બ્રિટન આવતા પ્રવાસીઓ માટે ૧૫ ફેબ્રુ.થી હોટેલ ક્વોરેન્ટાઈન

કોઈ પ્રવાસી ‘રેડ લિસ્ટ’ના દેશમાં હતા કે નહિ તે બાબતે જુઠું બોલતા પકડાશે તો તેમને નવા કાયદા હેઠળ ૧૦ વર્ષની સજા પણ થઈ શકેઃકોરોના વાઈરસના ટેસ્ટિંગના વધુ કડક નિયમો જાહેર

Wednesday 10th February 2021 04:33 EST
 
 

લંડનઃ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ૧૫ ફેબ્રુઆરીથી બ્રિટન આવતા પ્રવાસીઓ માટે ફરજિયાત હોટેલ ક્વોરેન્ટાઈનની સ્કીમનો અમલ કરવામાં આવશે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કોરોના વાઈરસના નવા વેરિએન્ટ્સને યુકેમાં પ્રવેશતા અટકાવવા યુકેમાં આવતા પ્રવાસીઓ માટે કોરોના વાઈરસના ટેસ્ટિંગના વધુ કડક નિયમો  જાહેર કર્યા છે. દેશમાં આગમનના ૭૨ કલાક અગાઉ યુકે સરકારના ધોરણો મુજબ ટેસ્ટ નેગેટિવ હોવાની જરુરિયાત ઉપરાંત, લોકોને તેમના એકાંતવાસ- હોટેલમાં આઈસોલેશન પીરિયડ દરમિયાન પણ બે વખત તપાસ કરાશે. સોમવાર ૧૫ ફેબ્રુઆરીથી ‘રેડ લિસ્ટ’માં મૂકાયેલા દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ ૧૦ દિવસ સુધી સ્વખર્ચે હોટલમાં એકાંતવાસ સેવવાનો રહેશે. પ્રવાસીઓને ક્વોરેન્ટાઈનમાં રાખવા માટે હોટેલ્સના હજારો રુમ્સ બુક કરી લેવાયા છે. જો કોઈ પ્રવાસી ‘રેડ લિસ્ટ’ના દેશમાં હતા કે નહિ તે બાબતે જુઠું બોલતા પકડાશે તો તેમને નવા કાયદા હેઠળ ૧૦ વર્ષની સજા પણ થઈ શકે છે.

આ પ્રોજેક્ટ પર નિવૃત્ત રોયલ મરિન જનરલ સર ગોર્ડન મેસેન્જર દેખરેખ રાખશે. સરકારે સમગ્ર યુકેમાં હોટેલ્સના ૨૮,૦૦૦ રુમ્સ રીઝર્વ કરવાની કવાયત હાથ ધરી છે. ‘રેડ લિસ્ટ’માં મૂકાયેલા ૩૩ દેશોમાંથી આવતા પ્રવાસીઓને ૧૧ રાત્રિ માટે હોટેલ્સમાં આઈસોલેટ કરવામાં આવશે અને વ્યક્તિદીઠ ૧૭૫૦ પાઉન્ડનો ચાર્જ લેવાશે.

યુકેમાં કોરોના વાઈરસના સાઉથ આફ્રિકન વેરિએન્ટે દેખા દીધાના લગભગ બે મહિના પછી ૧૫ ફેબ્રુઆરીથી બ્રિટન આવતા પ્રવાસીઓ માટે હોટેલ ક્વોરેન્ટાઈન સ્કીમ અમલી બની રહી છે. આ સ્કીમ લગભગ છ સપ્તાહ અમલી રહી શકે છે. યુકે આવનારા આ પ્રવાસીઓએ ૧૭૫૦ પાઉન્ડના સ્વખર્ચે ૧૦ દિવસ માટે હોટેલમાં ક્વોરેન્ટાઈન થવાનું રહેશે. ગયા વર્ષે લિવરપૂલમાં સામૂહિક કોમ્યુનિટી ટેસ્ટિંગ ઓપરેશનની આગેવાની સંભાળનારા પૂર્વ વાઈસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રોયલ મરિન જનરલ સર ગોર્ડન મેસેન્જરને આ વિલંબિત પ્રોજેક્ટ પર દેખરેખની જવાબદારી સુપરત કરાઈ છે.

સરકારે આ મુદ્દે નિર્ણયાત્મક વલણ રાખતી ન હોવાના આક્ષેપોના પગલે સમગ્ર દેશમાં ૨૮,૦૦૦ હોટેલ્સ રુમ્સ રિઝર્વ કરાવવાની દોડાદોડી શરુ કરી હતી. ડેઈલી ટેલિગ્રાફ દ્વારા જોવાયેલા દસ્તાવેજો અનુસાર મિનિસ્ટર્સે હોટલમાલિકોને દૈનિક ૧૪૨૫ પેસેન્જર્સ માટે ૧૫ ફેબ્રુઆરી સુધીમાં રુમ્સ આપવા તૈયાર રહેવા જણાવ્યું હતું. સૂત્રો અનુસાર જો ૧૪૨૫ પ્રવાસીને ૩૧ માર્ચ સુધી રાખવામાં આવે તો તેનું બિલ ૫૫ બિલિયન પાઉન્ડથી વધુ થવા જશે. આ યોજના હેઠળ યુકે પાછા ફરતા માસિક લગભગ ૪૪,૦૦૦ પ્રવાસી પાસેથી પ્રવાસીદીઠ ૧૭૫૦ પાઉન્ડના ધોરણે ૧૧ રાત્રિના એકાંતવાસના નાણા લેવાશે. સરકાર શરુઆતમાં આ નાણા ખર્ચશે અને પછી પ્રવાસીઓ પાસેથી વસૂલ કરશે.

સ્વખર્ચે બે કોરોના વાઈરસ ટેસ્ટ

બોર્ડર પોલિસી વધુ કડક બનાવવાના ભાગરુપે હોટેલ ક્વોરેન્ટાઈનની સાથોસાથ પ્રવાસીઓએ ૧૦ દિવસના એકાંતવાસ દરમિયાન બે કોરોના વાઈરસ ટેસ્ટ (PCR) ફરજિયાત કરાવવાના રહેશે અને તેનો ખર્ચો પણ ચૂકવવો પડશે. ખર્ચ જાહેર કરાયો નથી પરંતુ, સામાન્ય રીતે એક PCR ટેસ્ટનો ખર્ચ ૧૨૦ પાઉન્ડ થવા જાય છે. ક્વોરેન્ટાઈનના બીજા અને આઠમા દિવસે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. પ્રવાસ અગાઉ જ સરકારી પોર્ટલ પર તેનું એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે. શરુઆતમાં આ યોજના સલામત દેશોમાંથી આવનારા બ્રિટિશ નાગરિકોને લાગુ કરવામાં આવશે. યુકેમાં આવતાની સાથે હોમ ક્વોરેન્ટાઈનમાં બે ટેસ્ટ કરવા પડશે. એરપોર્ટ પર પેસેન્જર લોકેટર ફોર્મ ભરતી વેળાએ તેમને વિગતો આપવામાં આવશે. આ યોજના વિશે વધુ વિગતો આગામી સપ્તાહે જાહેર થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter