ગેગરેપ કેસઃ અર્જન પુરેવાલને 8 વર્ષ 6 મહિના, જસ્કરણને 6 વર્ષ 4 મહિના અને હસન જહાંગીરને 6 વર્ષની કેદ
લંડનઃ બર્મિંગહામના પ્રખ્યાત બ્રોડ સ્ટ્રીટ વિસ્તારમાંથી એક વિદ્યાર્થીનીનું અપહરણ કરી તેની સાથે કુકર્મ આચરનારા ત્રણ પુરુષોને કુલ 20 વર્ષથી વધુની જેલની સજા ફટકારવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ ગુનાને અંજામ આપવાના ઈરાદાથી શિકારની શોધમાં નીકળ્યા હતા. આરોપી અર્જન પુરેવાલે બોગસ આઈડી કાર્ડનો ઉપયોગ કરીને એક બીએમડબલ્યુ કાર ભાડે લીધી હતી. ત્યારબાદ તેના સાથીદારો જસ્કરણ થાંડી અને હસન જહાંગીર સાથે મળીને તેમણે પીડિતાને બર્મિંગહામથી આશરે 30 મિનિટ દૂર આવેલા ક્લેન્ટ સ્થિત વાઇન લેન ખાતે લઈ જઈ તેના પર નિર્મમ બળાત્કાર ગુજાર્યો હતો. તેમણે આ સમગ્ર ઘટનાનું મોબાઈલ ફોનમાં શૂટિંગ પણ કર્યું હતું. ગુનો આચર્યા બાદ પીડિતાને અવાવરુ જગ્યાએ ફેંકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. વુસ્ટર ક્રાઉન કોર્ટે અર્જન પુરેવાલનેકુલ 8 વર્ષ અને 6 મહિના, જસ્કરણ થાંડીને 6 વર્ષ અને 4 મહિના અને હસન જહાંગીરને 6 વર્ષની જેલની સજા ફટકારી હતી.
000000000000000000000000000000000000000000000000
કોવિડ યોજનામાં ફ્રોડ કરનાર ઝીશાન અશરફને 3 લાખ પાઉન્ડ પરત ચૂકવવા આદેશ
લંડનઃ કોરોના મહામારી દરમિયાન તત્કાલિન સરકાર દ્વારા શરૂ કરાયેલી ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ યોજનામાં છેતરપિંડી કરનાર બર્મિંગહામના મહાઠગે 3 લાખ પાઉન્ડ પરત ચૂકવવા પડશે. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે 46 વર્ષીય ઝીશાન અશરફને 307,690 પાઉન્ડ પરત કરવા જપ્તી હુકમ આપ્યો હતો. તેને આ મામલામાં ફેબ્રારી 2025માં 3 વર્ષ 8 મહિનાની કેદ પણ ફટકારવામાં આવી હતી. અશરફને ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ, બાઉન્સ બેક લોન અને કોવિડ જોબ રિટેન્શન સ્કીમ્સમાં છેતરપિંડી આચરવા બદલ સજા સંભળાવવામાં આવી હતી. લાલચુ અશરફે એપ્રિલ 2020 થી એપ્રિલ 2021 વચ્ચે ગેરકાયદેસર રીતે 268,102 પાઉન્ડ મેળવ્યા હતા અને વધુ 52,733 પાઉન્ડ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. બર્મિંગહામના ગ્લેસડેલ રોડના રહેવાસી અશરફને આપવામાં આવેલા કોન્ફિસ્કેશન ઓર્ડરમાં તેણે છેતરપિંડીથી મેળવેલી રકમ અને 2020 પછી નાણાંના મૂલ્યમાં થયેલા ફેરફાર સામેલ છે. દોષિત ઠરેલા આ ઠગને આ રકમ ચૂકવવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો તે નિષ્ફળ જશે તો તેણે વધુ અઢી વર્ષ જેલમાં વિતાવવા પડશે.
000000000000000000000000000000000000000000000000
બોગસ પ્રિસ્ક્રિપ્શન ફ્રોડઃ જીગ્નેશ અને રોહિત પટેલને છ છ વર્ષની કેદ
લંડનઃ બોગસ કેન્સર ડ્રગ પ્રિસ્ક્રિપ્શન દ્વારા નેશનલ હેલ્થ સર્વિસ સાથે 1.3 મિલિયન પાઉન્ડની છેતરપિંડી આચરવાના ગુનામાં બે ભારતીય મૂળના ફાર્માસિસ્ટને છ-છ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. સત્તાવાર વિગતો મુજબ, 46 વર્ષીય જીગ્નેશ પટેલ અને 42 વર્ષીય રાહિલ પટેલ નામના આ બંને આરોપીઓએ તબીબોની સત્તાવાર મંજૂરી વિના જ હજારો નકલી પ્રિસ્ક્રિપ્શન રજૂ કરીને કૌભાંડ આચર્યું હતું. તપાસ દરમિયાન 440 જેટલા દર્દીઓના નામે રજૂ કરાયેલા 1,639 બોગસ પ્રિસ્ક્રિપ્શન મળી આવ્યા હતા. ઉત્તર લંડનના એડમોન્ટન સ્થિત વાઇઝ ફાર્મસી દ્વારા લ્યુકેમિયા અને ગંભીર કેન્સરની સારવારમાં વપરાતી અત્યંત મોંઘી દવાઓ મેળવીને તેને યુરોપિયન યુનિયનમાં ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવતી હતી. સુનાવણી દરમિયાન જજે નોંધ્યું હતું કે, આ સુનિયોજિત કૌભાંડથી આરોગ્ય ક્ષેત્રે પહેલાથી જ આર્થિક દબાણ હેઠળ કામ કરી રહેલી એનએચએસને મોટું નાણાકીય નુકસાન પહોંચ્યું છે. અદાલતે બંને આરોપીઓને કંપનીના ડાયરેક્ટર પદ પરથી પણ છ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે.
000000000000000000000000000000000000000000000000
ફ્રોડ માટે સજા મેળવનાર રાસિબ ગફારની સનદ છિનવાઇ
લંડનઃ લીગલ એઇડ એજન્સી સાથે ડિફેન્સ લીગલ કોસ્ટના નામે ખોટા દાવા કરીને ફ્રોડ આચરવાના ગુનામાં 2024માં જેલની સજા પામેલા એક બેરિસ્ટરને હવે તેમની સનદ રદ કરીને બારમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. બાર ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલે તારણ કાઢ્યું હતું કે, 1995માં વકીલાત શરૂ કરનાર અને પાર્ટ-ટાઇમ જજ તરીકે સેવા આપી ચૂકેલા રાસિબ ગફારનું વર્તન જનતાનો તેમના તેમજ કાનૂની ક્ષેત્ર પ્રત્યેનો વિશ્વાસ ઘટાડે તેવું અને તેમની નિષ્ઠા સામે સવાલો ઊભા કરે તેવું હતું. વર્ષ 2011 અને 2012 દરમિયાન સોલિસિટર-એડવોકેટ અઝહર ખાન, સોલિસિટર જોસેફ કાયરેમે અને લીગલ ક્લાર્ક ગાઝી ખાન સાથે મળીને રાસિબ ગફારે કાનૂની ફી અને કામકાજના ખોટા આંકડા દર્શાવીને કાવતરું રચ્યું હોવાનું સાબિત થયું હતું. આ તમામ આરોપીઓને ખોટી રજૂઆતો દ્વારા છેતરપિંડી આચરવાના કાવતરા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ગફારે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા, પરંતુ ફેબ્રુઆરી 2024માં તેઓ દોષિત ઠર્યા હતા અને મે 2024માં તેમને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સજા સામેની તેમની અપીલ પણ ફગાવી દેવામાં આવી હતી.
