બ્રિટન ક્રાઇમ ડાયરી

Tuesday 10th March 2026 12:45 EDT
 

બર્મિંગહામના બળાત્કારી કાસમ હુસેનને 16 વર્ષની કેદ

લંડનઃ બર્મિંગહામના હેન્ડ્સવર્થ વૂડના બળાત્કારી કાસમ હુસેનને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા 16 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. તે એકલવાયી સગીરાઓને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. તે બળાત્કાર, સેક્સુઅલ અસોલ્ટ અને અપહરણ સહિતના 9 અપરાધોમાં દોષી પૂરવાર થયો હતો.

સપ્ટેમ્બર 2024માં તેણે એક સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને એક સગીરા પર સેક્સુઅલ એસોલ્ટ કર્યો હતો. મે 2025માં તેણે એજ સગીરાનું અપહરણ કર્યું હતું. આજ મહિનામાં તેણે અન્ય એક સગીરાને પણ તેનો શિકાર બનાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, હુસેન સગીરાઓ એકદમ એકલી હોય ત્યારે તેમને શિકાર બનાવતો હતો અને તેમની લાચારીનો લાભ ઉઠાવી તેમનું શારીરિક શોષણ કરતો હતો.

0000000000000000000000000000000000000000000000000000

સગીરને ઇસ્લામિક સ્ટેટમાં સામેલ કરનાર શાઝાદ અલીને પાંચ વર્ષની કેદ

લંડનઃ સોશિયલ મીડિયા પર પ્રોપેગેન્ડા ચલાવી 17 વર્ષીય સગીરને કથિત ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથમાં સામેલ કરવાનો પ્રયાસ કરનાર ન્યૂપોર્ટના 21 વર્ષીય શાઝાદ અલીને પાંચ વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. બ્રિસ્ટોલ ક્રાઉન કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, અલી સોશિયલ મીડિયા પર અન્યો સાથે પણ વાત કરતો હતો અને તેણે 6 વ્યક્તિને જૂથમાં સામેલ કર્યા હોવાનું મનાય છે. તેને સજા પૂરી થયે બે વર્ષ લાયસન્સ પર રહેવું પડશે. અલીએ પોલીસને જણાવ્યું હતું કે, તે સૌથી પહેલા અબુ કતાદા નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો જે અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે લડતો ઇસ્લામિક સ્ટેટનો આતંકવાદી હતો.

0000000000000000000000000000000000000000000000000000

લેસ્ટરમાં લોકોને કચડવાનો પ્રયાસ કરનાર ગોવિન્દરની સજા વધારી 10 વર્ષ કરાઇ

લંડનઃ લેસ્ટરમાં એક લગ્ન સમારોહ સ્થળ ખાતે કાર દ્વારા લોકોને કચડી નાખવાનો પ્રયાસ કરનાર ગોવિન્દર સિંહની સજામાં વધારો કરાયો છે. 31 મે 2025ની મધરાતે બનેલી આ ઘટનામાં ચાર પુરુષ અને એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

7 નવેમ્બર 2025ના રોજ પોતાના પરના આરોપ કબૂલી લેનાર સિંહને સાડા સાત વર્ષ કેદની સજા ફટકારવામા આવી હતી. જોકે સોલિસિટર જનરલ એલી રીવ્ઝે સિંહને કરાયેલી સજા ઓછી હોવાનો દાવો કરતાં કોર્ટ ઓફ અપીલમાં કેસ મોકલાવ્યો હતો. જેના પગલે કોર્ટ ઓફ અપીલે સિંહની સજા સાડા સાત વર્ષથી વધારીને 10 વર્ષ કરી દીધી હતી.

0000000000000000000000000000000000000000000000000000

ગ્લાસગો સ્ટેશન નજીક ભયાનક આગ, રેલવે સેવાઓ સ્થગિત કરાઇ

લંડનઃ ગ્લાસગો સેન્ટ્રલ સ્ટેશન નજીક રવિવારે ભયાનક આગ ફાટી નીકળતાં સ્ટેશનને અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવાયું હતું. જેના પગલે રેલવે સેવાઓ ખોરવાઇ ગઇ હતી. યુનિયન સ્ટ્રીટમાં ઐતિહાસિક ઇમારત ખાતે આગ લાગતાં સિટી સેન્ટરમાં અંધાધૂંધી વ્યાપી ગઇ હતી. આ ઇમારત આંશિક રીતે ધરાશાયી પણ થઇ હતી. સ્ટ્રીટમાં આવેલી એક વેપ શોપમાંથી આગ પ્રસરી હોવાનું માનવામાં આવે છે. નેટવર્ક રેલે જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવાયું છે.

સ્કોટિશ ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસે જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લેવા 60 કરતા વધુ ફાયર ફાઇટર્સ કામે લાગ્યા હતા. અમને રવિવારે બપોરે 3.46 કલાકે ચાર માળની કોમર્શિયલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હોવાના રિપોર્ટ મળ્યા હતા. આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ હોવાના અહેવાલ નથી.

ગ્લાસગો સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર રોજના 70,000 પ્રવાસી પ્રવાસ કરે છે. સ્ટેશન બંધ કરાતા સ્કોટલેન્ડના પશ્ચિમના વિસ્તારોમાં જતી રેલવે સેવાઓ પર ગંભીર અસર પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter