એર ઇન્ડિયાની મહિલા ક્રૂ પર લંડનની હોટલમાં હુમલો
લંડનઃ ઍર ઈન્ડિયાની મહિલા કેબિન ક્રૂ પર લંડનની હોટલમાં ગયા અઠવાડિયે હુમલો થયો હતો. માહિતી પ્રમાણે મહિલા ક્રૂ હીથ્રો ઍરપોર્ટ નજીક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાઈ હતી. દરમિયાન એક હુમલાખોર રૂમમાં ઘૂસી ગયો. ત્યાં તેણે ક્રૂ સાથે ગેરવર્તણૂક અને મારપીટ કરી. મહિલાએ બૂમો પાડતાં આસપાસ રોકાયેલા લોકો જમા થયા અને તેને બચાવી હતી. હુમલાખોરની ધરપકડ કરાઈ છે. સૂત્રો અનુસાર, કેબિન ક્રૂ પર યૌન હુમલો પણ કર્યો હતો, ત્યારે કેટલાક સૂત્રો અનુસાર આ માત્ર શારીરિક હુમલો હતો. એર ઈન્ડિયાએ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે લંડન પોલીસ સાથે મળીને સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. ગંભીર ઈજાને કારણે મહિલા ક્રૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પછી પીડિત મહિલાને ભારત બોલાવી લેવામાં આવી અને અહીં તેનું કાઉન્સેલિંગ ચાલે છે.
ફાર રાઇટ્સ હિંસાઃ 460ને અદાલતોમાં રજૂ કરાયાં, 100 જેલભેગા કરાયાં
લંડનઃ યુકેમાં ફાર રાઇટ્સ હિંસામાં સામેલ ડઝનો લોકોને જેલ ભેગા કરી દેવાયાં છે. હિંસા, ઓનલાઇન ઉશ્કેરણી અને આગજનીના આરોપસર ગયા સપ્તાહમાં ઓછામાં ઓછા 460 લોકોને અદાલતોમાં રજૂ કરાયા હતા. તેમાંથી 70 આરોપી 18 વર્ષથી નાના સગીરો હતા. લગભગ 100 આરોપીઓને વિવિધ આરોપોમાં દોષી ઠેરવી જેલભેગા કરી દેવાયાં છે.
ગેરકાયદેસર તમાકુના વેચાણ માટે રૂઇસ્લીપની શોપને 4000 પાઉન્ડનો દંડ
લંડનઃ હિલિંગડન કાઉન્સિલની ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ટીમ દ્વારા પડાયેલા દરોડામાં રૂઇસ્લીપની શોપ ગેરકાયદેસર સિગારેટ અને તમાકુનું વેચાણ કરતાં ઝડપાઇ ગઇ હતી. 38 હાઇસ્ટ્રીટ ખાતે દેવી એન્ટરપ્રાઇસ લિમિટેડ નામની શોપ ધરાવતા અમનસિંહે અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં તમાકુના ગેરકાયદેસર વેચાણના આરોપનો સ્વીકાર કરી લીધો હતો. અદાલતે તેમને 4000 પાઉન્ડ કરતાં વધુનો દંડ ફટકાર્યો હતો. શોપમાં વેચાઇ રહેલી સિગારેટ, તમાકુ અને વેપ્સને યુકેમાં વેચવાની પરવાનગી નહોતી.
50,000 પાઉન્ડની ઉચાપત માટે લિચફિલ્ડના ભારતીય રેસ્ટોરન્ટ પર 12 વર્ષનો પ્રતિબંધ
લંડનઃ લિચફિલ્ડમાં આવેલી એક ભારતીય રેસ્ટોરન્ટના માલિકે કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા શરૂ કરાયેલી ઇટ આઉટ હેલ્પ આઉટ સ્કીમમાંથી મળેલા 50,000 પાઉન્ડની ઉચાપત કરવા માટે કરી હાઉસ પર 12 વર્ષનો પ્રતિબંધ લાદી દેવાયો છે. બિલાલ એહમદે કોરોના મહામારી દરમિયાન તેના ભારતીય રેસ્ટોરન્ટને રોકડ સહાયની જરૂર છે તેવા ઓઠા હેઠળ અધિકારીઓને મૂર્ખ બનાવ્યા હતા. તેમણે આ સ્કીમનો દુરુપયોગ કર્યો હતો. બેંગાલ તંદુરી નામના આ રેસ્ટોરન્ટના ટર્નઓવરના આંકડામાં ઘાલમેલ કરીને તેમણે 50,000 પાઉન્ડની કોવિડ બાઉન્સ બેક લોન હાંસલ કરી લીધી હતી.
