બ્રિટન અને ભારત વચ્ચેનો વેપાર કરાર માર્ચ સુધીમાં થાય તેવી સંભાવના

મંત્રણા માટે ડિસેમ્બરમાં બ્રિટિશ ડેલિગેશન ભારતની મુલાકાતે જશે

Wednesday 16th November 2022 04:43 EST
 
 

લંડન

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર આડે રહેલા અવરોધો દૂર કરવા બ્રિટનના અધિકારીઓ ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લે તેવી સંભાવના છે. ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ચાર મહિનામાં આ કરારને અંતિમ સ્વરૂપ અપાય તેવી સંભાવના છે. ભારત અને બ્રિટન આ કરાર દ્વારા વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. દીવાળી સુધીમાં આ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના હતી પરંતુ બ્રિટનમાં સર્જાયેલી રાજકીય અસ્થિરતા અને બ્રિટન દ્વારા રજૂ કરાયેલી કેટલીક શરતોના કારણે આ કરારમાં વિલંબ થઇ રહ્યો છે. ડિસેમ્બરમાં ભારત અને બ્રિટનના વાણિજ્ય મંત્રાલય મંત્રી અથવા તો સચિવ સ્તરની મંત્રણા શરૂ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે 3 થી 4 મહિના મંત્રણા જરૂરી બની રહેશે. બંને દેશ વચ્ચે હાલ શોર્ટ ટર્મ વર્ક વિઝા અને મોબિલિટી જેવા મુદ્દા પર મતભેદ પ્રવર્તી રહ્યાં છે. ભારત સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બંને દેશ માર્ચના અંત સુધીમાં મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. કરારના 26માંથી 14 મુદ્દા પર સહમતિ સધાઇ ચૂકી છે. ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવી રહેલું બ્રિટિશ પ્રતિનિધિમંડળ બાકી રહેલા મુદ્દા પર સહમતિ માટે મંત્રણા કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter