બ્રિટન ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશીઓના માઇગ્રેશનની તરફેણ કરે છે - સુનાક

યુરોપિયન સંઘ સાથે કોઇપણ જોડાણ કરવાનો રિશી સુનાકનો ઇનકાર

Wednesday 23rd November 2022 04:53 EST
 
 

લંડન

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, તેઓ બ્રિટનમાં ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશીઓના માઇગ્રેશનની તરફેણ કરે છે પરંતુ ગેરકાયદેસર ઇમિગ્રેશનને કડક હાથે ડામી દેવાશે. તેમણે જણાવ્યું હતું કે, યુરોપિયન સંઘ સાથે કોઇપણ પ્રકારના સંબંધો રખાશે નહીં. મેં બ્રેક્ઝિટની તરફેણમાં મતદાન કર્યું છે. હું બ્રેક્ઝિટનો હિમાયતી છું. મને વિશ્વાસ છે કે બ્રેક્ઝિટના સારા પરિણામ આવશે.

દેશના અર્થતંત્રને વેગ આપવા કુશળ વિદેશી કામદારોની જરૂરીયાત પર જેરેમી હન્ટે ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, બ્રિટનમાં દર વર્ષે લાખો વિદેશી કામદારોને આવવાની પરવાનગી આપવી અત્યંત મહત્વની છે. સરકાર અર્થતંત્રને નુકસાન ન થાય તે રીતે દેશમાં માઇગ્રેશન ઘટાડવાનો પ્રયાસ કરશે. સરકારે માઇગ્રેશનમાં ઘટાડો કરવાની યોજનાઓ હાંસિયામાં ધકેલી દીધી છે. જેના કારણે સરકારી તિજોરી પર પ્રતિ વર્ષ 5 બિલિયન પાઉન્ડનો બોજો પડશે.

ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીએ જણાવ્યું છે કે આગામી વર્ષે માઇગ્રેશન ઘટીને 2,24,000 પર આવી જશે. 2026થી માઇગ્રેશન ઘટીને 205000 થશે. આ પહેલાં ઓફિસે માઇગ્રેશન ઘટીને 1,30,000 પર આવી જશે તેવો અંદાજ આપ્યો હતો.

પૂર્વ ટોરી નેતા સર ઇયાન ડંકન સ્મિથે જણાવ્યું હતું કે, હન્ટ ઓસ્બોર્ન યુગમાં પાછા જવાની ભૂલ કરી રહ્યાં છે. જો તે એમ માની રહ્યાં છે કે માઇગ્રેશન વધારીને અર્થતંત્રને વેગ આપી શકાશે તો તેઓ મોટી ભૂલ કરી રહ્યાં છે. તેમણે અન્ય વિકલ્પ વિચારવા પડશે.

ઇમિગ્રેશનમાં વધારો કરવા ઇનકાર, બ્રિટિશરોને તાલીમબદ્ધ કરવા સલાહ

અર્થતંત્રને વેગ આપવા વધુ વિદેશી કામદારોને બ્રિટનમાં કામ કરવાની પરવાનગી આપવાની મોટી કંપનીઓની માગને રિશી સુનાક નકારી કાઢશે. સુનાકના ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે, સરકાર ઇમિગ્રેશન વધારવાની ફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીની માગ સાથે સહમત નથી. કંપનીઓએ વિદેશી કામદારોની માગ કરવાને બદલે વધુ બ્રિટિશ કામદારોને તાલીમબદ્ધ કરવા જોઇએ. જેનરિકે જણાવ્યું હતું કે, માઇગ્રેશન આર્થિક વિકાસ પર હકારાત્મક અસર કરી શકે છે પરંતુ યુરોપિયન સંઘ સાથે છેડો ફાડ્યા પછી મોટી સંખ્યામાં વિદેશીઓ બ્રિટનમાં પ્રવેશી રહ્યાં છે. તેમના સ્પષ્ટ આંકડા સરકાર પાસે ઉપલબ્ધ નથી તેથી નેટ માઇગ્રેશનમાં વધારો કરવો કે કેમ તે પણ એક સવાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter