લંડનઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના માનવજાત પર રહેલા સંભવિત જોખમોની ચર્ચા કરવા બ્રિટન એઆઇ પરની વિશ્વની સૌપ્રથમ સમિટનું આયોજન કરશે. અમેરિકાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, આપણા જીવનોને વધુ સારા બનાવવા માટે હકારાત્મક બદલાવ લાવવા એઆઇમાં અદ્દભત ક્ષમતા રહેલી છે. પરંતુ તેને એવી રીતે વિકસાવવામાં અને ઉપયોગ કરવામાં આવે કે તે સુરક્ષિત હોય.
રિશી સુનાકે જણાવ્યું હતું કે, સમગ્ર ઇતિહાસમાં સમયાંતરે આપણે નવી ટેકનોલોજીનો આવિષ્કાર કરીને અપનાવી છે. આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ માનવતાને વધુ સુવિધા આપવા કર્યો છે.
રિશી સુનાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આગામી ઓટમમાં આ સમિટનું આયોજન કરાશે અને અમે સમાન વિચારો ધરાવતા દેશોને તેમાં આમંત્રણ આપીશું જેથી એઆઇ પર નિયંત્રણ રાખવા માટેની વ્યવસ્થાને આકાર આપી શકાય. જોકે આ સમિટ ચીન અને રશિયા જેવા આપખુદ દેશો દ્વારા એઆઇનો દુરુપયોગ કરવાના પ્રયાસોને અટકાવવા માટેના ઉદ્દેશ્યથી બોલાવવામાં આવી રહી નથી.
એકતરફ બ્રેક્ઝિટ બાદ એઆઇ માટે વર્લ્ડ રેગ્યુલેટરની વ્યવસ્થાના યજમાન બનવાના પ્રયાસ કરી રહ્યો છે ત્યારે અમેરિકા અને યુરેપિયન સંઘે ઝડપથી વિકસી રહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સહકાર સાધવાના પ્રયાસો શરૂ કરી દીધાં છે.


