લંડનઃ માનવ તસ્કરી કે હેરાફેરીને અટકાવવામાં તમામ દેશોની કામગીરીને ક્રમબદ્ધ કરતા વાર્ષિક રિપોર્ટમાં યુએસ સરકારે બ્રિટનની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બનેલા લોકોએ તેમના બંધકો પાસેથી ફરજ પાડી કામ કરાવ્યું હોય ત્યારે શિકારીને નહિ પરંતુ, શિકાર વિરુદ્ધ પગલાં લેવાયા છે. ધાકધમકી હેઠળ ગુનાઓ આચરાયા હોય ત્યારે બ્રિટને વિક્ટિમ્સને પ્રોસિક્યૂટ કે દંડિત ન કરવાની ચોકસાઈ રાખવી જોઈએ તેમ અમેરિકાએ કહ્યું છે. બ્રિટને બાળ વિક્ટિમ્સ માટે સપોર્ટને સુધારવો જોઈએ જેથી તેઓને ફરી ગુલામીમાં ઘસડી જવાય નહિ.
બ્રિટનમાં ક્રિમિનલ શોષણ માનવ તસ્કરીના સૌથી સામાન્ય પ્રકારોમાં એક છે અને તાજેતરમાં વિયેટનામી લોકોને ગાંજાના ઉત્પાદનની ફરજ પડાય છે. મે મહિનામાં ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે એક ગેન્ગ દ્વારા ગાંજાના છોડ વાવવાની ફરજ પડાઈ હોવાનું સ્વીકારનારા વિયેટનામી પુરુષ સામે ડ્રગ્સ અપરાધનો કેસ પડતો મૂક્યો હતો. અમેરિકાના ધારાધોરણ હેઠળ માનવ તસ્કરીનો અંત લાવવાના પ્રયાસોમાં બ્રિટનને ટીયર વન એટલે કે સર્વોચ્ચ સ્તર પર મૂકાયું છે. જોકે, વિક્ટિમ્સના રક્ષણ માટે જે પદ્ધતિઓ અપનાવાય છે તેમાં સંખ્યાબંધ નિષ્ફળતા હોવાનું અમેરિકી રિપોર્ટમાં જણાયું છે.
રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે મહિલા વિક્ટિમ્સને હંમેશાં સલામત ઘરના સ્થળો પૂરાં પડાતાં નથી પરંતુ, અસુરક્ષિત એસાઈલમ હાઉસિંગમાં રખાય છે. રેડ ક્રોસ અને UN ના રિપોર્ટમાં પણ જણાવાયું છે બ્રિટનમાં એસાઈલમ સીકર્સને એવા રહેઠાણોમાં રખાય છે જ્યા માનવ તસ્કરો સહેલાઈથી પ્રવેશી શકે છે. એસાઈલમ સીકર્સના ક્લેઈમ્સ પર કાર્યવાહી ચાલતી હોય તે ગાળામાં તેમના રુમ્સ પર હ્યુમન ટ્રાફિકર્સ કબજો જમાવી બેસે છે અને ડ્રગ્સના સોદા અને સેક્સ વેપારનું કેન્દ્ર બનાવી દેવાય છે.


