સુનાકના ઘરમાં બિનઅધિકૃત પ્રવેશેલા 4ની ધરપકડ
લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકના નોર્થ યોર્કશાયર ખાતેના નિવાસસ્થાનમાં બિનઅધિકૃત પ્રવેશ કરનાર ચાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. ચાર શંકાસ્પદ વડાપ્રધાનના નિવાસસ્થાનમાં પ્રવેશ્યના માહિતી મળ્યાના તુરંત બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ચારેને ઝડપી લીધાં હતાં. એમ માનવામાં આવે છે કે રિશી સુનાક સામે વિરોધ નોંધાવવાના ભાગરૂપે તેઓએ બિનઅધિકૃત પ્રવેશ કર્યો હતો.
ચિલ્ડ્રન ચેરિટીના 3,15,000 પાઉન્ડની ઉચાપત માટે સ્થાપક અને ટ્રસ્ટીને કેદ
લંડનઃ એસેક્સમાં ચિલ્ડ્રન્સ ચેરિટીના સ્થાપક અને પૂર્વ ટ્રસ્ટીને સંસ્થામાંથી 3,15,000 પાઉન્ડની ઉચાપત માટે કેદમાં મોકલી અપાયાં છે. તેમણે આ નાણા ગેમ્બલિંગ અને ઘરના બિલ ભરવામાં ખર્ચી નાખ્યાં હતાં. રૂક્સાન ખાને 2011માં જીવલેણ બીમારી અથવા વિકલાંગતા ધરાવતા બાળકો માટે જેમ્સ ડોનોવન સાથે મળીને કિડ્ઝ કમ ફર્સ્ટ નામની ચેરિટીની સ્થાપના કરી હતી. એસેક્સ પોલીસના જણાવ્યા અનુસાર બંનેએ 2011થી 2015ના સમયગાળામાં ચેરિટીના નાણાની ઉચાપત કરી હતી. રૂક્સાના ખાનને આ અપરાધ માટે પાંચ વર્ષ અને 11 મહિના તથા જેમ્સ ડોનોવનને 3 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી.
ચેરિટી શોપમાંથી 10,000 પાઉન્ડની ચોરી કરનાર વોલન્ટિયરને 18 મહિનાની કેદ
લંડનઃ મેરી ક્યુરી ચેરિટી શોપમાં વોલન્ટિયર તરીકે કામ કરનાર કર્મચારીને 10,000 પાઉન્ડની ચોરી માટે 18 મહિનાની સસ્પેન્ડેડ કેદની સજા અપાઇ છે. નાસેર પાશાએ શિપલેમાં આવેલી આ શોપમાંથી સપ્ટેમ્બર 2021થી ઓક્ટોબર 2022 દરમિયાન નાણા ચોર્યાં હતાં. બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે પાશાને ગુનાની કબૂલાત બાદ આ સજા આપી હતી. પાશાએ આગામી 3 વર્ષ સુધી ચેરિટીને દર મહિને 150 પાઉન્ડ વળતર પેટે ચૂકવવાના રહેશે.
વેશ્યાઓ પાછળ હજારો પાઉન્ડ વેડફી નાખનાર સામે કંપનીએ 1.1 મિલિયન પાઉન્ડનો દાવો માંડ્યો
લંડનઃ કંપનીના હજારો પાઉન્ડ વેશ્યાઓ પાછળ વેડફી નાખનાર બે સંતાનોના પિતા મોહમ્મદ આસિફ ખાન સામે કંપનીના માલિકોએ 1.1 મિલિયન પાઉન્ડનો દાવો માંડ્યો છે. નોર્થ ઓફ ઇંગ્લેન્ડ કોચ વર્ક્સ માટે કામ કરતી વખતે આસિફે 1.1 મિલિયન પાઉન્ડની ચોરી કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, આસિફ ખાન કંપનીમાં ફાઇનાન્સ ડિરેક્ટર હતો અને તેણે વેશ્યાઓ પાછળ 1,60,000 પાઉન્ડ વેડફી નાખ્યા હતા. તેણે પોર્ન સ્ટાર ગેમ્મા મેસ્સીને પણ બોલાવી હતી. તે વેશ્યાઓને એક કલાક માટે 1000 પાઉન્ડ સુધીની રકમ આપતો હતો.

