બ્રિટન ક્રાઇમ ડાયરી

Tuesday 08th September 2026 10:26 EDT
 
 

લંડનના પોલીસ અધિકારી પ્રકાશ પટેલ પર જાતીય સતામણીના પાંચ અપરાધનો કેસ દાખલ

લંડનઃ મેટ્રોપોલિટન પોલીસના ભારતીય મૂળના ડિટેક્ટિવ સાર્જન્ટ પર જાતીય સતામણીના પાંચ અલગ અલગ ગુનાઓ હેઠળ કેસ નોંધાયો છે. નોર્થ વેસ્ટ કમાન્ડ યુનિટમાં કાર્યરત ડિટેક્ટિવ સાર્જન્ટ પ્રકાશ પટેલને શુક્રવાર, 4 સપ્ટેમ્બરે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, પટેલ સાથે પરિચિત એવી ચાર મહિલાઓ દ્વારા મૂકાયેલા આરોપોની તપાસ બાદ 24 જુલાઈના રોજ તેમની સામે પાંચ ચાર્જ દાખલ કરવામાં આવ્યા હતા. આક્ષેપો અનુસાર, એક ઘટના વર્ષ 2024ના ઉનાળા દરમિયાન બની હતી, જ્યારે અન્ય ચાર બનાવો 3 ડિસેમ્બર 2024ના રોજ બન્યા હોવાનું સામે આવ્યું છે. સેન્ટ્રલ સાઉથ કમાન્ડ યુનિટ અને મેટના ડિરેક્ટોરેટ ઓફ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસના ભાગરૂપે ગત વર્ષે 24 એપ્રિલે પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને તે જ દિવસે તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ટીમોની વધુ તપાસ બાદ આ કેસ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસને સોંપવામાં આવ્યો હતો, જેણે કાનૂની ચાર્જ મંજૂર કર્યા હતા.

0000000000000000000000000000000000000000000000

વાનમાંથી મોબાઇલ ફ્રોડ આચરનાર મોહમ્મદ ફિયાઝ ઇકબાલને 3 વર્ષ 8 મહિનાની કેદ

લંડનઃ માન્ચેસ્ટરના પ્રસિદ્ધ ટ્રેફોર્ડ સેન્ટરના પાર્કિંગમાં પોતાની વાનમાંથી જ મોબાઇલ ફ્રોડ આચરનાર પ્રેસ્ટનના મોહમ્મદ ફિયાઝ ઇકબાલને યુકેમાં અદાલતે ઇકબાલને પાંચ વર્ષ અને છ મહિનાની કેદની સજા ફટકારી હતી, પરંતુ પ્રથમ સુનાવણીમાં જ ગુનો કબૂલી લેવા બદલ સજામાં ઘટાડો કરીને ત્રણ વર્ષ અને આઠ મહિનાની જેલની સજા સંભળાવી છે. કાયદો અમલીકરણ એજન્સીઓ દ્વારા આ પ્રકારની 'SMS બ્લાસ્ટર' ટેકનોલોજી પકડાઈ હોવાનો આ પ્રથમ કિસ્સો છે. મોહમ્મદ ફિયાઝ ઇકબાલ પોતાની વાનનો ઉપયોગ ગેરકાયદેસર મોબાઇલ ટાવર તરીકે કરતો હતો. પોલીસે તેને મે 2024માં વાનમાંથી જ ઝડપી લીધો હતો. પોલીસ અધિકારીઓને વાનના પાછળના ભાગમાં ખાસ બનાવેલા લાકડાના ખાનાઓમાંથી એક અત્યાધુનિક SMS બ્લાસ્ટર સિસ્ટમ મળી આવી હતી. આ સિસ્ટમમાં પાવર સોર્સ, વાઇ-ફાઇ અને વાહનની છત પર બેસાડવામાં આવેલા એન્ટેનાનો સમાવેશ થતો હતો. આ ઉપકરણો ટેલિકોમ નેટવર્કની સુરક્ષાને બાયપાસ કરીને નજીકના મોબાઇલ ઉપકરણો પર સીધા જ બોગસ મેસેજ મોકલતા હતા. ઇકબાલ રોયલ મેઇલ જેવી માન્ય સંસ્થાઓના નામે મેસેજ મોકલીને લોકો સાથે કૌભાંડ આચરતો હતો. પોલીસને તેના મોબાઇલમાંથી 7,859 ચોરાયેલા પેમેન્ટ કાર્ડની વિગતો અને ઘરની ઝડતી દરમિયાન ત્રણ બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ તે મની લોન્ડરિંગ માટે બેંક ખાતા ખોલવામાં કરતો હતો.