3.8 મિલિયન પાઉન્ડની ઉચાપત માટે સોલિસીટર પર પ્રતિબંધ લદાયાં
લંડનઃ એસઆરએ કમ્પનશેસન ફંડમાંથી 3.8 મિલિયન પાઉન્ડની ઉચાપત કરનાર સોલિસીટર જસબિન્દર સિંહ સોહલ પર સોલિસીટર્સ ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલે પ્રતિબંધ લગાવી દીધો છે. 2002માં સોલિસીટર બનેલા સોહલને તેમના પૂર્વ પાર્ટનર સાથે છેતરપિંડી માટે પણ દોષી ઠેરવાયા છે. તેઓ હડર્સફિલ્ડની કંપનીના માલિક અને ડિરેક્ટર હતા. સોલિસીટર્સ રેગ્યુલેશન ઓથોરિટી દ્વારા સંખ્યાબંધ ક્લાયન્ટ દ્વારા પોતાના નાણા ગૂમ થયાની ફરિયાદો મળતાં કંપનીને તાળા લગાવી દેવાયાં હતાં. ઓગસ્ટ 2018થી ફેબ્રુઆરી 2019 વચ્ચે સોહલે ક્લાયન્ટના એકાઉન્ટમાંથી 2.85 મિલિયન પાઉન્ડના અયોગ્ય વ્યવહારો કર્યાં હતાં. સોહલને ખર્ચ પેટે 16,280 પાઉન્ડ ચૂકવવાનો પણ ટ્રિબ્યુનલે આદેશ આપ્યો હતો.
100 મિલિયન પાઉન્ડના ડ્રગ્સ સપ્લાય માટે બે પેડલરને કેદ
લંડનઃ વેસ્ટ યોર્કશાયરના બે વ્યક્તિને 100 મિલિયન પાઉન્ડના ડ્રગ્સનો પૂરવઠો પૂરો પાડવાના કાવતરા માટે જેલની સજા કરાઇ છે. લીડ્સ ક્રાઉન કોર્ટે મિરફિલ્ડના મોહમ્મદ તસાદિક ખાનને કોકેન અને હેરોઇનનો સપ્લાય કરવાના કાવતરા અને અપરાધિક સંપત્તિ ધરાવવા માટે 16 વર્ષ કેદની સજા કરી છે. ડ્યૂસબરીના હયાન આલમને આ કૃત્યમાં સામેલ હોવા માટે પાંચ વર્ષ કેદની સજા અપાઇ છે. પોલીસે જણાવ્યું હતું કે બંને અપરાધી સમગ્ર દેશમાં હેરોઇન અને કોકેનનો પૂરવઠો મોકલવા માગતા હતા. તેઓ સામુદાયિક હિંસામાં પણ સંડોવાયેલા માલૂમ પડ્યાં હતાં.
ગેરકાયદેસર સિગારેટ વેચતા લિન્કનશાયરના દુકાનદારને સજા
લંડનઃ લિન્કનશાયરના એક દુકાનદારને ગેરકાયદેસર સિગારેટના વેચાણ માટે સજા કરાઇ છે. સ્પેલડિંગમાં આવેલી શીપ માર્કેટમાંથી અધિકારીઓએ બે વાર ગેરકાયદેસર સિગારેટની ખરીદી કરીને પુરાવા હાંસલ કર્યાં હતાં. દુકાનદાર અલી ઇદરિશ ખાદેરે પોતાનો અપરાધ કબૂલી લેતાં લિન્કનશાયર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેને 13 મહિનાની કસ્ટડીની સજા અપાઇ હતી. જો કે આ સજા 12 મહિના માટે સસ્પેન્ડ રહેશે. ખાદેરને ચાર મહિના માટે રિહેબિલિટેશન ઓર્ડર અને ઓવરનાઇટ કરફ્યુની સજા પણ અપાઇ છે.

