પત્ની અને બે બાળકોની હત્યા માટે સાજુ ચેલાવાલેલને આજીવન કેદ
લંડનઃ પત્ની અને બે બાળકોની હત્યા માટે દોષી ઠરેલા ભારતીય મૂળના વ્યક્તિને આજીવન કેદ ફટકારવામાં આવી છે. તેની લઘુત્તમ સજા 40 વર્ષની રેશે. 15 ડિસેમ્બર 2022ના રોજ કેટરિંગમાં સાજુ ચેલાવાલેલના મકાનમાં અંજુ અસોક, જીવા સાજુ અને જાનવી સાજુ ગંભીર ઇજાઓ સાથે મળી આવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન એપ્રિલ 2023માં સાજુ ચેલાવાલેલે નોર્ધમ્પ્ટન ક્રાઉન કોર્ટમાં પોતાનો અપરાધ કબૂલી લીધો હતો. નર્સ તરીકે ફરજ બજાવતી અંજુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બાળકો જીવા અને જાનવીના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. ભારતના કેરળના વતની સાજુએ કબૂલાત કરી હતી કે નશાની હાલતમાં તેણે પોતાના પરનો કાબૂ ગુમાવી દીધો હતો. તેને શંકા હતી કે તેની પત્નીના લગ્નેતર સંબંધો છે.
ડમી તરીકે ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારા ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ
લંડનઃ બ્રિટનમાં અંગ્રેજી ભાષામાં નબળા લોકો માટે ડમી તરીકે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાના આરોપસર ભારતીય મૂળના એક વ્યક્તિની ધરપકડ કરાઇ છે. 34 વર્ષીય સતવિંદર સિંહ પર 36 વ્યક્તિઓ માટે ડ્રાઇવિંગ થિયરી ટેસ્ટ આપવાનો આરોપ છે. આ રીતે ડમી ઉમેદવાર તરીકે ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને સતવિંદરે કરોડોની કમાણી કરી લીધી છે. સતવિંદર દરેક પરીક્ષા માટે 1500 પાઉન્ડની વસૂલાત કરતો હતો. ડ્રાઇવિંગ ટેસ્ટની ફી ફક્ત 23 પાઉન્ડ છએ. સતવિંદરે દક્ષિણ ઇંગ્લેન્ડના રીડિંગમાં ઘણા સેન્ટર પર ડમી તરીકે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી હોવાનું જણાતા ડીવીએસએ દ્વારા તેને ઝડપી લેવા માટે સેન્ટરો પર તેની તસવીરો લગાવવામાં આવી હતી. એક અમૃતપાલ સિંહના સ્થાને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા પહોંચેલા સતવિંદરને પોલીસે ઝડપી લીધો હતો.
માહેર માર્રુફે ભારતીય વિદ્યાર્થિની સબિતાની હત્યા કબૂલી
લંડનઃ માર્ચ 2022માંઉત્તર લંડનના ક્લર્કેન્વેલ વિસ્તારમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં ભારતીય મૂળની વિદ્યાર્થિની સબિતા થનવાનીની હત્યા કરનાર ટ્યુનિશિયન મૂળના વ્યક્તિએ અદાલતમાં પોતાનો અપરાધ કબૂલી લીધો હતો. 23 વર્ષીય માહેર માર્રુફ અને 19 વર્ષીય સબિતા થનવાની રિલેશનશિપમાં હતાં. માહેરે 19 માર્ચ 2022ના રોજ સબિતાનું ગળુ કાપીને હત્યા કરી નાખી હતી.

