બ્રિટન ક્રાઇમ ડાયરી

Tuesday 24th February 2026 12:02 EST
 
 

નોકરીના બહાને હોટેલમાં બોલાવી મહિલા પર બળાત્કાર માટે ગુરવિન્દર સિંહ દોષી

લંડનઃ નોકરી અપાવવાના બહાને હોટેલમાં બોલાવી મહિલા પર બળાત્કાર ગુજારવા માટે નોર્ટહોલ્ટના રહેવાસી ભારતીય નાગરિક 37 વર્ષીય ગુરવિન્દર સિંહને સાઉથવાર્કક ક્રાઉન કોર્ટે દોષી ઠેરવ્યો છે. 15 એપ્રિલે સજાની સુનાવણી કરાશે. સિંહે એક મહિલા તરીકે વોટ્સએપ પર નોકરીની ઓફર પોસ્ટ કરી હતી. તેણે એક મહિલાને કેર વર્કર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી 21 જૂન 2025ના રોજ પેડિંગટનની હોટલમાં મળવા બોલાવી હતી. સિંહ પીડિત મહિલાને કેર આસિસ્ટન્ટ તરીકે મળ્યો હતો અને જણાવ્યું હતું કે, તે તેની સાથે જ કામ કરશે. ત્યારબાદ તેને હોટેલની રૂમમાં લઇ ગયો હતો અને ત્યાં પેશન્ટની રાહ જોવા જણાવ્યું હતું. થોડા સમય પછી સિંહ નગ્નાવસ્થામાં રૂમમાં આવ્યો હતો અને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મહિલાને બળાત્કારનો વીડિયો ઉતાર્યો હોવાની ધમકી પણ આપી હતી. તેમ છતાં મહિલાઓ પોલીસને જાણ કરી હતી અને પોલીસે સિંહની ધરપકડ કરી હતી.

0000000000000000000000000000000000

અકસ્માતમાં પુલવિન્દર ધિલ્લોનનું મોત નિપજાવનાર વાન ડ્રાઇવર દોષી

લંડનઃ 7 માર્ચ 2022ના રોજ બર્કશાયરમાં એમ4 પર કારને ટક્કર મારી 68 વર્ષીય પુલવિન્દર ધિલ્લોનનું મોત નિપજાવનાર વાન ડ્રાઇવર બેરી ઓસુલિવાનને દોષી ઠેરવાયો છે. ધિલ્લોનની નિશાન માઇક્રા કાર એમ4 પર બંધ પડી હતી ત્યારે ઓસુલિવાને તેને ટક્કર મારી હતી જેના પગલે આગ ફાટી નીકળતાં ધિલ્લોનનું કારમાં જ મોત થયું હતું. રીડિંગ ક્રાઉન કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓસુલિવાન આ અકસ્માત ટાળી શક્યો હોત. તે તેની વાન 77 માઇલ પ્રતિ કલાકની ઝડપે હંકારી રહ્યો હતો.

0000000000000000000000000000000000

રોથરહામમાં સગીરા પર બળાત્કાર ગુજારવા માટે રિયાસત હુસેનને 20 વર્ષની કેદ

લંડનઃ 20 વર્ષ પહેલાં રોથરહામમાં ગ્રૂમિંગ ગેંગનો શિકાર બનેલી સગીરા પર બે વાર બળાત્કાર કરવાના આરોપસર 45 વર્ષીય રિયાસત હુસેનને દોષી ઠેરવાયો છે. 2000ના દાયકામાં પીડિતા 13 વર્ષની હતી ત્યારે રિયાસતે તેના પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. હાલ આ સગીરા 30 કરતાં વધુ વર્ષની છે. અદાલતે રિયાસત હુસેનને 20 વર્ષ કેદની સજા ફટકારી હતી. રિયાસત 24 વર્ષનો હતો ત્યારે એક વખત સગીરાને સડક પર કોઇ વ્યક્તિ સાથે માથાકૂટ થતા રિયાસતે તેને કારમાં લિફ્ટ આપી હતી. થોડા દિવસ પછી સગીરા ફરી એકવાર સડક પપર મળી જતા રિયાસતે તેને કારમાં લિફ્ટ આપી હતી અને એક અવાવરૂ સ્થળે લઇ ગયો હતો. જ્યાં તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

0000000000000000000000000000000000

સાઉથ વેલ્સમાં કામરાન અમાનની રેસિસ્ટ હત્યા માટે બે સગીરને આજીવન કેદ

લંડનઃ સાઉથ વેલ્સમાં 38 વર્ષીય કામરાન અમાન પર રેસિસ્ટ હુમલો કરી હત્યા કરનાર બે સગીરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કામરાન બેરી ખાતે તેની માતાના ઘરે ગ્રોસરી આપવા ગયો ત્યારે બંને સગીરે તેના પર હુમલો કર્યો હતો. કાર્ડિફ ક્રાઉન કોર્ટે 17 વર્ષીય માર્કસ સ્ટેનિફોર્થને 17 વર્ષ અને 16 વર્ષીય બીજા સગીરને 15 વર્ષની કેદ ફટકારી હતી. જજ મિસ્ટર જસ્ટિસ ગ્રિફિથે સજાની સુનાવણી કરતાં માર્કસને જણાવ્યું હતું કે, મૃતકને માર મારવામાં નિષ્ફળતા મળતા તેં તેની હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તું અસામાન્ય રીતે હિંસક અને ભયજનક વ્યક્તિ છે. બીજા સગીરને જજે જણાવ્યું હતું કે, તેં હિંસક રેસિસ્ટ એટેકમાં સાથ આપ્યો હતો. મૃતક અમાન તેની પત્ની અને 4 વર્ષની દીકરી સાથે રહેતો હતો અને તેની માતાને ગ્રોસરી આપવા તેમના ઘરે પહોંચ્યો હતો. હુમલાખોર બંને સગીર શરાબ અને ડ્રગ્સના નશામાં ધૂત હતા.

