લંડનઃ લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા યુકેમાં અભ્યાસ માટે પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારોહનું આયોજન કરાયું હતું. સમારોહમાં 700થી 900 ભારતીય વિદ્યાર્થી હાજર રહ્યા હતા. યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ તેમનો આવકાર કરતાં શૈક્ષણિક કુશળતા હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થી બ્રિટનમાં શૈક્ષણિક પ્રવાસ શરૂ કરી રહ્યાં છે ત્યારે યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, યુનાઇટેડ કિંગડમમાં તમારું સ્વાગત છે. મોટી સંખ્યામાં યુવા ભારતીય વિદ્યાર્થી વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક લાભ મેળવવા આવી રહ્યાં છે ત્યારે યુકેમાં તેમને આવકારતાં આનંદ થાય છે.
દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં તેમના જીવનનો પ્રારંભ કરી રહ્યાં છે ત્યારે ભારતીય હાઇ કમિશન અને એડિનબરો, માન્ચેસ્ટર, બેલફાસ્ટ અને બર્મિંગહામ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ્સમાંના મારા સહયોગીઓ તેમને મદદ કરવા તૈયાર છે. તેમને બ્રિટનમાં જરૂર પડે ત્યારે મદદ કરી શકીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે, યુકેમાં આવેલા નવા ભારતીય વિદ્યાર્થીઓ લંડનમાં હાઇ કમિશન ખાતે અથવા તો નજીકની ભારતીય કોન્સ્યુલેટ્સમાં રજિસ્ટ્રેશન કરાવી લે. વિદ્યાર્થીઓ અમારી પાસે બેન્કિંગ અને રેમિટન્સને લગતી મદદ પણ માગી શકે છે. અમારો ઉદ્દેશ વિદ્યાર્થીઓને સામાજિક અને વ્યવહારૂ રીતે મદદરૂપ થવાનો છે.
દોરાઇસ્વામીએ નવા આવેલા ભારતીય વિદ્યાર્થીઓને હાઇ કમિશનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ફોલો કરવાની સલાહ પણ આપી હતી જેથી તેમની આસપાસ કેવી ઘટનાઓ બની રહી છે તેની જાણકારી તેમને મળી રહે.