0000000000000000000000000000000000000000000000

કેન્સર ચેરિટીના કર્મચારી તમીમ ચૌધરીએ લગ્ન માટે 92,000 પાઉન્ડની ઉચાપત કરી

લંડનઃ બ્રેસ્ટ કેન્સર નાઉ ચેરિટીના કર્મચારી તમીમ ચૌધરીએ સંસ્થાના હેડિંગ પેપરનો ઉપયોગ કરીને 91,966 પાઉન્ડ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તેણે તે રકમનો ઉપયોગ પોતાના લગ્ન તથા હનીમૂન માટે કર્યો હોવાનું પૂરવાર થતાં તેને અઢી વર્ષની કેદ ફટકારવામાં આવી છે. સિટી ઓફ લંડન પોલીસના જણાવ્યા અનુસાર, ઈસ્ટ લંડનના હેકનીના નિવાસી ચૌધરીએ છેતરપિંડી અને અને મની લોન્ડરિંગના ગુનાની કબૂલાત કર્યા બાદ રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસ ખાતે તેને સજા ફટકારવામાં આવી હતી. ઓગસ્ટ 2023 માં, ચેરિટીની ફાઇનાન્સ ટીમમાં કામ કરતા ચૌધરીએ ધ રોયલ માર્સ્ડેન એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી પરત થનારા 91,966.72 પાઉન્ડના રિફંડ પેમેન્ટમાં ગેરરીતિ આચરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નાણાં મળ્યાના થોડા જ અઠવાડિયામાં તેણે લગ્ન અને હનીમૂનના ખર્ચ, 14,000 પાઉન્ડની કિંમતની એલેક્ઝાન્ડર બ્રાઉન રિંગ સહિતની વૈભવી વસ્તુઓની ખરીદી, અંગત દેવાની ચુકવણી માટે આ રકમનો ઉપયોગ કર્યો હતો.

0000000000000000000000000000000000000000000000

મહિલા સહકર્મી પર રેસિસ્ટ ટિપ્પણી માટે મોહમ્મદ આબિદ સહિત 8 પોલીસ કર્મી દોષી

લંડનઃ ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ આબિદ અને તેના અન્ય પાંચ સાથી અધિકારીઓને મહિલા સહકર્મી પર રેસિસ્ટ ટિપ્પણી કરવા અને તેમની મજાક ઉડાવવા બદલ તત્કાલ અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. બરતરફ કરાયેલ મોહમ્મદ આબિદ મોહમ્મદ ફાહિર અમાઝનો ભાઈ છે, જેને 23 જુલાઈ, 2024ના રોજ માન્ચેસ્ટર એરપોર્ટ પર મહિલા પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા માટે જેલની સજા ફટકારવામાં આવી હતી. બે સપ્તાહ સુધી ચાલેલી શિસ્તભંગની સુનાવણીમાં તમામ આઠ અધિકારીઓને ગંભીર ગેરવર્તણૂક માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ અધિકારીઓએ આફ્રિકન મૂળની મહિલા અધિકારી સામે વારંવાર રેસિસ્ટ ટિપ્પણીઓ કરી હતી અને તેમના વાળની સતત મજાક ઉડાવીને તેમને ભયભીત કર્યા હતા. શિસ્તભંગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ, તમામ આઠેય અધિકારીઓને કોલેજ ઓફ પોલીસિંગના બ્લેકલિસ્ટમાં સામેલ કરાયાં છે. હવે તેઓ  ભવિષ્યમાં ક્યારેય પોલીસ દળમાં કોઈ પણ હોદ્દા પર સેવા આપી શકશે નહીં.

0000000000000000000000000000000000000000000000

બ્રિટિશ એરવેઝના ક્રુ મેનેજર અમરદીપ ધારીવાલ સહકર્મી પર જાતીય હુમલો કરવાના કેસમાં દોષી

લંડનઃ બ્રિટિશ એરવેઝના કેબિન ક્રૂ મેનેજર 55 વર્ષીય અમરદીપ ધારીવાલને તેના બર્કશાયર સ્થિત નિવાસસ્થાને મહિલા સહકર્મીની સંમતિ વિના અયોગ્ય સ્પર્શ કરવા અને જાતીય સતામણી કરવાના કેસમાં અદાલતે દોષી ઠેરવ્યા છે. રીડિંગ ક્રાઉન કોર્ટમાં નવ દિવસ ચાલેલી સુનાવણી બાદ ધારીવાલને સિગ્નિફિકન્ટ સેક્સ્યુઅલ અસોલ્ટના  કેસમાં દોષિત જાહેર કરાયા હતા. થેમ્સ વેલી પોલીસ અનુસાર, મે 2022માં બ્રેકનેલ સ્થિત ધારીવાલના ઘરે આ ઘટના બની હતી, જ્યાં બંનેએ સાથે સાંજ વિતાવી હતી. મોડી રાત્રે જ્યારે મહિલા જાગી ત્યારે તેણે ધારીવાલને અયોગ્ય રીતે સ્પર્શ કરતા જોયા હતા. ભયના કારણે મહિલાએ સુવાનો ડોળ ચાલુ રાખ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી નીકળીને મિત્રને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સાઉથોલના વતની ધારીવાલને કડક શરતો સાથે જામીન આપવામાં આવ્યા છે અને 29 ઓક્ટોબરે સજાની જાહેરાત માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

0000000000000000000000000000000000000000000000

શીખ દંપતીનું અકસ્માતમાં મોત નિપજાવનાર સોફી હાઇન્ડે ગુનો કબૂલ્યો

લંડનઃ ફાઇફના ક્લુની સ્થિત બી981 રોડ પર 19 ડિસેમ્બર 2025ના રોજ ક્રિસમસની પાર્ટી બાદ નશાની હાલતમાં કાર હંકારી અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજાવનાર ફાઇફ કોલેજની લેક્ચરર 33 વર્ષીય સોફી હાઇન્ડે તેના પર મૂકાયેલા આરોપ કબૂલી લીધા છે. આ અકસ્માતમાં જતિંદર કૌર (48) અને તેમના પતિ સતવંત સિંહ (64)ના મોત થયાં હતાં જ્યારે તેમનો 10 વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘવાયો હતો. કોમ્પ્યુટર એનિમેશન લેક્ચરર હાઇન્ડને એડિનબરોની હાઇકોર્ટમાં કસ્ટડીમાં લેવામાં આવતા તે રડી પડી હતી. જજ માઇકલ ઓ'ગ્રેડી કેસીએ આ ગુનાને અતિ ગંભીર ગણાવ્યો હતો. કોલેજના ટર્મના છેલ્લા દિવસે ક્રિસમસ લંચ અને ડ્રિંક્સ પાર્ટીમાં હાઇન્ડ સાંજ સુધી મદિરાપાન કર્યા બાદ રાત્રે 10:30 વાગ્યે કાર લઈને નીકળી હતી અને તે સમયે મૃતક પરિવાર તેમની ફોક્સવેગન પોલો કારમાં ડિલિવરી કરવા જઈ રહ્યો હતો. જતિંદર કૌરનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું, જ્યારે તેમના પતિ સતવંત સિંહે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે દિવસ પછી દમ તોડ્યો હતો.

0000000000000000000000000000000000000000000000

પાર્સલમાં હેરાફેરી દ્વારા ગાંજાનો સપ્લાય કરનાર રોયલ મેઇલના અમજદ અલીને 6 વર્ષ 9 મહિનાની કેદ

લંડનઃ ગાંજાના સપ્લાયમાં મદદ માટે પાર્સલ ડાયવર્ટ કરનાર રોયલ મેઇલના એક કર્મચારીને જેલની સજા ફટકારવામાં આવી છે. તેની પાસેથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 12 લાખ પાઉન્ડથી વધુ રોકડા પણ મળી આવ્યા હતા. સ્લાઉના ઓલિવિયા ડ્રાઇવના રહેવાસી 50 વર્ષીય અમજદ અલીને રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા છ વર્ષ અને નવ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. અલીએ ગાંજાના સપ્લાયમાં સંસાધનો પૂરા પાડવા, પાર્સલની ચોરી કરવા, ગુનાહિત મિલકત કબજામાં રાખવા અને ખાનગી જગ્યાએ હથિયાર રાખવાનો ગુનો અગાઉથી જ સ્વીકારી લીધો હતો. ટેમ્સ વેલી પોલીસે 12 ડિસેમ્બર, 2025ના રોજ અલીના ઘર, વાહન અને સ્ટોરેજ ફાસિલિટી પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અધિકારીઓને સ્ટોરેજ લોકરમાંથી 11,85,420 પાઉન્ડ અને તેના ઘરેથી 42,290 પાઉન્ડ રોકડા મળી આવ્યા હતા. આ પોલીસ દળ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી સૌથી મોટી રોકડ જપ્તી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અલી સ્લોવ ખાતે આવેલા રોયલ મેઇલના લોજિસ્ટિક્સ સેન્ટરમાં પોતાની નોકરીનો દુરુપયોગ કરતો હતો. તે એવા પાર્સલ ઓળખી કાઢતો હતો જેમાં એક્સ-રે પરીક્ષણ પહેલાં ડ્રગ્સ હોવાની શંકા હોય. ત્યારબાદ તે પાર્સલ હટાવીને તેના પર પોતાના સરનામા સહિત અન્ય સરનામાના લેબલ લગાવી દેતો હતો.

0000000000000000000000000000000000000000000000

સ્લાઉમાં બે રાહદારીને ટક્કર મારનાર મોહમ્મદ દિનને 13 વર્ષ 8 મહિનાની કેદ

લંડનઃ સ્લાઉના 22 વર્ષીય મોહમ્મદ દિન નામના વાહનચાલકને બે રાહદારીને પૂરઝડપે ટક્કર મારીને ફરાર થઈ જવાના કેસમાં 13 વર્ષ અને 8 મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. 19 ફેબ્રુઆરી 2025ના રોજ, લિટલબ્રુક એવન્યુ ખાતે વાહને બે લોકોને ટક્કર મારી હોવાના અહેવાલ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટક્કર બાદ પણ આરોપી પોતાના વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જ્યારે બંને ઈજાગ્રસ્તો ગંભીર હાલતમાં રસ્તા પર તરફડી રહ્યા હતા. ટેમ્સ વેલી પોલીસે સીસીટીવી ફૂટેજ અને વાહનમાંથી મળેલા ફોરેન્સિક પુરાવાઓના આધારે આરોપીની ઓળખ કરી તેને 24 ફેબ્રુઆરીના રોજ ઝડપી લીધો હતો. રીડિંગ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલના બીજા દિવસે, આરોપીએ ગંભીર શારીરિક ઈજા પહોંચાડવાના બે ગુનાઓની કબૂલાત કરી હતી, જેના આધારે અદાલતે તેને આ સજા સંભળાવી છે.

0000000000000000000000000000000000000000000000

મસ્જિદમાં નમાઝ અદા કરી પરત ફરતા બર્મિંગહામના કિશોરનું અકસ્માતમાં મોત

લંડનઃ બર્મિંગહામમાં 28ઓગસ્ટના રોજ સ્મોલ હીથમાં કેટલ રોડ અને ટેમ્પલફિલ્ડ સ્ટ્રીટના જંક્શન પાસે  સિટી ગ્રાઉન્ડ નજીક 16 વર્ષીય મુહમ્મદ ઈસ્માઈલ આલમ સાઇકલ પર જઈ રહ્યો હતો ત્યારે એક વાહને ટક્કર મારતાં મોત થયું હતું. આલમ ગ્રીન લેન મસ્જિદ અને કમ્યુનિટી સેન્ટર ખાતે ફજરની નમાઝ અદા કરીને પરત ફરી રહ્યો હતો. કોવેન્ટ્રી રોડ નજીક આવેલી દારુલ ઉલૂમ બર્મિંગહામ ઈસ્લામિક હાઈ સ્કૂલે 16 વર્ષીય આ વિદ્યાર્થીને એક અસાધારણ પ્રતિભા તરીકે યાદ કર્યો હતો. આલમે તાજેતરમાં જાહેર થયેલા GCSE પરિણામમાં ઉત્કૃષ્ટ ગ્રેડ મેળવ્યા હતા, સંપૂર્ણ કુરાન કંઠસ્થ કર્યું હતું અને જમાતની નમાઝનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવતો હતો.

0000000000000000000000000000000000000000000000

ઓટિઝમ પીડિત બોયફ્રેન્ડની હત્યા માટે ઇમરાન ઉદ્દીનને આજીવન કેદ

લંડનઃ ઓટિઝમ અને ઓસીડીથી પીડાતા બોયફ્રેન્ડ ઇસ્માઇલ યુનિસને માનસિક ત્રાસ આપી નૃશંસ હત્યા કરનાર 35 વર્ષીય ઇમરાન ઉદ્દીનને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે દોષિત ઠેરવીને ઓછામાં ઓછી 21 વર્ષની મુદત સાથે આજીવન કેદની સજા ફટકારી છે. ઇમરાન બૉયફ્રેન્ડની નિર્મમ હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ફ્લેટમાં જ સડવા માટે છોડીને શહેરમાંથી નાસી છૂટ્યો હતો.  ઇસ્માઇલ યુનિસે સંબંધનો અંત લાવવાનો પ્રયાસ કરતા જ રોષે ભરાયેલા ઇમરાને તેના પર ઘાતક હુમલો કરી દીધો હતો. હૉકલેના રિચમન્ડ રોડ સ્થિત ફ્લેટમાં થયેલી બોલાચાલી બાદ ઇમરાને ઇસ્માઇલના છાતીના ભાગે છરીનો ઘા ઝીંક્યો હતો અને ત્યારબાદ બે મિનિટથી વધુ સમય સુધી ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. ગુસ્સામાં અંધ થયેલા આરોપીએ યુવકના મૃતદેહ પર પણ છરીના અનેક ઘા ઝીંક્યા હતા. હત્યા બાદ આરોપી કોઈ પણ ડર વગર ફ્લેટને તાળું મારી મિલ્ટન કેન્સ નાસી ગયો હતો.

0000000000000000000000000000000000000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter