બર્મિંગહામના ડ્રગ ડીલર અલી હુસેનને 12 મહિનાની કેદ
લંડનઃ કોરોના લોકડાઉન દરમિયાન મિલિયનો પાઉન્ડના હેરોઇનની બર્મિંગહામથી લીડ્સ હેરાફેરી કરનાર ડ્રગ ડીલર અલી હુસેનને 12 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. પોલીસને આ મામલામાં વધુ બે ફરાર આરોપની તલાશ છે. અલી હુસેને મે 2020માં 2 મિલિયન પાઉન્ડના 20 કિલો હેરોઇનની બર્મિંગહામથી લીડ્સમાં ડિલિવરી કરી હતી. આ સમયગાળામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ચાલી રહ્યું હતું. પોલીસને આ ડ્રગ ટ્રાફિકિંગના મામલામાં શફિકુલ ઇસ્લામ અલી અને યાકુબ મિયા નામના બે શખ્સની તલાશ છે.
----------------------------------------------------------------------------------------------------------------
4 મિલિયન પાઉન્ડના ડ્રગની તસ્કરી માટે રાજેશ બક્ષીને 10 વર્ષની કેદ
લંડનઃ યુકેમાં 4 મિલિયન પાઉન્ડ મૂલ્યના હેરોઇનની તસ્કરી માટે ભારતીય મૂળના એક વ્યક્તિ અને તેના સહયોગીને જેલભેગા કરાયા છે. નેશનલ ક્રાઇમ એજન્સીની તપાસ બાદ સ્કોટલેન્ડના ઇસ્ટ લોથિયનના રહેવાસી 57 વર્ષીય રાજેશ બક્ષીને 10 વર્ષ અને તેના સહયોગી 44 વર્ષીય જોન પોલ ક્લાર્કને 9 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. રાજેશ બક્ષીએ તેનો અપરાધ કબૂલી લીધો હતો જ્યારે ક્લાર્કે અપરાધન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જૂન 2022માં ડોવર પોર્ટ ખાતેથી 40 કિલો હેરોઇન સાથેની પાર્સલ જપ્ત કરાયું હતું. રાજેશ બક્ષી અગાઉ પપણ ડ્રગ ટ્રાફિકિંગમાં ઝડપાઇ ચૂક્યો હતો.
-----------------------------------------------------------------------------------------------------------------
વૂલ્વરહેમ્પટનમાં હત્યાના પ્રયાસ માટે જસદીપસિંહને 4 અને ફૈસલ હુસેનને 6 વર્ષની કેદ
લંડનઃ વૂલ્વરહેમ્પટનની બ્લેક કાઉન્ટીમાં 13 ફેબ્રુઆરી 2025ના રોજ એક વ્યક્તિ પર ફરસા વડે હુમલો કરનારા જસદીપસિંહ અને ફૈસલ હુસેનને કેદની સજા કરાઇ છે. પીડિત પર હુમલો કરીને ઇજા પહોંચાડવા માટે વૂલ્વરહેમ્પટનના જસદીપસિંહને 4 વર્ષ અને હેન્ડ્સવર્થના ફૈસલ હુસેનને 6 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, ધોળા દિવસે કરાયેલો આ ભયાનક હુમલો હતો. આવી હિંસાને ઉચિત ગણાવી શકાય નહીં અને બંને અપરાધીને તેમના અપરાધ માટે જેલની સજા ભોગવવી જ જોઇએ.
---------------------------------------------------------------------------------------------------------------
સ્લાઉના ફ્રોડ લેન્ડલોર્ડ પરવેઝને 3,70,000 પાઉન્ડ ચૂકવવા આદેશ
લંડનઃ સ્લાઉના લેન્ડલોર્ડ 45 વર્ષીય આમેર પરવેઝને ફ્રોડ માટે 3,70,.000 પાઉન્ડ ચૂકવવા અથવા તો 45 મહિનાની જેલ ભોગવવા આદેશ અપાયો છે. પરવેઝે ભાડે આપેલી પ્રોપર્ટીઓ જાહેર કરી નહોતી અને સોશિયલ કેર બેનિફિટ મેળવતો હતો.
ઓગસ્ટ 2023માં પરવેઝ પર આરોપ ઘડાયા હતા અને ડિસેમ્બર 2023માં રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા સોશિયલ કેરના નામે કાઉન્સિલ પાસેથી નાણાકીય સહાય મેળવવા માટે તેને દોષી ઠેરવાયો હતો. કોર્ટે તેને માર્ચ 2024માં બે વર્ષ માટે સસ્પેન્ડેડ 19 મહિનાની કેદ ફટકારી હતી.
24 નવેમ્બર 2025ના રોજ ક્રાઉન કોર્ટે પરવેઝને 3,76,550 પાઉન્ડ પેનલ્ટી અને વળતર પેટે તથા 2,92,895 પાઉન્ડ પ્રોસિક્યુટિંગ ફી પેટે ચૂકવવા આદેશ આપ્યો હતો.