0000000000000000000000000000000000

પોર્નોગ્રાફીના શોખીન 62 વર્ષીય સોલિસિટર સોહેલ બશીરની હકાલપટ્ટી

લંડનઃ બાળકની અશ્લિલ તસવીરો શેયર કરવા અને પોર્નોગ્રાફી રાખવા માટે સોલિસિટર સોહેલ બશીરને નોકરીમાંથી હાંકી કઢાયો છે. યુએસએમાં નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન દ્વારા પોલીસને ચેતવણી આપવામાં આવ્યા બાદ સોહેલ બશીરને બોલ્ટન ક્રાઉન કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. બશીરના નામે એક ફેસબુક એકાઉન્ટ દ્વારા એક નાના બાળક સાથે સંકળાયેલા પોર્નોગ્રાફિક વિડિઓને પોસ્ટ કરાયા હતા. આ વર્ષે 62 વર્ષીય સોલિસિટર 2008માં સર્વિસમાં જોડાયા હતા. તેઓ માર્ચ 2024 સુધી લંડનની કંપની એલાઇડ લો ચેમ્બર્સ સોલિસિટર્સમાં સલાહકાર હતા. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે તપાસ શરૂ કરી અને ઓગસ્ટ 2020 માં સોલિસિટરની ધરપકડ કરી. તેમનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ઘણી અશ્લિલ છબીઓ અને વિડિઓ મળી આવ્યા હતા.

0000000000000000000000000000000000

સ્મિથવિકની મસ્જિદ બહાર ચાકુબાજીમાં એક સગીરનું મોત, બેને ઇજા

લંડનઃ સ્મિથવિકની મસ્જિદ બહાર ચાકુબાજીની ઘટનામાં એક સગીરનું મોત થયું હતું જ્યારે અન્ય બેને ઇજા પહોંચી હતી. 21 ફેબ્રુઆરીની રાત્રે 9 કલાકે ઓલ્ડબરી રોડ પર આવેલી મસ્જિદની બહાર હુમલો થયો હોવાની જાણ વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસને કરાઇ હતી. પોલીસને એક 18 વર્ષીય સગીર ગંભીર ઇજાઓ સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો જ્યારે 19 અને 22 વર્ષના બે યુવકને ઇજાને પગલે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. પોલીસ આ હુમલાની તપાસ કરી રહી છે.

0000000000000000000000000000000000 

નોર્ધમ્પટનની હોસ્પિટલમાં બળાત્કાર અને દુર્વ્યવહારના આરોપસર 15 કર્મચારીની ધરપકડ

લંડનઃ નોર્ધમ્પટન સ્થિત સેન્ટ એન્ડ્રુ હેલ્થકેર હોસ્પિટલ ખાતે દર્દીઓ પર બળાત્કાર, ખરાબ વ્યવહાર અને નકારાત્મક વલણના આરોપસર 15 કર્મચારીની ધરપકડ કરાઇ છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ પગલાં લેવાની ખાતરી આપી છે. આરોપોની તપાસ કરવા માટે પોલીસને પણ જવાબદારી સોંપાઇ છે. આ હોસ્પિટલનું સંચાલન એક ચેરિટી સંસ્થા દ્વારા કરાય છે અને જટિલ માનસિક બીમારી ધરાવતા 600 જેટલા દર્દી અહીં સારવાર લઇ રહ્યા છે. બે દર્દીના મોત અને સંખ્યાબંધ હુમલાના બનાવ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, કેટલાક કર્મચારીને બરતરફ કરી દેવાયા છે અને તાલીમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. નોર્ધમ્પટનશાયર પોલીસે જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2024થી હોસ્પિટલમાં બનેલી કથિત ઘટનાઓના સંદર્ભમાં 15 વ્યક્તિની ધરપકડ કરાઇ છે.

0000000000000000000000000000000000

પેકેજિંગ કંપનીમાં આગજનીના આરોપસર લેસ્ટરના અજયની ધરપકડ

લંડનઃ લેસ્ટરમાં 25 જાન્યુઆરીના રોજ એક નેટસન પેકેજિંગ કંપનીમાં લાગેલી આગની ઘટનામાં ફોરેસ્ટ એવન્યૂના 31 વર્ષીય અજયની આગજનીના આરોપસર ધરપકડ કરાઇ હતી. તેના પર નુકસાન પહોંચાડવાના ઇરાદાથી લૂટનો આરોપ પણ મૂકાયો છે. હાલ આ કેસની સુનાવણી લેસ્ટર ક્રાઉન કોર્ટમાં ચાલી રહી છે. કસ્ટડીમાં રખાયેલા અજયે તેના પર મૂકાયેલા આરોપ નકારી કાઢ્યા છે.

0000000000000000000000000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter