13 વર્ષીય સગીર પર વર્ષો સુધી બળાત્કાર માટે બર્મિંગહામના મોહમ્મદ અલીને 18 વર્ષની કેદ
લંડનઃ વર્ષો સુધી 13 વર્ષીય સગીરનું જાતીય શોષણ કરનાર બર્મિંગહામના બળાત્કારી મોહમ્મદ અલીને 18 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. તેને 12 વર્ષ જેલના સળિયા પાછળ વીતાવવા પડશે જ્યારે 6 વર્ષ જેલની બહાર લાયસન્સ પર રહેવું પડશે. હેન્ડ્સવર્થના 23 વર્ષીય મોહમ્મદ અલીએ ગરીબ સગીર પર વર્ષો સુધી સંખ્યાબંધ વાર બળાત્કાર કર્યો હતો. અલીના ફોનમાંથી અશ્લિલ તસવીરો અને વીડિયો પણ મળી આવ્યાં હતાં.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટ ખાતે અલીએ તેના પર મૂકાયેલા આરોપની કબૂલાત કરી લીધી હતી. 27 નવેમ્બરે તેને 18 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી.
ટ્રેનમાં મહિલા પર સેક્સ્યુઅલ એટેક માટે જતિન્દરસિંહ સાંઘાને 6 મહિનાની કેદ
લંડનઃ સેન્ટ્રલ લાઇન સર્વિસની ટ્રેનમાં એક મહિલા પર સેક્સ્યુઅલ એસૉલ્ટ માટે જતિન્દરસિંહ સાંઘાને 6 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. 2 ઓક્ટોબર 2024ના રોજ લીવરપુલ સ્ટ્રીટ સ્ટેશન ખાતેથી ટ્રેનમાં સવાર થયા બાદ જતિન્દરે મહિલાને પોતાનું નિશાન બનાવી હતી. લંડન ઇનર ક્રાઉન કોર્ટે જતિન્દરને 187 પાઉન્ડ સરચાર્જ ચૂકવવા અને પોલીસને આગામી 10 વર્ષ માટે જતિન્દરનું નામ રજિસ્ટરમાં સામેલ કરવાના નિર્દેશ આપ્યા હતા.
મિડલેન્ડ્સ કબડ્ડી ટુર્નામેન્ટમાં હિંસાના કેસમાં વધુ 3 આરોપી દોષી
લંડનઃ વર્ષ 2023ના ઉનાળા દરમિયાન મિડલેન્ડ્સ કબડ્ડી ટુર્નામેન્ટ ખાતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણના કેસમાં એક ડીપીડી વર્કરની હત્યા માટે 3 આરોપીને દોષી ઠેરવાયા છે. બે જૂથો વચ્ચેની આ અથડામણમાં આડેધડ ગોળીબાર કરાયા હતા અને ફરસાનો ઉપયોગ કરાયો હતો.
ડર્બી ક્રાઉન કોર્ટ ખાતે થયેલી સુનાવણી બાદ જ્યુરીએ વિધામ ડ્રાઇવના બુટા સિંહને હિંસા આચરવા, ટિપ્ટનના દમનજિત સિંહને ધારદાર શસ્ત્ર રાખવા અને હડર્સફિલ્ડના રાજ ઠાકરસિંહને હિંસા આચરવાના આરોપસર દોષી ઠેરવ્યાં હતાં. ત્રણેને 19 ડિસેમ્બરના રોજ સજાની સુનાવણી કરાશે.
આ કેસમાં વર્ષ 2024માં હિંસામાં સામેલ 7 આરોપીને જેલભેગા કરી દેવાયા હતા. અન્ય બે આરોપીને જ્યુરી દ્વારા નિર્દોષ જાહેર કરાયા હતા.
સગીરાને સ્નેપચેટ દ્વારા ફસાવી બળાત્કાર કરનાર અબ્દુલ કહાર દોષી
લંડનઃ સ્નેપચેટ દ્વારા સગીરાને ફસાવી તેના પર બળાત્કાર ગુજારનાર બર્મિંગહામના 41 વર્ષીય અબ્દુલ કહારને પોલીસે ઝડપી લીધો હતો. 15 વર્ષીય સગીરાએ બહાદૂરી બતાવતા પિઝાની માગ કરીને પોલીસને મદદ માટે બોલાવી લીધી હતી. તેના આ મેસેજ બાદ વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને અધિકારીઓને રવાના કર્યા હતા. આ ઘટના 28 જુલાઇ 2025ની હતી. એલમ રોકનો અબ્દુલ કહાર જૂન મહિનામાં સ્નેપચેટ દ્વારા સગીરાના સંપર્કમાં આવ્યો હતો. જુલાઇમાં તે સગીરાને કારમાં લઇ ગયો હતો અને તેને શરાબ પીવડાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન કહારે આરોપ સ્વીકારી લીધા હતા. તેને 9 ફેબ્રુઆરી 2026ના રોજ સજાની સુનાવણી કરાશે.
મેઇડનહેડની આકાંક્ષાએ 4 વર્ષના પુત્રની હત્યાની કબૂલાત કરી
લંડનઃ મેઇડનહેડના ડનહોમ એન્ડની એક માતાએ તેના 4 વર્ષના પુત્રની છરી મારીને ઘરમાં જ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. રીડિંગ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન 37 વર્ષીય આકાંક્ષા આદિવારેકરે પુત્ર અગત્સ્ય હેગિસ્તેની હત્યાની કબૂલાત કરી હતી. 10 જૂન 2025ના રોજ આકાંક્ષાએ છરીના સંખ્યાબંધ ઘા મારીને અગત્સ્યને મારી નાખ્યો હતો. આકાંક્ષાને સજાની સુનાવણી 11 ડિસેમ્બરના રોજ કરાશે.
ગેરકાયદેસર ભારતીયોને નોકરી આપનાર કેર એજન્સીના ડિરેક્ટરને અઢી વર્ષની કેદ
લંડનઃ યુકેમાં કામ કરવાનો અધિકાર ન હોવા છતાં ભારતથી આવતા ઇમિગ્રન્ટ્સને નોકરી પર રાખવાના અપરાધમાં સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડની કેર હોમ એજન્સીના ડિરેક્ટરને અઢી વર્ષની કેદ ફટકારવામાં આવી છે. જુલાઇ 2025માં લ્યુવેસ ક્રાઉન કોર્ટ દ્વારા બિનોય થોમસને દોષી ઠેરવાયો હતો. ગયા સપ્તાહમાં શુક્રવારે તેને સજાની સુનાવણી કરાઇ હતી.50 વર્ષીય બિનોય થોમસ ઇસ્ટ સસેક્સમાં બેક્સહિલ ઓન સી વિસ્તારમાં એ ક્લાસ કેર રિક્રુટમેન્ટ લિમિટેડ એજન્સી ચલાવતો હતો. તે ભારતથી આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને પણ કેર આસિસ્ટન્ટ તરીકે નોકરી પતો હતો. બિનોય થોમસ જાણીજોઇને ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરી રહ્યો હતો.


