જામીન પર મુક્ત ગેંગરેપનો દોષિત પાકિસ્તાન ભાગી જતાં પીડિતાઓમાં ભારે રોષ
લંડનઃ શેફિલ્ડમાં પાંચ સગીરાઓ પર જાતીય અત્યાચાર અને દુષ્કર્મ આચરવાના ગુનામાં 27 વર્ષની કેદની સજા પામેલો ગુનેગાર અમર ઇલ્યાસ જામીન પર મુક્ત થયા બાદ પાકિસ્તાન ભાગી છૂટતાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે પીડિતાઓએ ગંભીર આક્રોશ વ્યક્ત કરતા કાયદો અને વ્યવસ્થા પ્રણાલી સામે સવાલો ઊભા કર્યા છે અને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની લાગણી વ્યક્ત કરી છે. શેફિલ્ડ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન તેને જામીન આપવામાં આવ્યા હતા. જામીન દરમિયાન જુલાઈ 2025માં તે પાકિસ્તાન નાસી છૂટ્યો હતો અને સપ્ટેમ્બર 2025માં કોર્ટની કડક સૂચના છતાં ટ્રાયલ માટે હાજર થયો ન હતો. પરિણામે, જૂન 2026માં અદાલતે તેની ગેરહાજરીમાં જ તેને 27 વર્ષની કેદની સજા સંભળાવી હતી.
00000000000000000000000000000000000000
માઇગ્રન્ટ્સને અસાયલમ માટે ગે હોવાના ખોટા દાવામાં મદદ કરતી ગેંગ પર દરોડા
લંડનઃ માઇગ્રન્ટ્સને અસાયલમ માટે ગે હોવાનો ખોટો દાવો કરવામાં મદદ કરતી ગેંગ પર દરોડામાં ત્રણ લોકોની અટકાયત કરાઇ છે. હોમ ઓફિસના અધિકારીઓ અનુસાર આ નેટવર્ક બાંગ્લાદેશી નાગરિકો પાસેથી બનાવટી પુરાવા, નકલી દસ્તાવેજો અને બનાવટી તસવીરો આપવાના બદલામાં 1,000 થી 4,500 પાઉન્ડ સુધીની રકમ વસૂલતું હતું. લંડનમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન બે લોકોની છેતરપિંડી અને ઇમિગ્રેશન ગુનાઓ હેઠળ અટકાયત કરવામાં આવી હતી, જ્યારે ત્રીજી વ્યક્તિની ગેરકાયદેસર રીતે દેશમાં રહેવા બદલ ધરપકડ કરાઈ હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રકમ, દાગીના અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.
00000000000000000000000000000000000000
નશામાં વાહન ચલાવી દંપતીનો ભોગ લેનાર પૂર્વ લેક્ચરરને છ વર્ષની કેદની સજા
લંડનઃ ગયા વર્ષે એડિનબરોમાં ક્રિસમસ પાર્ટી બાદ દારૂના નશામાં ગાડી ચલાવી સામેથી આવતી કારને ટક્કર મારી દંપતીનું મોત નિપજાવવા બદલ કોલેજના પૂર્વ મહિલા લેક્ચરરને છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ગયા વર્ષે 19 ડિસેમ્બરે ફાઇફના ક્લુની ખાતે સર્જાયેલા આ અકસ્માતમાં 48 વર્ષીય જતિન્દર કૌર અને તેમના 64 વર્ષીય પતિ સતવંત સિંહનું કરૂણ મોત નીપજ્યું હતું. ફાઇફ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતી આરોપી સોફી હાઇન્ડે એડિનબરોની હાઇકોર્ટમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવી બે લોકોના મોત નિપજાવવા અને ગંભીર ઇજા પહોંચાડવાનો ગુનો સ્વીકાર્યો હતો. અદાલતે તેને છ વર્ષની કેદની સજા ફટકારવાની સાથે દસ વર્ષ માટે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાનો હુકમ કર્યો છે.
