આરોપીને બચાવવાનો પ્રયાસ કરનાર ઇમિગ્રેશન જજને 3 વર્ષની કેદ
લંડનઃ 1.8 મિલિયન પાઉન્ડના લીગલ એઇડ ફ્રોડના આરોપીને બચાવવા માટે વકીલો સાથે સાંઠગાંઠ કરનાર ઇમિગ્રેશન જજ રાસિબ ગફ્ફારને 3 વર્ષની કેદની સજા કરાઇ છે. એસેક્સના 54 વર્ષીય ગફ્ફારને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોજગાર આપતા ભારતીય રેસ્ટોરન્ટોને સંડોવતા કેસમાં બોર્નમાઉથ ક્રાઉન કોર્ટમાં ક્લાયન્ટ વતી રજૂઆત કરવા માટે 1,40,000 પાઉન્ડ ચૂકવાયાં હતાં. હકીકત એ હતી કે તે સમયે તે ત્યાં હાજર પણ નહોતો. બેરિસ્ટર અને પાર્ટ ટાઇમ ઇમિગ્રેશન જજ તરીકે કામ કરતા ગફ્ફારે તેના પરના આરોપો નકારી કાઢ્યા હતા પરંતુ સાથી બેરિસ્ટર, સોલિસિટરો, ક્લાર્ક અને કોર્ટના ડ્રાફ્ટ્સમેન સહિત 6 જણા સાથે મળીને ખોટી રજૂઆત કરી ફ્રોડના કાવતરા માટે દોષી ઠેરવાયો હતો. તેની સોલિસિટર પત્ની કરીના મેસિએલની તબિયત સારી ન હોવાના કારણે મેડિકલ ગ્રાઉન્ડ પર તેની સામે કેસ ચલાવવામાં આવ્યો નહોતો.
સોલિસિટરો અઝહર ખાન, જોસેફ આમેયાવ કિરિમેહ, લીગલ ક્લાર્ક ગાઝી ખાને 2011ના આ કેસમાં કોસ્ટ પેટે 18,56,584 પાઉન્ડનો ખોટો દાવો કર્યો હતો. અઝહર ખાન અને ગાઝી ખાને અન્ય બે કેસમાં 9 મિલિયન પાઉન્ડની લીગલ એઇડ માટે પણ દાવો કર્યો હતો.
ગાઝી ખાનને પાંચ વર્ષની સજા માર્ચ મહિનામાં ફટકારવામાં આવી હતી. અદાલતે તેને આ ફ્રોડના રીંગલીડરો પૈકીનો એક ગણાવ્યો હતો.
સ્ટોનહેન્જ નુકસાન કરનાર ભારતીય મૂળના એક સહિત બેની ધરપકડ
લંડનઃ વિલ્ટશાયરના સેલિસબરી પ્લેઇન પર આવેલા પ્રિહિસ્ટોરિક મેગાલિથિક સ્ટ્રક્ચર સ્ટોનહેન્જને નુકસાન કરવાના આરોપસર ભારતીય મૂળના રાજન નાયડુ સહિત બે વ્યક્તિની ધરપકડ કરાઇ છે. બર્મિંગહામના 73 વર્ષીય નાયડુ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીનો 21 વર્ષીય વિદ્યાર્થી નિયામ્હ લિન્ચ જસ્ટ સ્ટોપ ઓઇલ એક્ટિવિસ્ટ છે. તેમણે સમર સોલ્ટાઇસ સેલિબ્રેશનના એક દિવસ પહેલાં સ્ટોનહેજ પર ઓરેન્જ પાવડરકલર નાખીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટોનહેજ 5000 વર્ષ કરતાં જૂનું પૌરાણિક સ્થળ છે. વિલ્ટશાયર પોલીસે બંનેની ધરપકડને સમર્થન આપ્યું હતું. વડાપ્રધાન રિશી સુનાકે આ ઘટનાને અપમાનિત કરનાર તોડફોડ ગણાવી હતી જ્યારે લેબર નેતા સર કેર સ્ટાર્મરે જસ્ટ સ્ટોપ ઓઇલ સંગઠનના કૃત્યની આકરી ટીકા કરી હતી.
મહિલા દર્દી પર બળાત્કાર ગુજારનાર સિદ્ધાર્થ નાયરને 13 વર્ષની કેદ
લંડનઃ વ્હિસ્ટન હોસ્પિટલ ખાતે 30 જાન્યુઆરી 2024ના રોજ મહિલા દર્દી પર બળાત્કાર ગુજારનાર હોસ્પિટલ વર્કર સિદ્ધાર્થ નાયર (28)ને 13 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. નાયરે તેનો અપરાધ કબૂલી લેતાં લિવરપૂલ ક્રાઉન કોર્ટે તેને સજા ફટકારી હતી. ડિટેક્ટિવ ઇન્સ્પેક્ટર યોસેફ અલ રમાદાને જણાવ્યું હતું કે આ એક આઘાતજનક કિસ્સો હતો. તેના કારણે મહિલા દર્દી અને તેના પરિવાર પર ભયાનક અસર થઇ હતી. પીડિતા ઘણા માનસિક સંઘર્ષ સાથે જીવી રહી છે. અદાલતે અપરાધીને આપેલી સજાના કારણે તેને થોડી રાહત મળી હશે. અમે ઝડપથી કાર્યવાહી કરીને નાયરને ઝડપી લેવામાં સફળ રહ્યાં હતાં અને હવે તે સારો એવો સમય સળિયા પાછળ વીતાવશે.
આયલેસબરીના બે ડ્રગ ડીલરને 7 વર્ષ કરતાં વધુની કેદ
લંડનઃ આયલેસબરીના બે ડ્રગ ડીલરને વિવિધ પ્રકારના અપરાધો માટે 7 વર્ષ કરતાં વધુ કેદની સજા અપાઇ છે. ફેરફેક્સ ક્રેસેન્ટના 22 વર્ષીય હસીબ ઝમાનને 4 વર્ષ અને 4 મહિના તથા તેના સાથી 28 વર્ષીય મુહમ્મદ કાસિમ ખાનને 3 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ઝમાને ડ્રગ સપ્લાય, ક્રિમિનલ પ્રોપર્ટી પર કબજો અને પ્રતિબંધના ઉલ્લંઘનના આરોપ કબૂલ્યા હતા જ્યારે કાસિમ ખાને ડ્રગ સપ્લાય કરવાના અપરાધને કબૂલ્યો હતો.
બાળકના ઓનલાઇન ગ્રુમિંગ માટે રેડ્ડિચના ઇમામને 3 વર્ષની કેદ
લંડનઃ રેડ્ડિચના ઇમામ અને ચેરિટી વર્કર ઉમર દાઉદને એક બાળકનું ઓનલાઇન ગ્રુમિંગ કરવા માટે 3 વર્ષ કેદની સજા કરાઇ છે. બાળકો માટે કામ કરતી ચેરિટી સાથે સંકળાયેલા 36 વર્ષીય ઉમર દાઉદે કબૂલાત કરી હતી કે તેણે 13 વર્ષના બાળકને સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે પ્રેર્યો હતો. તેણે બાળક સાથે ઓનલાઇન સેક્સની વાતચીત કરી હતી અને તેની પાસેથી પોર્નોગ્રાફિક તસવીરો પણ મળી આવી હતી. વોર્સેસ્ટર ક્રાઉન કોર્ટે તેને દોષી ઠેરવી 3 વર્ષની કેદ ફટકારી હતી.
1.3 મિલિયન પાઉન્ડની વેટ ચોરી માટે લેસ્ટરની કંપનીના બે ડિરેક્ટરને કેદ
લંડનઃ લેસ્ટરની કપડાંની કંપનીના ડિરેક્ટરોને 1.3 મિલિયન પાઉન્ડના ટેક્સ ફ્રોડ માટે કેદની સજા કરાઇ છે. હિફઝૂરરહેમાન પટેલ અને એહસાન ઉલ હક દાઉદ પટેલે 2014થી 2017 વચ્ચે વેટની ચૂકવણીથી બચવા માટે સંખ્યાબંધ બનાવટી કંપનીઓ ઊભી કરી હતી. ટાસ્કફોર્સ અને રેવન્યૂ- કસ્ટમની સંયુક્ત તપાસ બાદ બંનેની લેસ્ટર ખાતેથી ધરપકડ કરાઇ હતી. બંનેએ તેમના પર મૂકાયેલા આરોપ નકારી કાઢ્યા હતા પરંતુ લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા તેમને દોષી ઠેરવાયાં હતાં. બંને મિડલેન્ડ ટ્રેડિંગ લિમિટેડના ડિરેક્ટર બતા. અદાલતે હિફઝૂરરહેમાન પટેલને પાંચ વર્ષ અને એહસાન પટેલને 3 વર્ષ 11 મહિના કેદની સજા ફટકારી હતી. આ કેસમાં લેસ્ટરના જ રહેવાસી એવા પ્રવીણભાઇ વાળંદ, મોહસિન પટેલ અને મુનાફ બંગલાવાલાને પણ વેટ ચોરીમાં સંડોવણી માટે દોષી ઠેરવાયાં હતાં.
એડિનબરો યુનિવર્સિટીને 3 મિલિયન પાઉન્ડનો ચૂનો લગાવનાર બિઝનેસમેનને 7 વર્ષની કેદ
લંડનઃ એક દાયકા કરતાં વધુ સમયથી ચાલી રહેલા કૌભાંડમાં એડિનબરો યુનિવર્સિટીને 3 મિલિયન પાઉન્ડ કરતાં વધુનો ચૂનો લગાવનાર બિઝનેસમેન આસિમ જોહરને 7 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 2005થી 2015 વચ્ચે આસિમ જોહરે યુનિવર્સિટીના પૂર્વ આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ એસ્ટેટ્સ એન્ડ બિલ્ડિંગ જ્યોફ ટર્નબુલ સાથે મળીને બોગસ પ્રોક્યોરમેન્ટ સ્કીમ ચલાવી હતી. ટર્નબુલે જોહરની કંપની યુનિવર્સલ સોલ્યૂશન પાસેથી હજારો પાઉન્ડનું ક્લિનિંગ મટિરિયલ મગાવ્યું હતું જેની કોઇ પ્રકારે જરૂર નહોતી અને આ મટિરિયલની ડિલિવરી પણ કરાઇ નહોતી. જોહરે આ કોન્ટ્રાક્ટ માટેનું કમિશન પોતાના ખિસ્સામાં સેરવી લીધું હતું જ્યારે ટર્નબુલે ગિફ્ટ કાર્ડ્સ , વાઉચર્સ અને અન્ય રીતે 1,12,010 પાઉન્ડ પોતાના ખિસ્સામાં સેરવી લીધાં હતાં.


