લંડનઃ બ્રિટન સરકારે તેની ઇમિગ્રેશન સિસ્ટમને વધુ સુદ્રઢ અને ડિજિટલાઇઝ્ડ બનાવવાના હેતુથી વિઝા ફીમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દરો મુજબ, પ્રવાસી (Visitor), વિદ્યાર્થી (Student) અને કામદારો (Worker) માટેના વિઝા હવે મોંઘા બનશે. નવી વિઝા ફી અંતર્ગત સ્ટુડન્ટ વિઝાની ફી 524 પાઉન્ડથી વધારીને 558 પાઉન્ડ, સ્કિલ્ડ વર્કર વિઝા (3 વર્ષ માટે)ની ફી 769 પાઉન્ડથી વઝારીને 819 પાઉન્ડ, વિઝિટર વિઝાની ફી 000 પાઉન્ડથી વધારીને 000 પાઉન્ડ અને લાંબાગાળાના (5 વર્ષ) વિઝાની ફી 1280 પાઉન્ડથી વધારીને 1556 પાઉન્ડ કરાઇ છે. આમ વિઝા ફીમાં 6 થી 25 ટકાનો વધારો ઝીંકાયો છે.
યુકે સરકારના જણાવ્યા અનુસાર, આ ફી વધારાનો મુખ્ય હેતુ ટેક્સના નાણાં પર નિર્ભર રહેવાને બદલે વિઝા પ્રોસેસિંગનો ખર્ચ અરજદારો પાસેથી જ વસૂલવાનો છે. આ વધારાની આવકનો ઉપયોગ વિઝા સિસ્ટમને વધુ સુરક્ષિત, કાર્યક્ષમ અને ડિજિટલાઇઝ્ડ બનાવવા માટે કરવામાં આવશે.
બ્રિટનમાં જે નાગરિકો પહેલેથી વસેલા છે અને પોતાના વિઝા એક્સટેન્ડ કરવા માંગે છે, તેમને પણ હવે વધુ કિંમત ચૂકવવી પડશે. આ ઉપરાંત, વિદેશી કામદારોને સ્પોન્સર કરનાર બિઝનેસ ગૃહો પર પણ આર્થિક બોજ વધશે.
ભારત જેવા દેશોમાંથી હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન જાય છે. શિક્ષણવિદોનું માનવું છે કે ફીમાં થયેલા આ વધારાને કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે બ્રિટન જવું મુશ્કેલ બની શકે છે, અથવા તેઓ સસ્તી ટ્યુશન ફી ધરાવતી અન્ય યુનિવર્સિટીઓ તરફ વળી શકે છે.
યુકેમાંથી જ અરજી કરનારાએ પણ ભાવવધારો વેઠવો પડશે
જે લોકો યુકેમાં હાલ છે તેમણે પણ સ્કીલ્ડ વર્કર વિઝા અંતર્ગત 3 વર્ષના વિઝા માટે 943 પાઉન્ડ અને લાંબાગાળાના સ્કીલ્ડ વર્કર વિઝા માટે 1865 પાઉન્ડ ચૂકવવા પડશે. ટૂંકાગાળાના હેલ્થ એન્ડ કેર વિઝા માટે 324 પાઉન્ડ અને લાંબાગાળાના હેલ્થ એન્ડ કેર વિઝા માટે 628 પાઉન્ડ ચૂકવવા પડશે., ટેમ્પરરી વર્ક વિઝા અને ઇન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ અંતર્ગત 340 પાઉન્ડ ચૂકવવા પડશે.
ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇટીએ) માટેની ફી વધારીને 20 પાઉન્ડ કરાઇ
બિઝનેસ ટ્રિપ કે ફેમિલી હોલિડે માટે બ્રિટન જવા ઈચ્છતા ભારતીયો પર આર્થિક બોજ વધ્યો છે. 8 એપ્રિલ 2026 થી યુનાઇટેડ કિંગડમની ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇટીએ) ફીમાં 25 ટકાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. હોમ ઓફિસના નવા આદેશ અનુસાર, હવે મુસાફરોએ 16 પાઉન્ડને બદલે 20 પાઉન્ડ ચૂકવવા પડશે.
ભારતીય સમુદાય પર અસર
બ્રિટનમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે, તેથી આ વધારાની સૌથી મોટી અસર ભારતીય મધ્યમ વર્ગના પરિવારો પર પડશે. આ ઉપરાંત, બ્રિટિશ કંપનીઓ જે વિદેશી પ્રતિભાઓને સ્પોન્સર કરે છે, તેમના માટે પણ ભરતી પ્રક્રિયા હવે મોંઘી સાબિત થશે.
વિઝાનો પ્રકાર – જૂની ફી – નવી ફી – વધારો
સ્ટુડન્ટ વિઝા – 524 પાઉન્ડ – 558 પાઉન્ડ – 34 પાઉન્ડ
સ્કિલ્ડ વર્કર (3 વર્ષ) – 769 પાઉન્ડ – 819 પાઉન્ડ – 50 પાઉન્ડ
વિઝિટર વિઝા (6 મહિના) – 127 પાઉન્ડ – 135 પાઉન્ડ – 08 પાઉન્ડ
5 વર્ષના લાંબાગાળાના વિઝા – 1280 પાઉન્ડ – 1556 પાઉન્ડ – 276 પાઉન્ડ


