બ્રિટન કેન્સર પ્રતિરોધક ઘઉં ઉગાડશે

Wednesday 08th September 2021 04:21 EDT
 
 

લંડનઃ બ્રિટિશ વિજ્ઞાનીઓ આરોગ્યપ્રદ બ્રેડ -ટોસ્ટ બનાવવાના પ્રયાસના ભાગરુપે જિનેટિક એડિટિંગના ક્રાંતિકારી સ્વરુપનો ઉપયોગ કરી ઘઉંની નવી પ્રજાતિ ઉગાડશે. ક્રિસ્પર-Crispr નામના સાધનની મદદથી જિનેટિક ફેરફાર કરાયેલા ઘઉં માટેની ટ્રાયલ્સ યુરોપમાં પ્રથમ વખત જ કરાશે.

યુરોપીય યુનિયનના નિયમો હેઠળ કૃષિક્ષેત્રમાં જિનેટિક ફેરફારની ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરી શકાતો હતો પરંતુ, સરકાર બ્રેક્ઝિટના પરિણામે મળનારા ફાયદાનો ઉપયોગ કરવા ધારે છે. સરકારની બહાલી પછી હર્ટફોર્ડશાયરમાં રોથામસ્ટેડ રિસર્ચ દ્વારા આ ટ્રાયલ ચલાવાશે. જિનેટિક ફેરફારથી નવી પ્રજાતિના ઘઉંમાં કુદરતી રીતે મળતા એસ્પારાજિન- asparagine એમિનો એસિડનું પ્રમાણ ઘટાડાશે. જ્યારે ઘઉંમાંથી બ્રેડ અને ટોસ્ટ બનાવાય છે ત્યારે asparagineનું રુપાંતર એક્રીલામાઈડ- acrylamideમાં થાય છે જેનાથી ઉંદરોમાં કેન્સર થતું જોવાં મળ્યું હતું અને માનવીઓમાં પણ તે કેન્સરસર્જક હોવાનું મનાય છે.

નવા પ્રકારના ઘઉં જિનેટિકલી મોડિફાઈડ (GM) નહિ હોવાથી તેના સ્વાદમાં કોઈ ફેરફાર આવશે નહિ. Crispr સાધન નવી સામગ્રીને ઉમેર્યા વિના જ પ્લાન્ટની જિનેટિક સામગ્રીને બદલાવી શકે છે. તેનાથી જિનને દબાવી દેવાય છે જેથી તે ચાવીરુપ પ્રોટિનનું ઉત્પાદન કરી શકે નહિ. વિજ્ઞાનીઓની દલીલ છે કે Crispr મૂળભૂત રીતે પરંપરાગત GMથી અલગ છે. યુએસમાં સૌપ્રથમ બજારમાં પહોંચનારી સૌપ્રથમ Crispr જિન-એડિટેડ પેદાશ ૨૦૧૯માં સોયાબીન ઓઈલ હતી.

ઈયુ કોર્ટ ઓફ જસ્ટિસે ૨૦૧૮માં ચુકાદો આપ્યો હતો કે Crispr રુપાંતરિત પાક માટે પણ પરંપરાગત જિનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ જેવાં જ કડક નિયમો લાગુ કરવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter