બ્રિટન ક્રાઇમ ડાયરી

Tuesday 07th July 2026 10:45 EDT
 

'રેપ ફેન્ટસી' માટે પુરુષોને પૂર્વ પ્રેમિકાના ઘરે મોકલનાર અસદ હુસૈનને 8 વર્ષની જેલ

લંડનઃ માન્ચેસ્ટરમાં પૂર્વ પ્રેમિકાની નકલી ટિન્ડર પ્રોફાઇલ બનાવીને તેના ઘરે અજાણ્યા પુરુષોને મોકલનાર 36 વર્ષીય અસદ હુસૈનને કોર્ટે 8 વર્ષની જેલની સજા ફટકારી છે. હુસૈને અજાણ્યા પુરુષોને એવી ખોટી માહિતી આપી હતી કે પીડિતા એક 'રેપ ફેન્ટસી'નો  અનુભવ કરવા માંગે છે. અદાલતે હુસૈનને સ્ટૉકિંગ, હુમલા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના પાસકોડ ન આપવા બદલ દોષિત ઠેરવ્યો છે, તેમજ તેના પર 15 વર્ષ માટે રેસ્ટ્રેઇનિંગ ઓર્ડર પણ જારી કર્યો છે.

00000000000000000000000000

મહિલાઓને નશો કરાવી બળાત્કાર ગુજારતા ઇન્ટરનેશનલ નેટવર્કનો પર્દાફાશ

લંડનઃ નેશનલ ક્રાઈમ એજન્સી દ્વારા મહિલાઓને નશીલો પદાર્થ આપી તેમની પર બળાત્કાર ગુજારનારા પુરુષોના એક ઇન્ટરનેશનલ નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. જેના અંતર્ગત યુકેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એજન્સીએ આવા કૃત્યોના વીડિયો ઓનલાઈન શેર કરતા ફોરમ સાથે જોડાયેલા 270 લોકોની ઓળખ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 14 તપાસ શરૂ કરવામાં આવી છે અને આઠ પીડિતોની ઓળખ કરી તેમને મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

00000000000000000000000000

લેસ્ટરમાં બેને કચડી નાખનાર અંસરીન બુખારીની સજા ઘટાડવા કોર્ટનો ઇનકાર

લંડનઃ લેસ્ટરમાં બે યુવકોના મોતનું કારણ બનેલ હાઇ સ્પીડ કાર ચેઝ મામલે જેલમાં બંધ ટિકટોક ઇન્ફલુએન્સરની માતાની સજા ઘટાડવાની અરજી કોર્ટ ઓફ અપીલે ફગાવી દીધી છે. 49 વર્ષીય અંસરીન બુખારી ફેબ્રુઆરી 2022માં લેસ્ટરના A46 રોડ પર સાકિબ હુસૈન અને તેના મિત્ર મોહમ્મદ હાશિમ ઇજાઝુદ્દીનની કારનો પીછો કરી રહેલી ગાડીમાં પોતાની પુત્રી મહેક બુખારી સાથે સવાર હતા. આ હાઇ સ્પીડ ચેઝ દરમિયાન થયેલા ભીષણ અકસ્માતમાં બંને યુવકના કરુણ મોત નીપજ્યા હતા. જે બદલ બુખારી માતા-પુત્રીને હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મહેક બુખારીને 31 વર્ષ 8 મહિના અને અંસરીનને 26 વર્ષ 9 મહિનાની કેદ ફટકારવામાં આવી હતી. પાછળથી કોર્ટ ઓફ અપીલે મહેકની સજા ઘટાડીને 26 વર્ષ 285 દિવસ કરી હતી.

00000000000000000000000000

હેનરી નોવાક હત્યા કેસ: દોષિત વિક્રમ દિગ્વાએ 21 વર્ષની સજા સામે અપીલ કરી

લંડનઃ હેનરી નોવાકની હત્યાના કેસમાં દોષિત ઠરેલા શીખ યુવક વિક્રમ સિંહ દિગ્વાએ આજીવન કેદની સજા સામે કોર્ટ ઓફ અપીલમાં અરજી કરી છે. દિગ્વાએ ગત વર્ષે 3 ડિસેમ્બરના રોજ સાઉધમ્પટન ખાતે નોવાક પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હતી, જે બદલ ગત જૂન મહિનામાં અદાલતે તેને ઓછામાં ઓછી 21 વર્ષની જેલની મુદત સાથે આજીવન કેદની સજા ફટકારી હતી. બીજી તરફ, સોલિસિટર જનરલ એલી રીવ્સે આ સજાને હળવી ગણાવીને કોર્ટ ઓફ અપીલ સમક્ષ સમીક્ષા માટે મોકલી છે, જેના કારણે દિગ્વાની સજામાં વધારો થવાની પણ સંભાવના છે.

00000000000000000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter