બ્રિટન ક્રાઇમ ડાયરી

Tuesday 03rd February 2026 09:07 EST
 
 

અવળી ગંગાઃ યુકેથી લોરીમાં સંતાઇને ફ્રાન્સ જતા 23 બાંગ્લાદેશી માઇગ્રન્ટ્સ ઝડપાયા

લંડનઃ છેલ્લા કેટલાક વર્ષોથી યુકે ગેરકાયદેસર માઇગ્રન્ટની સમસ્યાનો સામનો કરી રહ્યો છે ત્યારે તાજેતરમાં ઉલટી ગંગા જ જોવા મળી હતી. યુકેથી એક લોરીમાં સંતાઇને ફ્રાન્સ જતા બે ડઝન જેટલા બાંગ્લાદેશી માઇગ્રન્ટ ઝડપાઇ ગયા હતા. આની પાછળ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપનો હાથ હોવાની શંકા છે. ફેરી પોર્ટ ડોવર ખાતેથી તેઓને ફ્રાન્સ મોકલાઇ રહ્યા હતા. આ ક્રાઇમ ગ્રુપ પાકિસ્તાની અને બાંગ્લાદેશી માઇગ્રન્ટ્સને લોરીમાં સંતાડી યુકેથી ફ્રાન્સ મોકલવાના સંખ્યાબંધ પ્રયાસમાં સામેલ હોવાનું મનાય છે. આમ હવે યુકેથી ફ્રાન્સ તરફ ગેરકાયદેસર માઇગ્રેશન શરૂ થયું હોવાનું સામે આવ્યું છે. નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા ડોવર ખાતે શરૂ કરાયેલી તપાસના ભાગરૂપે લોરીને અટકાવવામાં આવી હતી. તેમને લોરીના પાછળના ભાગમાં 23 બાંગ્લાદેશી માઇગ્રન્ટ સંતાયેલા મળી આવ્યા હતા. નવાઇની વાત તો એ હતી કે આમાંથી 22 બાંગ્લાદેશી યુકેમાં લીગલી રહેતા હતા તેથી તેમને મુક્ત કરી દેવાયા હતા જ્યારે એકની ઇમિગ્રેશન નિયમોના ઉલ્લંઘન માટે ધરપકડ કરાઇ હતી.

00000000000000000000000

આતંકવાદના આરોપસર જેલ ભોગવનાર શાહિદ બટ્ટે કાઉન્સિલ ચૂંટણીમાં ઝંપલાવ્યું

લંડનઃ આતંકવાદી હુમલાની યોજના માટે જેલની સજા ભોગવનાર મુસ્લિમ એક્ટિવિસ્ટ શાહિદ બટ્ટે મે મહિનામાં યોજાનારી બર્મિંગહામની ચૂંટણીમાં કાઉન્સિલરપદ માટે ઉમેદવારી કરી છે. 1999માં યમનમાં બ્રિટિશ કોન્સ્યુલેટ, એન્ગ્લિકન ચર્ચ અને સ્વિસ માલિકની હોટેલને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરા માટે બટ્ટને પાંચ વર્ષ જેલની સજા કરાઇ હતી. 7 મેના રોજ યોજાનારી બર્મિંગહામ સિટી કાઉન્સિલની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોના એક ગઠબંધન તરફથી બટ્ટે ઉમેદવારી નોંધાવી છે. આ ગઠબંધનની રચના મુસ્લિમ એક્ટિવિસ્ટ એખમદ યાકુબ અને શકીલ અફસર દ્વારા કરાઇ છે. બટ્ટે સ્પાર્કહિલ વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ વોર્ડની 66 ટકા વસતી પાકિસ્તાની મૂળના લોકોની છે. બટ્ટે જણાવ્યું હતું કે, અલ્લાહની મદદ અને તમારા સમર્થનથી આપણે વિજય હાંસલ કરી શકીશું. એક અખબારી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, મારી યુવાવસ્થામાં કેટલીક ભૂલો કરી હતી પરંતુ આતંકવાદી હુમલાની યોજનામાં હું નિર્દોષ હતો. મારી પાસે બળજબરીથી કબૂલાત કરાવાઇ હતી અને મારી વિરુદ્ધના પુરાવા ઉપજાવી કઢાયા હતા.

00000000000000000000000

સગીરા પર સેક્સ્યુઅલ એસોલ્ટ માટે રેલવે સિક્યુરિટી ગાર્ડ આમાર મોહમ્મદને કેદ

લંડનઃ મિડલેન્ડના વોર્સેસ્ટર શ્રબ હિલ રેલવે સ્ટેશન ખાતે ફરજ દરમિયાન 14 વર્ષીય સગીરા પર સેક્સ્યુઅલ એટેક કરનાર સિક્યુરિટી ગાર્ડ 35 વર્ષીય આમાર મોહમ્મદને 3 વર્ષ અને 8 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. તે ઉપરાંત તેને આજીવન સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં સામેલ કરવા કોર્ટે આદેશ આપ્યો હતો. 14 નવેમ્બર 2021ના રોજ 14 વર્ષીય સગીરાને રેલવે સ્ટેશન પર એકલી જોતાં ફોસલાવીને મોહમ્મદ તેની ઓફિસમાં લઇ ગયો હતો અને ત્યાં તેણે તેના પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હતો. જેના પગલે સગીરાને ઇજાઓ થઇ હતી. સગીરા યેનકેન પ્રકારે પોતાને નરાધમના હાથમાંથી છોડાવી પાછી પ્લેટફોર્મ પર આવી ગઇ હતી અને ટ્રેન પકડી લીધી હતી. સગીરાએ આ મામલાની પરિવાર અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સેન્ડવેલ ખાતેથી મોહમ્મદની ધરપકડ કરી હતી. કોર્ટની સુનાવણીમાં હાજર ન રહેતા મોહમ્મદની માર્ચ 2023માં ફરી ધરપકડ કરાઇ હતી. એક સપ્તાહની સુનાવણી બાદ તાજેતરમાં વોર્સેસ્ટર ક્રાઉન કોર્ટે મોહમ્મદને સજા ફટકારી હતી.

00000000000000000000000

બર્મિંગહામમાં 17 મિલિયન પાઉન્ડનું મની લોન્ડરિંગ, 3 જેલભેગા

લંડનઃ બર્મિંગહામમા 17 મિલિયન પાઉન્ડનું મની લોન્ડરિંગ રેકેટ ચલાવતા ઝડપાયેલા શાઝાદ જહાં, સાજિદ નવાઝ અને નાવિદ ગુલને કેદની સજા ફટકારવામાં આવી છે. બોર્ડેસલીના શાઝાદ જહાંને પાંચ વર્ષ અને પાંચ મહિના, કિટ્સ ગ્રીનના નવાઝને બે વર્ષ અને પીટરબરોના ગુલને ચાર વર્ષ 3 મહિના કેદ ફટકારવામાં આવી છે. ચાર વ્યક્તિની આ ગેંગના સભ્યો ક્રિમિનલ્સને કાળા નાણા વ્હાઇટ કરવામાં મદદ કરતા હતા. તેઓ વારંવાર પોસટ ઓફિસની વિવિધ શાખાઓમાં જઇને નાણા જમા કરાવતા અને ત્યારબાદ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેતાં હતાં. આ રીતે તેમણે કુલ 17 મિલિયન પાઉન્ડના વ્યવહારો કર્યાં હતાં. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે લાંબી તપાસ બાદ અપરાધીઓને શોધી કાઢ્યા હતા.

00000000000000000000000

હોટેલ કર્મચારીની હત્યા કરનાર રાજ્યાશ્રયવાંચ્છુને 29 વર્ષની કેદ

લંડનઃ અસાયલમ હોટેલમાં કામ કરતી હિનોન વ્હાયટની હત્યા માટે રાજ્યાશ્રયવાંચ્છુ ડેન્ગ માજેકને કોવેન્ટ્રી ક્રાઉન કોર્ટ દ્વારા લઘુત્તમ 29 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2024માં વાલસાલમાં બેસ્કોટ સ્ટેડિયમ રેલવે સ્ટેશન જઇ રહેલી વ્હાયટનો માજેકે પીછો કર્યો હતો અને સ્ક્રુ ડ્રાઇવરના 23 ઘા મારી તેની કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યા બાદતે નાચતો અને હસતો હતો. સજાની સુનાવણી બાદ વ્હાયટની માતાએ સુદાની નાગરિક માજેકને જણાવ્યું હતું કે, હું આશા રાખુ છું કે તું જેલની બહારની દુનિયા ક્યારેય જોઇ શકે નહીં. હવે તુ નાચીને બતાવ.

00000000000000000000000

 સ્લાઉમાં પબ્લિક સાથે અશ્લિલ ચેનચાળા માટે સેતુપથિ પેરિસામીને 6 મહિનાની કેદ

લંડનઃ સ્લાઉમાં જાહેરમાં અશ્લિલ ચેનચાળા માટે 47 વર્ષીય સેતુપથિ પેરિસામીને રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા 6 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. તેની વિરુદ્ધ 10 વર્ષ માટે સેક્સ્યુઅલ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર પણ જારી કરાયો છે. સેતુપથિ સ્લાઉમાં ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. નોકરીના ભાગરૂપે તે મેઇડનહેડ, સ્લાઉ અને વિન્ડસરના સંખ્યાબંધ ઘરોએ પહોંચ્યો હતો જ્યાં તેણે ગ્રાહકો સાથે અશ્લિલ ચેનચાળા કર્યાં હતાં.

00000000000000000000000

લંડનના જ્વેલર્સ લૂટારાના નિશાન પર, બે સપ્તાહમાં 3 લૂટ

લંડનઃ લંડનના જ્વેલર્સ માસ્ક પહેરેલા લૂટારાઓના નિશાના પર આવી ગયાં છે. છેલ્લા બે સપ્તાહમાં લંડનમાં માસ્ક પહેરેલા ઠગો દ્વારા ત્રણ જ્વેલરી શોપ પર હુમલો કરી લૂટ ચલાવાઇ છે. શનિવારે ભરદહાડે રિચમન્ડમાં ગ્રેગરી એન્ડ કંપની પર માસ્ક પહેરેલા બે ઠગોએ સ્લેજહેમર વડે હુમલો કરી લૂટ કરી હતી. પોલીસ આ લૂટારાઓને શોધી રહી છે. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, અમે આ ઘટનાને ઘણી ગંભીરતાથી લઇ રહ્યાં છીએ. બે દિવસ પહેલાં કેટલાક લૂટારાએ શેફર્ડ્સ બુશમાં એક્સબ્રિજ રોડ પરના સુલતાન જ્વેલરીમાં લૂટ ચલાવી હતી. પોલીસે આ હુમલામાં શંકાના આધારે 33 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. બે સપ્તાહ પહેલાં નાઇટબ્રિજ સ્થિત રોલેક્સ શોપમાં સશસ્ત્ર લૂટારા દ્વારા ધાડ પડાઇ હતી. પોલીસ હજુ આ લૂટારાઓને શોધી રહી છે.

00000000000000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter