બ્રિટન ક્રાઇમ ડાયરી

Tuesday 15th September 2026 10:18 EDT
 
 

વિદ્યાર્થીનીઓની જાતીય સતામણીના આરોપસર સ્ટ્રેથક્લાઇડના પ્રોફેસર ઇબ્રાહિમ ખાદરા બરતરફ

લંડનઃ યુનિવર્સિટી ઓફ સ્ટ્રેથક્લાઇડના પ્રોફેસર ઇબ્રાહિમ ખાદરાને જાતીય સતામણીના આરોપોની તપાસ બાદ બરતરફ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસ બાદ ઇબ્રાહિમ ખાદરાને ફાર્માસ્યુટિકલ સાયન્સના પ્રોફેસર પદેથી હટાવી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીઓએ ખાદરા પર વાંધાજનક તસવીરો માંગવાનો તેમજ ટેક્સ્ટ મેસેજ અને ફોન કોલ્સ દ્વારા સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો. ખાદરા પર આરોપ લગાવનારી વિદ્યાર્થીનીઓએ તેમને કપટી તરીકે વર્ણવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે જો તેઓ તેમની વાંધાજનક તસવીરો નહીં મોકલે તો તેમને અભ્યાસમાં આગળ વધવા દેવામાં નહીં આવે તેવી ધમકી આપવામાં આવી હતી. ખાદરા પર જાતીય સામગ્રી ધરાવતી તસવીરો મોકલવાનો અને મેસેજ તથા કોલ્સ દ્વારા સતામણી કરવાનો પણ આરોપ છે.

0000000000000000000000000000000000000

બર્મિંગહામમાં ઘર બહાર ઘાતક છરી મારી ઝીશાન શૌકતની હત્યાઃ 11ની અટકાયત

લંડનઃ બર્મિંગહામમાં ઝીશાન શૌકત નામના યુવકની નિર્મમ હત્યા કેસમાં પોલીસે વધુ ત્રણ લોકોની ધરપકડ કરતાં અટકાયત કરાયેલા લોકોનો કુલ આંકડો 11 પર પહોંચ્યો છે. ઝીશાન શૌકત પર 25  ઓગસ્ટના રોજ રાત્રે આશરે 11.30 વાગ્યે હોજ હિલ વિસ્તારના એશવિલે એવન્યુ સ્થિત તેમના ઘર બહાર જ હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ઝીશાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ દિવસ બાદ મોત નીપજ્યું હતું. પોલીસે સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે જો આ ગુના સંબંધિત કોઈ પણ માહિતી કે પુરાવા હોય તો તેઓ તુરંત આગળ આવીને પોલીસનો સંપર્ક કરે, જેથી તમામ આરોપીઓને કાયદાના કટોકટી હેઠળ લાવી શકાય.

0000000000000000000000000000000000000

આતંકી પ્રવૃત્તિઓને સમર્થન આપવા માટે સ્મેથિવકનો મોઇન અલી દોષી

લંડનઃ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠનોને સમર્થન આપવા અને કોમી ઝેર ઓકવા બદલ બર્મિંગહામ ક્રાઉન કોર્ટે સ્મેથવિકના 60 વર્ષીય મોઇન અલીને આતંકવાદ અને જાહેર વ્યવસ્થાના ભંગ બદલ દોષિત જાહેર કર્યો છે. કોર્ટે તેને પ્રતિબંધિત સંગઠનોને સમર્થન આપવાના ત્રણ ગુના અને જાતિગત દ્વેષ ભડકાવવાના બે ગુનામાં દોષિત ઠેરવ્યો છે. ડિસેમ્બર 2023 થી જાન્યુઆરી 2024 દરમિયાન કરવામાં આવેલી વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટ્સ અંગે નાગરિકો તરફથી મળેલી માહિતી બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. વેસ્ટ મિડલેન્ડ્સ કાઉન્ટર ટેરરિઝમ પોલિસિંગના વડા ડેટા ડિટેક્ટીવ ચીફ સુપ્રિટેન્ડેન્ટ એલિસન હર્સ્ટે જણાવ્યું હતું કે, આ શખ્સે સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત સંગઠનોને સમર્થન આપવા અને કોમી દ્વેષ ફેલાવવા માટે કર્યો હતો. તેની પોસ્ટ્સ લોકોની લાગણી દુભાવનારી અને કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન કરનારી હતી. અદાલત દ્વારા આરોપી મોઇન અલીને 10 નવેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે.  

0000000000000000000000000000000000000

ક્રાઉન કોર્ટમાં અયોગ્ય રજૂઆત બદલ બેરિસ્ટર રાજીવ ચોપરા ચાર મહિના માટે સસ્પેન્ડ

લંડનઃ ક્રાઉન કોર્ટમાં અંતિમ દલીલોમાં અયોગ્ય અને ખોટી વિગતો રજૂ કરવા બદલ બેરિસ્ટર રાજીવ ચોપરાને ચિંતાજનક બિનકાર્યક્ષમ વર્તણુંક માટે ચાર મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજીવ ચોપરા સસ્પેન્શન બાદ પણ 45 કલાકનું કન્ટીન્યુઈંગ પ્રોફેશનલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સત્ર પૂર્ણ ન કરે ત્યાં સુધી વકીલાતના વ્યવસાયમાં પરત ફરી શકશે નહીં. બાર ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલે ચુકાદો આપતાં નોંધ્યું હતું કે, ચોપરાએ પોતાની જાતને એક અનુભવી અને સક્ષમ ગુનાહિત બાબતોના એડવોકેટ તરીકે રજૂ કર્યા હતા અને પોતાના અસીલોના પક્ષમાં પરિણામો લાવવામાં સફળ રહ્યા છે. પરંતુ અમે તેમની વ્યાવસાયિક ક્ષમતાઓ અંગેના તેમના આ દાવા સાથે સહમત નથી. વર્ષ 2020માં બેરિસ્ટર બનતા પહેલાં 16 વર્ષ સુધી સોલિસિટર તરીકે સેવા આપનાર ચોપરા બાળકની હાજરીમાં શારીરિક ઉત્પીડન કરવાના આરોપસર કેસનો સામનો કરી રહેલા એક રોમાનિયન નાગરિકનો બચાવ કરી રહ્યા હતા.

0000000000000000000000000000000000000

11 વર્ષની ઉંમરે બાળકી પર રેપ કરનાર હેલિફેક્સના મદસર હુસૈનને વર્ષો બાદ જેલની સજા

લંડનઃ એક સગીરા પર 11 વર્ષની ઉંમરે બળાત્કાર ગુજારવાના કેસમાં જ્યુરી દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ 32 વર્ષીય આરોપીને અદાલતે જેલની સજા ફટકારી છે. બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન સામે આવ્યું હતું કે, હેલિફેક્સના રહેવાસી મદસર હુસૈને ફરિયાદી બાળકી પર ગુજારેલા બળાત્કારના આરોપોને હજુ પણ નકાર્યા છે. કાનૂની કારણોસર પીડિતાની ઓળખ જાહેર કરવામાં આવી નથી. જ્યુરી દ્વારા બળાત્કારના છ અલગ-અલગ ગુનાઓમાં દોષિત ઠેરવાયા બાદ હુસૈનને આજીવન સેક્સ ઓફિન્ડર રજિસ્ટરમાં નોંધણી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, જજે 20 વર્ષનો રિસ્ટ્રેનિંગ ઓર્ડર પણ જાહેર કર્યો છે, જે હેઠળ આરોપીને પીડિતાનો કોઈપણ પ્રકારનો સંપર્ક કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

0000000000000000000000000000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter