્છું છું કે આ સંસદના અંતે નેટ માઇગ્રેશનમાં મોટો ઘટાડો જોવા મળે. દેશો પારદર્શક અને ન્યાયી નિયમો પર આધાર રાખે છે.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આ નિયમો આપણા મૂલ્યોને આકાર આપે છે, આપણા અધિકારો તરફ દોરી જાય છે પરંતુ સાથે સાથે આપણી એકબીજા પ્રત્યેની જવાબદારીનું ભાન પણ કરાવે છે. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, મારું ભાષણ યોગ્ય રીતે વાંચી લેવું જોઇતું હતું.