000000000000000000000000000000000000000000000000
આતંકી સંગઠનોને મદદ કરનાર યુસુફ શાહને 4 વર્ષ અને 2 મહિનાની કેદ
લંડનઃ હિથ્રો એરપોર્ટ પરથી 16 વર્ષની વયે અટકાયત કરાયેલા એક ટીનએજરને આતંકવાદી સંગઠનોને સાયબર સિક્યુરિટી અને ટેકનિકલ સહાય પૂરી પાડવાના ગુનામાં જેલની સજા ફટકારવામાં આવી છે. ઇલફોર્ડના રહેવાસી 18 વર્ષીય યુસુફ શાહ સામે અલ-કાયદા સહિતના આતંકવાદી જૂથોને મદદ કરવાનો અને બોમ્બ બનાવવાની તેમજ હથિયારો વાપરવાની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવાનો આરોપ સાબિત થયો છે. કિંગસ્ટન ક્રાઉન કોર્ટે તમામ ગુનાઓ હેઠળ સુનાવણી હાથ ધરીને શાહને 4 વર્ષ અને 2 મહિનાની કેદની સજા ફટકારી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શાહે માત્ર 16 વર્ષની ઉંમરે ક્રિપ્ટોકરન્સી દ્વારા આતંકવાદી સંગઠનોને નાણાકીય ભંડોળ પૂરું પાડવાની અને તહરીક-એ-તાલિબાન માટે સાયબર સિક્યુરિટી ગાઇડ તૈયાર કરી આપવાની ભૂમિકા ભજવી હતી. પોલીસ તંત્રે આ કિસ્સાને ગંભીર ગણાવતા વાલીઓને તેમના બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પ્રત્યે સતર્ક રહેવાની અપીલ કરી છે.
000000000000000000000000000000000000000000000000
પોલીસ અધિકારીની હત્યામાં સામેલ ફૈઝલ રઝાકને ફરી આજીવન કેદ
લંડનઃ રાજધાનીમાં ગેરકાયદેસર હથિયારોની હેરફેર કરવાના કેસમાં ફૈઝલ રઝાક સહિત અન્ય પાંચ લોકોને જેલની સજા ફટકારવામાં આવી છે. પોલીસ અધિકારીની હત્યામાં ભૂમિકા બદલ 9 વર્ષ પહેલાં જેલમાંથી મુક્ત થયેલા એક હથિયાર વેચનારને અંડરવર્લ્ડ ગન રેકેટમાં તેની સંડોવણી બદલ ફરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. હેરો રોડ, બકિંગહામના રહેવાસી 44 વર્ષીય ફૈઝલ રઝાકને અગાઉ 2005માં પોલીસ કોન્સ્ટેબલ શૌરોન બેશેનિવસ્કીની સઅપરાધ મનુષ્યવધના ગુનામાં જેલની સજા થઈ હતી. 38 વર્ષીય મહિલા અધિકારી પોતાના પુત્રીના ચોથા જન્મદિવસે યુનિવર્સલ એક્સપ્રેસ ટ્રાવેલમાં થયેલી લૂંટના કોલ પર પોતાની નિઃશસ્ત્ર સાથી સાથે પહોંચ્યા હતા, જ્યાં તેમને ખૂબ નજીકથી ગોળી મારવામાં આવી હતી. રઝાકે પીસી બેશેનિવસ્કી પર ગોળીબાર કરનાર ગેંગના ગેટઅવે ડ્રાઇવર તરીકે કામ કર્યું હતું. ઓછામાં ઓછી 11 વર્ષની સજા સાથે આજીવન કેદની સજા ફટકારાયા બાદ 2017માં તેને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. હવે તેને વર્કશોપમાંથી કન્વર્ટ કરેલા હથિયારો લંડનભરના ખરીદદારો સુધી પહોંચાડવા બદલ ઓછામાં ઓછી આઠ વર્ષની જેલની સજા સાથે ફરી આજીવન કેદ ફટકારવામાં આવી છે.
000000000000000000000000000000000000000000000000
3 સંતાનોની હત્યા કરનાર યાસ્મીન અલીને હોસ્પિટલ ઓર્ડર
લંડનઃ સાઇકોસિસથી પીડાતી 44 વર્ષીય યાસ્મીન અલીએ પોતાના ત્રણ બાળકોની હત્યા કરી દીધી હતી. આ કેસમાં તેને સુરક્ષિત સાઇકિયાટ્રિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવાનો અચોક્કસ મુદતનો હુકમ કોર્ટે કર્યો છે. યાસ્મીન અલીએ બ્રિસ્ટલ ક્રાઉન કોર્ટમાં પોતાની માનસિક સ્થિતિ અને જવાબદારીના અભાવને આધારે માનવવધના ત્રણ ગુના સ્વીકાર્યા હતા. 18 ફેબ્રુઆરી, 2024ના રોજ સી મિલ્સ, બ્રિસ્ટલ સ્થિત તેમના ઘરેથી સાત વર્ષીય ફારેસ બાશ, ત્રણ વર્ષીય જુરી બાશ અને નવ મહિનાના મોહમ્મદ બાશ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સૂદાનમાં નર્સ તરીકે કામ કરી ચૂકેલી યાસ્મીનની મેન્ટલ હેલ્થ એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી હતી. પોતાની ઇજાઓની સર્જરી કરાવ્યા બાદ તેને સાઉથમીડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હાલમાં તે સુરક્ષિત સાઇકિયાટ્રિક હોસ્પિટલમાં છે.
000000000000000000000000000000000000000000000000
ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ માટે ઇલિંગના અબ્દુલ્લા હસનને 3077 પાઉન્ડનો દંડ
લંડનઃ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જથ્થામાં ફટાકડાનો ભયજનક સંગ્રહ કરવા તેમજ સગીરને ફટાકડાનું વેચાણ કરવા બદલ સાઉથોલના લેડી માર્ગારેટ રોડ પર આવેલી આલ્ફા ડિજિટલ સિસ્ટમ્સ નામના સ્ટોરના સંચાલક અબ્દુલ્લા હસનને કોર્ટે ભારે દંડ અને સામાજિક સેવાની સજા ફટકારી છે. અદાલતે અબ્દુલ્લા હસનને 12 મહિનાનો કોમ્યુનિટી ઓર્ડર આપી 200 કલાકની અવેતન સામાજિક સેવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, તેને દંડ, કોર્ટ ખર્ચ અને વિક્ટિમ સરચાર્જ મળીને કુલ 3077 પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ઇલિંગ કાઉન્સિલના ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ અધિકારીઓએ ઓક્ટોબર 2025માં હાથ ધરેલી તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, દુકાન પાસે માત્ર 75 કિલો ફટાકડા રાખવાની પરવાનગી હોવા છતાં સ્થળ પરથી 97 કિલો ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો. એક ગુપ્ત ઓપરેશન દરમિયાન આ દુકાનમાંથી 15 વર્ષના સગીરને વય ચકાસણી વિના ફટાકડા વેચવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.
000000000000000000000000000000000000000000000000
લીડ્સના હીટ એન્ડ રન કેસમાં હરદીપ ભાચુને 12 વર્ષ, જસકમલને 16 વર્ષની કેદ
લંડનઃ લીડ્સમાં જાન્યુઆરી 2023માં બેફામ કાર રેસિંગ કરી 27 વર્ષીય માતા અને તેની 4 વર્ષની પુત્રીનું મોત નિપજાવવા બદલ ભારતીય મૂળના બે પુરુષોને કુલ 28 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. લીડ્સ ક્રાઉન કોર્ટે સોમવારે હરદીપ ભાચુને 12 વર્ષ અને જસકમલ રિયાતને 16 વર્ષની કેદની સજા સંભળાવી હતી. હરદીપ ભાચુએ ખતરનાક રીતે વાહન ચલાવીને જસ્ટિના હુલ્બોજ અને તેની પુત્રી લેના ચેપ્ઝોરના મોત નિપજાવવાનો ગુનો કબૂલ્યો હતો, જ્યારે રિયાત સામે ઓગસ્ટમાં યોજાયેલી ટ્રાયલ બાદ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બંને આરોપીઓ પર છ વર્ષ માટે ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અકસ્માત 16 જાન્યુઆરી, 2023ના રોજ થયો હતો, જ્યારે ભાચુએ પોતાની ઑડી કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને શાળાએ જઈ રહેલી માતા-પુત્રીને અડફેટે લીધી હતી. સરકારી વકીલના જણાવ્યા મુજબ, અકસ્માત પહેલાં 40 માઇલ પ્રતિ કલાકની ઝડપની મર્યાદા ધરાવતા રોડ પર રિયાત પોતાની બીએમડબ્લ્યુ કાર 89 માઇલ પ્રતિ કલાકની ઝડપે ચલાવી રહ્યો હતો અને ભાચુ સાથે સ્પર્ધા કરી રહ્યો હતો.
000000000000000000000000000000000000000000000000

