એઆઇ ‘ગર્લફ્રેન્ડ’ની ઉશ્કેરણી બાદ શીખ યુવકેક્વીનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું
લંડનઃ 25 ડિસેમ્બર 2021ના રોજ બકિંગહામ પેલેસમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયની હત્યાના ઇરાદા સાથે ઘૂસેલો બ્રિટિશ શીખ જસવંતસિંહ છૈલ સ્ટારવોર્સથી પ્રભાવિત હતો. જસવંતસિંહે કબૂલાત કરી હતી કે તે એક ભારતીય શીખ છે અને તે 1919ના જલિયાંવાલા બાગના હત્યાકાંડનો બદલો લેવા માટે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની હત્યા કરવા માગતો હતો. જસવંતસિંહ પર હાલ દેશદ્રોહના આરોપસર કેસ ચાલી રહ્યો છે. જસવંતસિંહ પર એવો પણ આરોપ મૂકાયો છે કે તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરાયેલી વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડની ઉશ્કેરણીથી ક્વીનની હત્યાની યોજના બનાવી હતી. જસવંત રેપ્લિકા નામની એપ પર સરાઇ નામની ગર્લફ્રેન્ડના અવતાર સાથે સંકળાયેલો હતો. તેણે પોતાની આ યોજના સરાઇને જણાવી પણ હતી.
ક્રોયડનઃ 32 વર્ષીય પૌત્રે 89 વર્ષીય દાદીની હત્યા કબૂલી
લંડનઃ સાઉથ લંડનના બ્રિગસ્ટોક રોડ ખાતે પોતાના 89 વર્ષીય દાદીમાની હત્યા કરી હોવાની કબૂલાત તેના પૌત્રે કરી છે. 21 જૂને 32 વર્ષીય વેરુશન મનોહરને તેના 89 વર્ષીય દાદી શકુંતલા ફ્રાન્સિસની ચાકૂના ઘા મારીને હત્યા કરી હતી. સાઉથ લંડનનમા ક્રોયડન ખાતે વસવાટ કરતા વેરુશને ઓલ્ડ બેઇલી ખાતે જજ નાઇજલ લિકલી સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં દાદીની હત્યાની કબૂલાત કરી હતી. હવે આ મામલાની સુનાવણી 18 ઓગસ્ટના રોજ યોજાશે.
ડ્રગ્સનો કાળો કારોબાર કરતા 3 ભાઇને 36 વર્ષની કેદ
લંડનઃ ડિલોન સલ્હાન, રીસ સલ્હાન અને તેમના પિતરાઇ ગુરવિન્દર દારીને અદાલત દ્વારા માદકદ્રવ્યોના કાળા વેપાર માટે 36 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ ત્રણે ભાઇ ડ્રગ્સના ધંધામાં જોતરાયેલા હતા અને તેમની દાદીના ઘરમાંથી જ ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતા હતા. પોલીસે ગયા વર્ષે આ મકાન પર દરોડો પાડીને ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. આ ત્રણે ભાઇ કોકેન, હેરોઇન અને કેનેબિઝના વેપારમાં સંડોવાયેલા હતા. પોલીસે દરોડા દરમિયાન કેટલાક કિલોગ્રામ ડ્રગ્સ અને 1,27,000 પાઉન્ડ રોકડા જપ્ત કર્યાં હતાં. વૂલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા તેમને 36 વર્ષની કેદ ફટકારવામાં આવી છે.
બ્રેડફોર્ડના પબ્લિક પાર્કમાં બ્રિટિશ ભારતીયની ચાકૂ મારીને હત્યા
લંડનઃ પૂર્વ ઇંગ્લેન્ડના બેડફોર્ડના એક પબ્લિક પાર્કમાં ગયા સપ્તાહમાં 16 વર્ષના એક સગીર દ્વારા 25 વર્ષીય ભારતીય મૂળના યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી. બેડફોર્ડશાયર પોલીસે જણાવ્યું હતું કે, ગુરુવારે સાંજે બેડફોર્ડના જ્યુબિલી પાર્કમાં 25 વર્ષીય આશિષ સચદેવ નાહર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. પોલીસે 16 વર્ષીય સગીરની ધરપકડ કરી લ્યુટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી હત્યાનો આરોપ મૂક્યો હતો. નાહરને ચાકૂ દ્વારા હૃદયમાં ઇજા થવાના કારણે તેનું મોત થયું હતું.
પત્નીના 36 ઘા મારીને હત્યા કરનાર આસિમ હસનને આજીવન કેદ
લંડનઃ લંડનના કેનિંગ ટાઉનમાં પત્નીની 36 ઘા મારીને હત્યા કરનારા 33 વર્ષીય આસિમ હસનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસિમ હસન તેની પત્ની પર પારાવાર અત્યાચાર ગુજારતો હતો. તેમની વચ્ચે આર્થિક મુદ્દે અને હસનના વર્તાવ અંગે વારંવાર ટકરાવ થતો હતો. હસન શંકાશીલ સ્વભાવનો હતો અને તે તેની પત્ની પર અફેર હોવાનો આરોપ મૂકતો હતો. તેની પત્નીએ મિત્રો સમક્ષ હસન તેની હત્યા કરી નાખશે તેવી શંકા પણ વ્યક્ત કરી હતી.


