બ્રિટન ક્રાઇમ ડાયરી

Tuesday 18th July 2023 11:24 EDT
 
 

સાત ભારતીયોને બ્રિટનમાં ગેરકાયદે પ્રવેશ કરાવવા બદલ બે ભારતીયોને જેલ

લંડનઃ  મહિલાઓ અને બાળકો સહિત સાત ભારતીય પ્રવાસીઓને બે કારની ડેકીમાં છુપાવી ગેરકાયદે બ્રિટનમાં પ્રવેશ કરાવવા બદલ ત્યાં રહેતા બે ભારતીયોને જેલની સજા ફટકારવામાં આવી છે. 48 વર્ષીય પલવિન્દર સિંહ ફૂલને સાડા ત્રણ વર્ષ અને 45 વર્ષીય હરજિત સિંહ ધાલીવાલને ત્રણ વર્ષ અને બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં કેન્ટરબરી ક્રાઉન કોર્ટે બંને આરોપીઓને સજા ફટકારી છે. બંને ભારતીયો પર પ્રવાસીઓને બ્રિટનમાં ગેરકાયદેસર  પ્રવેશ કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. .

વૂલ્વરહેમ્પ્ટનમાં રોહન કાંડાના હત્યારા પરબજિત અને સુખમનને આજીવન કેદ

લંડનઃ વૂલ્વરહેમ્પ્ટનમાં રોહન કાંડા નામના સગીરની હત્યા કરનારા સગીરો પરબજિત વીધેસા અને સુખમન શેરગિલને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે. રોહન કાંડા પ્લે સ્ટેશન કન્ટ્રોલર ખરીદીને ઘેર જતો હતો ત્યારે પરબજિત અને સુખમને તેના પર ધારદાર હથિયારોથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ તેમને ભાન થયું હતું કે તેમણે ખોટી વ્યક્તિની હત્યા કરી નાખી હતી. સગીરાવસ્થાના કારણે અદાલતે અગાઉ આ અપરાધીઓના નામ જાહેર કરવા પર મનાઇ ફરમાવી હતી પરંતુ ચુકાદા સમયે અદાલતે તેમની ઓળખ પરનો સ્ટે હટાવી લીધો હતો.

હીટ એન્ડ રન કેસમાં પોલીસે 37 વર્ષીય ગુજરાતી મહિલાની તસવીર જારી કરી

લંડનઃ પોલીસે 69 વર્ષીય રાહદારીને ટક્કર મારી મોત નિપજાવનાર નિશાબેન મિસ્ત્રીની તસવીર જારી કરી છે. પોલીસને લાગે છે કે નિશાબેને જાણીજોઇને એક રાહદારીને ટકકર મારીને તેનું મોત નિપજાવ્યું હતું. પોલીસનું કહેવું છે કે નિશાબેન ગૂગલ પર અકસ્માત કેવી રીતે કરવા અને ત્યાંથી કેવી રીતે નાસી છૂટવું તે અંગેના સવાલો ગૂગલ પર શોધતા હતા. તે એમ માનતી હતી કે તેણે કોઇ ઝાડીમાં કાર ટકરાવી છે પરંતુ તેની કાર એક રાહદારી સાથે ટકરાઇ હતી. જોકે તપાસમાં પોલીસને કેરલેસ અથવા તો ડેન્જરસ ડ્રાઇવિંગના કોઇ પુરાવા મળી આવ્યાં નથી.

હેટ પ્રીચર અંજેમ ચૌધરીની આતંકવાદના આરોપસર ધરપકડ

લંડનઃ યુકેના કુખ્યાત હેટ પ્રીચર અંજેમ ચૌધરીની આતંકવાદી પ્રવૃત્તિઓની શંકાના આધારે ઇસ્ટ લંડનના તેના નિવાસસ્થાન ખાતેથી ધરપકડ કરાઇ છે. પોલીસે સોમવારે વહેલી સવારે તેના ઘર પર દરોડો પાડ્યો હતો. પોલીસે 56 વર્ષીય અંજેમ ચૌધરીની સાથે 28 વર્ષીય કેનેડિયન નાગરિકની હિથ્રો એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. બંનેને અટકાયત કરીને વેસ્ટ લંડન પોલીસ સ્ટેશન લઇ જવાયાં હતાં. પોલીસ અંજેમ ચૌધરીના લંડન ખાતેના અન્ય 3 ઠેકાણા પર સર્ચ ઓપરેશન કરી રહી છે.

લેસ્ટરમાં ક્રિકેટ મેચ બાદ જૂથ અથડામણ, એકને ઇજા, 4ની અટકાયત

લંડનઃ લેસ્ટરમાં રવિવારે રૂશે ફિલ્ડ્સ રિક્રિએશન ગ્રાઉન્ડ ખાતે 30થી વધુ લોકો વચ્ચે થયેલી જૂથ અથડામણમાં ક્રિકેટ બેટનો છૂટા હાથે ઉપયોગ કરાયો હતો. રવિવારે સાંજે 7.15 કલાકે કેટલાક લોકો ક્રિકેટ બેટ સહિતના હથિયારો સાથે બાખડી રહ્યાં હતાં ત્યારે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સ્થાનિક ક્રિકેટ મેચના પગલે આ અથડામણ સર્જાઇ હતી. પોલીસ આવતાં જ લોકો વિખેરાઇ ગયાં હતાં. આ અથડામણમાં એક વ્યક્તિને ઇજા થઇ હોવાનું કહેવાય છે. તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. પોલીસે શંકાના આધારે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી અને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter