લંડનઃ મકાનમાલિકીના મુદ્દે ફ્રાન્સ બ્રિટન કરતા આગળ નીકળી ગયું છે. ગયા વર્ષે બ્રિટિશ મકાનોના ૬૪.૮ ટકા પર મકાનમાલિકી હતી. પરંતુ ૧૯૯૫ પછી પ્રથમ જ વખત ફ્રાન્સના હાઉસિંગ બજારમાં ૬૫.૧ ટકા ખરીદારો મકાનમાલિક બનતાં યુકેની પીછેહઠ થઈ છે. નવા મકાનોની અછતના કારણે બ્રિટિશરોએ મકાન ભાડે રાખવાં પડે છે.
ઈયુમાં ૯૬.૧ ટકા ઘરમાલિકો સાથે રોમાનિયા પ્રથમ ક્રમે છે. જર્મની ઓસ્ટ્રિયા અને ડેન્માર્કમાં ભાડે મકાન આપવાની મજબૂત પરંપરાના કારણે ઘરમાલિકોની ટકાવારી યુકે કરતા ઓછી રહે છે.
ફ્રાન્સમાં મકાનોની નીચી કિંમત અને મકાનનિર્માણના વધુ પ્રમાણના કારણે ઘરમાલિકોની સંખ્યા વધી છે. ફ્રાન્સમાં ૧૭ વર્ષથી દર વર્ષે ૩૦૦,૦૦૦થી વધુ મકાનો બંધાતા રહ્યાં છે અને ગયા વર્ષે ૩૫૪,૭૦૦ મકાનોનું બાંધકામ શરૂ થયું હતું. આની સામે યુકેમાં ગયા વર્ષે માત્ર૧૪૦,૮૮૦ મકાન બંધાયા હતા.