00000000000000000000000000000000000000
મેડિકલ ફ્રોડઃ મીનાક્ષી ભંડારીને બે વર્ષ, ક્રેગ મોરિસને 3 વર્ષ 9 મહિનાની કેદ
લંડનઃ કોવિડ-19 મહામારી દરમિયાન તબીબી સાધનો સપ્લાય કરવાના બહાને મિલિયનો પાઉન્ડની છેતરપિંડી આચરનાર પૂર્વ ફાર્માસિસ્ટ મીનાક્ષી ભંડારી, તેમના પતિ જોગેશ ભંડારી અને અન્ય એક સહઆરોપી ક્રેગ મોરિસને અદાલતે દોષિત ઠેરવી સજા ફટકારી છે. માહિતી અનુસાર, 58 વર્ષીય મીનાક્ષી ભંડારી, તેમના 60 વર્ષીય પતિ જોગેશ ભંડારી અને 43 વર્ષીય ક્રેગ મોરિસે કોરોના મહામારીના કટોકટીના સમયે અમેરિકા અને જર્મનીની કંપનીઓને નાઇટ્રાઇલ ગ્લોવ્ઝ પૂરા પાડવાનું ખોટું આશ્વાસન આપી કૌભાંડ આચર્યું હતું. લેસ્ટર ક્રાઉન કોર્ટમાં ક્રેગ મોરિસને ત્રણ વર્ષ અને નવ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે, જ્યારે મીનાક્ષી ભંડારીને બે વર્ષની સસ્પેન્ડેડ કેદ સાથે 250 કલાકની મફત સમુદાય સેવાની સજા ફટકારવામાં આવી છે.
00000000000000000000000000000000000000
યાસ્મીન સરવર પર પાંચ મિલિયન પાઉન્ડની છેતરપિંડીના આરોપ
લંડનઃ યુકેની અગ્રણી સિક્સ્થ ફોર્મ કોલેજોમાંથી એક એવી કાર્ડિફ સિક્સ્થ ફોર્મ કોલેજમાંથી 5 મિલિયન પાઉન્ડથી વધુ રકમની ચોરી અને છેતરપિંડીના મામલે એશિયાની વાયકોમ્બ એબી સ્કૂલ્સ સાથે કામ કરી ચૂકેલાં શિક્ષણ સલાહકાર યાસ્મીન સરવર સામે ખટલો શરૂ થયો છે. યાસ્મીન સરવર અને તેમના પતિ નદીમ સરવર કાર્ડિફ સિક્સ્થ ફોર્મ કોલેજમાં ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. તે દરમિયાન થયેલી આ નાણાકીય ગેરરીતિઓ સંદર્ભે યાસ્મીન સરવર સામે ચોરી અને છેતરપિંડીના નવ આરોપો મૂકવામાં આવ્યા છે. જોકે તેમણે તમામ આરોપોનો ઇનકાર કર્યો છે. જોકે તેમના પતિ નદીમે 5 મિલિયન પાઉન્ડન ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
00000000000000000000000000000000000000
હથિયારો અને ડ્રગ્સ સપ્લાય કેસમાં લેસ્ટરના અમિત દેસાઇને 10 વર્ષની કેદ
લંડનઃ લેસ્ટરના અમિત દેસાઇને દેશભરની ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ ગુનાહિત ગેંગોને હથિયારો, દારૂગોળો અને નશીલા પદાર્થો સપ્લાય કરવાના કેસમાં માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા 10 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. એન્ક્રિપ્ટેડ ચેટ નેટવર્કમાંથી પુરાવા મળ્યા બાદ 49 વર્ષીય અમિત દેસાઈ અને તેના સાથીદાર અબ્રાહમ અબ્દુલ્લા સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. અબ્દુલ્લા મુખ્યત્વે ગ્રાહકો શોધતો હતો જ્યારે દેસાઈ રોકડ રકમ એકઠી કરતો અને હથિયારોની ડિલિવરી પહોંચાડતો હતો. દેસાઈએ પણ કેસની ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ કોકેઈન સપ્લાય કરવાનો અને પ્રતિબંધિત હથિયારોની હેરફેરના કાવતરાના આરોપો સ્વીકારી લીધા હતા. ગુરુવારે દેસાઈને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
00000000000000000000000000000000000000
બે લાખની ક્રિપ્ટો કરન્સી ચોરીના કેસમાં અજય શિન્જિનને અઢી વર્ષની કેદ
લંડનઃ સિમ-સ્વેપિંગ ફ્રોડ દ્વારા આશરે 2,00,000 પાઉન્ડની ક્રિપ્ટોકરન્સીની ચોરીમાં મદદ કરનાર 25 વર્ષીય અજય શિન્જિનને અઢી વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેને ચોરીની રકમમાંથી 44,000 પાઉન્ડથી વધુ રકમ મળી હતી. તેણે આ નાણાં દુબઈમાં આલિશાન રજાઓ માણવા, લંડનના કેનરી વ્હાર્ફ ખાતે આવેલ મોંઘા એપાર્ટમેન્ટ અને સોનાનું પ્લેટિંગ ધરાવતી ગ્રીલ્સ પાછળ ઉડાવ્યા હતા. શિન્જિન સામે છેતરપિંડી અને ગુનાહિત સંપત્તિ ટ્રાન્સફર કરવાનો આરોપ સાબિત થતાં 8 ઓક્ટોબરે ઈનર લંડન ક્રાઉન કોર્ટ દ્વારા અઢી વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.

