ભારતીય પુરુષ અને મહિલા પર 3 વર્ષીય બાળકીની હત્યાનો આરોપ
લંડનઃ બે વર્ષ પહેલાં 3 વર્ષની બાળકીની હત્યાનો આરોપ ભારતીય મૂળની મહિલા અને પુરુષ પર મૂકાયો છે. આરોપ મૂકાયા બાદ 34 વર્ષીય મનપ્રીત જતાના અને જસકિરત સિંહ ઉપ્પલને અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. 17 ડિસેમ્બર 2023ના રોજ હેય્સના પેનનાઇન વે ખાતેના મકાનમાં ઇમર્જન્સી સેવાઓ બોલાવવામાં આવી હતી જ્યાં પિનેલોપ ચન્દ્રી મૃત હાલતમાં મળી આવી હતી. આ કેસની તપાસ ચાલી રહી હતી અને 25 સપ્ટેમ્બરના રોજ પોલીસે આ બંનેની ધરપકડ કરી હતી.
000000000000000000000000
અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં હસ્તમૈથુન કરનાર રોહન ઉદ્દિનને 16 માસની કેદ
લંડનઃ લંડનની અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં હસ્તમૈથુન કરવા અને મહિલાઓ પર સેક્સ્યુઅલ એસોલ્ટના આરોપસર 22 વર્ષીય રોહન ઉદ્દિનને 16 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસની તપાસ બાદ બેડફોર્ડ રોડના રોહન ઉદ્દિને અપરાધ કબૂલી લીધો હતો. સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટે તેને સરચાર્જ પેટે 187 પાઉન્ડ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. તેના પર 10 વર્ષ સુધી કોઇ મહિલા કે સગીરા સાથે વાત કરવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
000000000000000000000000
સગીરા સાથે નિકાહ કરનાર 43 વર્ષીય રાજાની સજા વધારીને 23 વર્ષ કરાઇ
લંડનઃ યોર્કશાયરમાં એક નવા પ્રકારના ગ્રુમિંગ ગેંગ સ્કેન્ડલમાં 15 વર્ષીય કન્યા સાથે નિકાહ કરનાર 43 વર્ષીય રાજા ઝુલકરનિયનને સગીરા પર બળાત્કારના આરોપસર દોષી ઠેરવાયો છે. રાજાને મે 2025માં બળાત્કારના અપરાધ માટે લઘુત્તમ 18 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. કોર્ટ ઓફ અપીલે તેની સજા વધારીને 23 વર્ષ કરી છે. બ્રાડફોર્ડ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, રાજાએ સગીરા સાથે 2000ના દાયકામાં ઇસ્લામિક રિવાજ પ્રમાણે લગ્ન કર્યાં હતાં. આ નિકાહમાં સ્થાનિક સમુદાયનો સોશિયલ વર્કર પણ હાજર રહ્યો હતો. પીડિતાનું અન્ય લોકો દ્વારા પણ શોષણ કરાયું હતું પરંતુ તેની સાથે સૌથી પહેલા શારીરિક સંબંધ બાંધનાર રાજા હતો.
000000000000000000000000
ઇસ્ટ સસેક્સની મસ્જિદમાં આગજની, પોલીસને બે શંકાસ્પદની તલાશ
લંડનઃ દક્ષિણ ઇંગ્લેન્ડનમા ઇસ્ટ સસેક્સની એક મસ્જિદમાં આગજનીની ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે બે શંકાસ્પદ માસ્ક પહેરેલી વ્યક્તિની તસવીરો જારી કરી છે. શનિવારે રાત્રે 21.50 કલાકે પીચહેવનના ફિલિસ એવન્યૂ ખાતેની મસ્જિદમાં બે માસ્કધારીએ આગજની કરી હતી. સસેક્સ પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહોતી. પોલીસે આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.
000000000000000000000000
મોબાઇલ ચોર ગેંગનો પર્દાફાશ, ભારતીય સહિત 18 શંકાસ્પદની ધરપકડ
લંડનઃ છેલ્લા એક વર્ષમાં મિલિયનો પાઉન્ડના 40,000 જેટલાં ચોરેલા મોબાઇલ ફોન યુકેથી ચીન દાણચોરી દ્વારા મોકલી આપનાર આંતરરાષ્ટ્રીય ગિરોહને પોલીસે ઝડપી લીધી છે. પોલીસે 18 જેટલા શંકાસ્પદની 2000થી વધુ ચોરીના ફોન સાથે ધરપકડ કરી છે જેમાં એક ભારતીયનો પણ સમાવેશ થાય છે. લંડનમાંથી ચોરી કરાયેલા 40 ટકા જેટલા ફોનની દાણચોરી કરનારા બે અફઘાન નાગરિકની ગયા મહિને ધરપકડ કરાઇ હતી. ચીનમાં આ પ્રકારના ચોરીના મોબાઇલના 3700 ડોલર ઉપજે છે. 29 વર્ષીય ભારતીય નાગરિક પર પણ આરોપ ઘડવામાં આવ્યા છે.
000000000000000000000000
પોલીસ ફેડરેશનના મુકુંદ ક્રિશ્નાને 6,00,000 પાઉન્ડ ચૂકવાતા વિવાદ
લંડનઃ પોલીસ ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ 46 વર્ષીય મુકુંદ ક્રિશ્નાને ગયા વર્ષએ વેતન અને બોનસ પેટે 6,00,000 પાઉન્ડ ચૂકવાયા હોવાના દાવા મધ્યે હોમ ઓફિસે પોલીસ ફેડરેશનને વાર્ષિક હિસાબો પ્રસિદ્ધ કરવાનો આદેશ આપ્યો છે. મુકુંદ ક્રિશ્ના 2023થી પોલીસ ફેડરેશનનું નેતૃત્વ કરી રહ્યાં છે.
પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અને લેબર સાંસદ જોનાખાન હિન્ડરે સંસદમાં પોલિસિંગ મિનિસ્ટર સારા જોન્સ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. હિન્ડરે આરોપ મૂક્યો હતો કે ક્રિશ્નાને ચીફ એક્ઝિક્યુટિવ તરીકેની જવાબદારી સોંપાઇ તે પહેલાં સપ્તાહમાં 3 દિવસ થેરાપી સર્વિસની ઓફર અપાઇ હતી અને તે માટે તેમને 6,00,000 પાઉન્ડ ચૂકવાયા હતા. પાછળથી એવી સ્પષ્ટતા કરાઇ હતી કે તેમને 3,00,000 પાઉન્ડ વેતન તરીકે અને એટલી જ રકમ બોનસ તરીકે ચૂકવાઇ હતી. જેના કારણે પોલીસ ફેડરેશનમાં પણ વિવાદ સર્જાયો હતો.


