બ્રિટન આવતા 85 દેશના વિઝિટર્સ માટે હવે પ્રિ-ટ્રાવેલ પરમિટ ફરજિયાત

16 પાઉન્ડ ચૂકવીને પ્રવાસ પહેલાં ઓનલાઇન પરમિટ લેવાની રહેશે, બ્રિટિશ અને આઇરિશ નાગરિકોને મુક્તિ

Tuesday 03rd March 2026 11:46 EST
 
 

લંડનઃ બ્રિટનની મુલાકાતે આવતા 85 દેશના પ્રવાસીઓએ 25 ફેબ્રુઆરીથી તેમના પ્રવાસ પહેલાં ફરજિયાત ઇલેક્ટ્રોનિક પરમિટ પ્રાપ્ત કરવાની રહેશે. જેમને બ્રિટનમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર નથી તેવા તમામ વિઝિટર્સે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન સ્કીમ અંતર્ગત 16 પાઉન્ડ (21.57 ડોલર) ચૂકવીને ઓનલાઇન પ્રિ-ટ્રાવેલ પરમિટ પ્રાપ્ત કરવાની રહેશે.

આ સ્કીમનો પ્રારંભ વર્ષ 2023થી કરાયો હતો અને એપ્રિલ 2025થી તેમાં યુરોપિયન વિઝિટર્સને પણ સામેલ કરાયાં હતાં. જોકે આ સ્કીમનો સખ્તાઇથી અમલ કરાયો નહોતો. હવે 25 ફેબ્રુઆરીથી યુકે આવતા વિઝિટર્સ માટે પ્રવાસ માટે ઇટીએ મેળવવી ફરજિયાત કરાઇ છે.

હોમ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર હવે ઇટીએ, ઇવિઝા અથવા અન્ય માન્ય દસ્તાવેજ નહીં હોય તો એરલાઇન્સ વિઝિટરને બોર્ડિંગ કરવા નહીં દે. બેવડી નાગરિકતા ધરાવનાર સહિતના બ્રિટિશ અને આઇરિશ નાગરિકોને ઇટીએમાંથી મુક્તિ આપવામાં આવી છે.

માઇગ્રેશન મિનિસ્ટર માઇક ટેપે જણાવ્યું હતું કે, ઇટીએ સ્કીમ યુકેની બોર્ડર સિક્યુરિટી મજબૂત બનાવવાના અમારા કામનો મહત્વનો હિસ્સો છે. આ સ્કીમ આધુનિક અને અસરકારક છે જેનાથી બ્રિટિશ જનતા અને વિઝિટર્સ બંનેને સુવિધા રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter