બ્રિટન ક્રાઇમ ડાયરી...

Tuesday 05th August 2025 11:12 EDT
 
 

લંડનમાં બ્રિટિશ શીખની હત્યા, 27 વર્ષીય યુવકની ધરપકડ

લંડનઃ લંડનમાં 23 જુલાઇના રોજ બ્રિટિશ શીખ ગુરમુક સિંહની છરો મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કોઇ આંતરિક વિખવાદમાં આ હત્યા કરાઇ હોવાની સંભાવના છે. પોલીસે આ માટે 27 વર્ષીય અમરદીપ સિંહની ધરપકડ કરી છે. આ કેસની સુનાવણી 5 જાન્યુઆરી 2026ના રોજ ઓલ્ડ બેઇલી ખાતે યોજાશે. આ કેસમાં 29 વર્ષીય એક પુરુષ અને અન્ય 3 મહિલાની પણ શંકાના આધારે ધરપકડ કરાઇ હતી, જેમને જામીન પર મુક્ત કરાયાં છે.

તપાસ અધિકારી ડિટેક્ટિવ ચીફ જોઆના યોર્કે જણાવ્યું હતું કે, આ ઘટનાના કારણે કોમ્યુનિટીમાં આઘાતની લાગણી પ્રવર્તી રહી છે. આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે. જેમની પાસે વધુ માહિતી હોય તેમને તપાસમાં જોડાવા પોલીસ દ્વારા અપીલ કરાઇ છે.

ગેરકાયદેસર વેપ્સના વેચાણ માટે માન્ચેસ્ટરના હસન મોહમ્મદને 8,614 પાઉન્ડનો દંડ

લંડનઃ સાલફોર્ડમાં ગેરકાયદેસર વેપ્સના વેચાણ માટે પેટ્રોલ સર્વિસ સ્ટેશનના માલિકોને દોષી ઠેરવી 8614 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. છેલ્લા 14 મહિનામાં ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ઇન્વેસ્ટિગેટર્સ દ્વારા 4 વાર પડાયેલા દરોડામાં પેટ્રોલ સર્વિસ સ્ટેશન ખાતેથી ભયજનક વેપ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સ્ટેશન ખાતે ગેરકાયદેસર વેપ્સનું વેચાણ થતું હોવાની સંખ્યાબંધ ફરિયાદ મળ્યા બાદ દરોડા પડાયા હતા. વિગાન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા સ્ટેશનના ડિરેક્ટર હસન મોહમ્મદને 8614 પાઉન્ડનો દંડ કરાયો હતો.

ગેરકાયદેસર કામદારો માટે ભારતીય રેસ્ટોરન્ટનું આલ્કોહોલ લાયસન્સ રદ

લંડનઃ ફાર્નહામ રોડ પર સ્થિત એક્સોટિક કઢાઇ નામના ભારતીય રેસ્ટોરન્ટનું આલ્કોહોલ લાયસન્સ ગેરકાયદેસર કર્મચારીઓને નોકરી આપવા માટે રદ કરી દેવાયું છે. ગયા વર્ષે ઇમિગ્રેશન દરોડામાં આ રેસ્ટોરન્ટ ખાતેથી 3 ગેરકાયદેસર કમર્ચારી ઝડપાયાં હતાં. આ ત્રણે કર્મચારીને તેમના કામના બદલામાં વિનામૂલ્યે ભોજન અપાતું હતું. રેસ્ટોરન્ટના આ કૃત્યને મોડર્ન ડે સ્લેવરી ગણાવવામાં આવ્યું હતું. નવેમ્બર 2024માં આ રેસ્ટોરન્ટને યુકેમાં કામ કરવાનો અધિકાર ન ધરાવતા બે લોકોને કામ પર રાખવા માટે 90,000 પાઉન્ડની પેનલ્ટી પણ કરાઇ હતી.

ગેરકાયદેસર માર્કેટિંગ કોલ માટે કંપનીના બે ડિરેક્ટર 4 વર્ષ માટે પ્રતિબંધિત

લંડનઃ ગેરકાયદેસર માર્કેટિંગ કોલ કરવા માટે પોશ વિન્ડોઝ યુકે લિમિટેડના સ્ટોક-ઓન-ટ્રેન્ટના બે બિઝનેસમેનને ડિરેક્ટરપદે પ્રતિબંધિત કરાયા છે. વિન્ડો અને ડોર સહિતના ઉત્પાદનો વેચતી કંપનીના ડિરેક્ટરો મોહમ્મદ લિયાકત અને રૂબાની ગુલામ પર પ્રતિબંધ લદાયો છે. કંપની દ્વારા ઓગસ્ટ 2020થી એપ્રિલ 2021 વચ્ચે 4,61,062 ગેરકાયદેસર માર્કેટિંગ કોલ કરાયા હતા. કંપનીને આ માટે ઇન્ફર્મેશન કમિશ્નરની કચેરી દ્વારા 1,50,000 પાઉન્ડનો દંડ પણ ફટકારાયો છે. બંને ડિરેક્ટરને 4 વર્ષ માટે પ્રતિબંધિત કરાયા છે.

ડર્બીની રમનદીપને ભારતમાં પતિની હત્યા માટે ફાંસીની સજા

લંડનઃ ડર્બીના લિટલઓવરની રમનદીપ કૌર માનને પતિની હત્યા માટે ભારતમાં ફાંસીની સજા ફરમાવવામાં આવી છે રમનદીપે ભારતના ઉત્તરપ્રદેશના બાન્દા ખાતે પારિવારિક વેકેશન દરમિયાન પતિ સુખજિતસિંહની પોતાના પ્રેમી ગુરપ્રીતસિંહ સાથે મળીને હત્યા કરી હતી. રમનદીપે તેના પતિના ભોજનમાં ઊંઘની ગોળીઓ મિલાવીદીધી હતી. ત્યારબાદ તકિયા વડે તેનો શ્વાસ રૂંધીને ગળું કાપી નાખ્યું હતું. ગુરપ્રીતે આ હત્યામાં મદદ કરતાં સુખજિતના  માથા પર હથોડા વડે ઘા કર્યો હતો. સુખજિતનો 2 મિલિયન પાઉન્ડનો જીવન વીમો મેળવવા માટે આ હત્યા કરાઇ હોવાનો દાવો કરાયો હતો.રમનદીપના મોટા પુત્ર અર્જુને પોતાની આંખે આ હત્યા જોઇ હતી અને તે મુખ્ય સાક્ષી બની રહ્યો હતો. ઓક્ટોબર 2023માં રમનદીપને ફાંસીની સજા કરાઇ હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter